Aug 29, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-265


જેમ બીજમાં જે તત્વ રહેલું છે,
તે જ તત્વ બહાર અંકુર અને પાંદડાં વગેરે-થી અનેક ચમત્કાર-રૂપે દેખાય છે,
તેમ,સર્વ પ્રાણીઓના (જીવોના) ચિત્તમાં જે વિભ્રમો રહેલા છે,
તે વિભ્રમો જ બહાર દ્વૈત ના વિભાગો-રૂપ દેખાય છે.
જે આ જગત જોવામાં આવે છે-તેવાં જ સઘળાં જગત,પ્રત્યેક જીવના ચિત્ત થી જુદાંજુદાં
ઉદય પામેલા છે.અને તેઓ મિથ્યા જ ઉદય પામેલાં છે.અને મિથ્યા અસ્ત પણ પામે છે.
આમ,પ્રત્યેક જીવનાં જુદાંજુદાં જગત હોવાથી,જેટલા જીવો છે તેટલાં જ જગત છે.પણ,
વાસ્તવિક રીતે જોતાં કોઈ પણ જગત ઉદય કે અસ્ત પામતું નથી.એ સર્વ એ ભ્રાંતિ-માત્ર જ છે.
કારણકે માયા જ ઉન્મતની પેઠે સઘળા વિલાસો કર્યા કરે છે.

જેમ,હમણાં આપણને આ સંસાર નો પ્રતિભાસ થાય છે,
તેમ બીજા જીવોને પણ,બીજા  હજારો સંસારના પ્રતિભાસો થયા જ કરે છે.
પણ જેમ બીજાના સ્વપ્ન માં કે સંકલ્પ માં થયેલા નગર ના વ્યવહારો અન્ય ના જોવામાં આવતા નથી,
તેમ,પ્રત્યેક જીવના મિથ્યા સંકલ્પો માં અનેક નગરોના મિથ્યા સમૂહો રહેલા છે-
પણ તે જ્ઞાન વિના જોવામાં આવતા નથી.
પિશાચો,યક્ષો અને રાક્ષસો-પણ એવી જ રીતે સંકલ્પ-માત્ર શરીર વાળા છે.
અને તેઓ પણ સંકલ્પ-માત્ર સુખ દુઃખથી ઘેરાયેલા છે.
હે,રામ,આ આપણે પણ શુક્ર ના પ્રતિભાસ ની પેઠે જ છીએ.એટલે કે સંકલ્પ-માત્ર આકાર-વાળા જ છીએ.
અને તે છતાં ખોટી રીતે,દેહાદિકનું સત્ય-પણું માની લઈએ છીએ.
“સમષ્ટિ-રૂપ” કહેવાતા “હિરણ્ય-ગર્ભ-રૂપ” માં પણ આ રીતે જ ખોટા સંસાર નો સમૂહ રહેલો છે.
અને તે ખોટા સંસારો નો સમૂહ,પોતાની સત્તાથી નહિ,પણ અધિષ્ઠાન-રૂપ-બ્રહ્મ ની સત્તાથી જ રહેલો છે.
માટે જે અધિષ્ઠાન છે તે જ સત્ય છે.
જેવી રીતે,વસંત-ઋતુ નો એક જ રસ અનેક ઝાડ-પાન-રૂપે મિથ્યા જ ઉદય પામે છે,
એમ,એક અધિષ્ઠાન-રૂપ-એક જ-બ્રહ્મ પ્રત્યેક જીવના જુદાજુદા જગત-રૂપે મિથ્યા જ ઉદય પામેલું છે.
“પોતાનો જે સંકલ્પ છે તે જ જગત-રૂપે વિસ્તાર પામેલો છે”
આ વિષય તત્વ-દૃષ્ટિ થી જોતાં યથાર્થ જાણવામાં આવે છે,અને
“અનાદિકાળનું જે અજ્ઞાન છે તેના પેટમાં રહેલું ચિત્ત જ મોટા જગત-રૂપે દેખાય છે”
આમ જે જાણે છે તે જ “તત્વ-વેત્તા” કહેવાય છે.
જગત ની સત્તા પ્રતિભાસ ના સમયમાં જ છે-પણ જયારે અધિષ્ઠાન ને જોવામાં આવે ત્યારે નથી.
માટે જગત છૂટી જાય છે ત્યારે ચિત્ત છૂટી જાય છે,જે ચિત્ત છે તે જગત છે અને જગત છે તે ચિત્ત છે.
એટલે બેમાંથી એક નો નાશ થાય તો બંને નો નાશ થાય છે.
અને એ નાશ અધિષ્ઠાન ના વિચારથી થાય છે.
શુદ્ધ થયેલા ચિત્તોનો સંકલ્પ સાચો નીવડે છે,તે પરથી નિશ્ચય થાય છે કે-
ચિત્તની સત્તાથી જ જગતની સત્તા છે

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE