Mar 14, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-449


જો કે,તત્વજ્ઞાન માં આગળ વધેલા વાસના વિહીન વિદ્વાન ને "સર્વ જગત હું છું" એવો અહંકાર રહે છે,તો પણ તે અહંકારથી તેની ખરાબી થતી નથી,કારણકે,એ વિદ્વાન,"પદાર્થો ના ભિન્ન-ભિન્ન-પણા-રૂપ-અનર્થ ની ભાવના"ને સ્વીકારતો નથી.
તેથી તુંબડું જેમ પાણીમાં ડૂબી જતું નથી,તેમ તે સુખ-દુઃખો ના વિલાસોવાળા ભ્રમોના પ્રકારો માં ડૂબી જતો નથી.

જયારે,હે,ગાધિ,તું તો હજી વાસનાઓની જાળથી ઘેરાયેલા ચિત્ત-વાળાઓ જેવો છે,અને યોગ્ય સમજણ વિનાનો છે,એટલે,તું સ્વ-રૂપમાં સ્થિર થયો છે એમ કહી શકાય નહિ.વળી,તને હજુ સુધી "પૂર્ણ જ્ઞાન" થયું નથી,એટલે તું તારા મનના ભ્રમ નું નિવારણ કરી શકતો નથી.જેથી, તારા મન (ચિત્ત) માં જયારે ભ્રમનો આભાસ ઉભો થાય છે ત્યારે,તે આભાસ આગળ તારું કંઈ ચાલતું નથી.

જે ચિત્ત છે તે જ આ માયા-રૂપી-ચક્ર-ના મધ્ય-બિંદુ રૂપે છે,અને તે મધ્ય-બિંદુને લીધે માયા-રૂપી ચક્ર સર્વત્ર ફર્યા કરે છે.માટે તે ચિત્તને દબાવી દેવામાં આવે -તો માયા-રૂપી-ચક્ર કંઈ અડચણ કરી શકતું નથી.
માટે હવે તું તપ કરવાને સજ્જ થા,અને મનમાં કોઈ ખેદ નહિ રાખતાં,દશ વર્ષ સુધી,
ચિત્તના નિરોધ (યોગ) નો અભ્યાસ કર,આમ કરવાથી તને અપરિચ્છીન્ન (શુદ્ધ) જ્ઞાનની પ્રાપ્તિ થશે.

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,આમ કહી વિષ્ણુ ભગવાન ત્યાંથી અંતર્ધાન થયા ત્યારે ગાધિ,ઋષ્યમૂક નામના
પર્વત પર ગયો અને ત્યાં દશ વર્ષ સુધી સંકલ્પો નો ત્યાગ કરી ને ચિત્તના નિગ્રહ કરવા-રૂપી તપ કર્યું,
કે જેથી તેને,જ્ઞાન ની પ્રાપ્તિ થઇ,અને પોતાની પર-બ્રહ્મ-સત્તા માં વિશ્રામ પામ્યો.

(૫૦) ચિત્તના જયનો ઉપાય,જ્ઞાન-માહાત્મ્ય અને ચિત્તની ચંચળતાથી થતા દોષોનું વર્ણન

વસિષ્ઠ કહે છે કે-હે,રઘુનંદન,આ રીતે પરમાત્મામાં રહેલી-
આ માયા -અત્યંત વિસ્તીર્ણ છે,માંડ-માંડ જાણી શકાય તેવી છે અને મહા-મોહ-મયી છે.અને
આ વિષમ માયા,અસાવધાન મન-વાળા પુરુષને નિઃસંશય નિત્ય (પ્રત્યેક દિને) સંકટમાં જોડી દે છે.

રામ પૂછે છે કે-હે,મહારાજ,આ પ્રમાણે આ (સંસારનું) માયા-રૂપી-ચક્ર કે જે મોટા વેગથી ચાલ્યા કરે છે,અને,
જેમ,અવયવો છેદાવાથી શરીરને દુઃખ થાય,તેમ પરમાત્માને પણ,આ માયા-ચક્ર મર્યાદામાં મૂકી દેતું હોવાથી,તેમને પણ દુઃખ થયા કરતું હશે -તો તે (માયા-રૂપી) ચક્રને રોકવાનો કયો ઉપાય છે ?

વસિષ્ઠ કહે છે કે-સર્વદા ફર્યા કરતા અને ભ્રમ આપનારા
"સંસાર" નામના માયા-રૂપી ચક્ર નું (નાભિ) કેન્દ્ર,એ,"ચિત્ત" જ છે.એમ તમે સમજો.
પુરુષ-પ્રયત્ન કરીને બુદ્ધિ વડે એ ચિત્ત-રૂપી કેન્દ્ર ને રોકી લેવામાં આવે,
તો માયા-રૂપી ચક્ર-એ પોતાનું કેન્દ્ર (ચિત્ત) અટકી જવાને લીધે ભ્રમણ કરતુ (ફરતું) બંધ થઇ જાય છે.
માટે તમે ચિત્ત-રૂપી કેન્દ્રને યત્નથી થોભાવી રાખી અને આ સંસાર-રૂપી ચક્ર ને ભમતું (ફરતું) અટકાવી દો.

આ,સંસાર-રૂપી (માયા) ચક્ર જ (ઉપર મુજબ ચિત્ત ને લીધે) ભ્રમણ કરીને,
આત્માને વિવિધ યોનિઓમાં નાખી દે છે.
અને,આ ચિત્તનો નિરોધ કરવા-રૂપી (યોગ ની) યુક્તિ નહિ કરવાથી,માયા-ચક્ર (સંસાર) ને લીધે,
આત્મા ને (વિવિધ યોનિઓમાં ફરવા-રૂપ) અનંત દુઃખની પ્રાપ્તિ થાય છે.
કેવળ ચિત્તને દબાવવા-રૂપ-મહાન-ઔષધ વિના,
બીજો ગમે એવો પ્રયત્ન કરવામાં આવે,તો પણ,સંસાર-રૂપી-મહા-રોગ શાંત થાય તેમ નથી.
માટે પરમ કલ્યાણની પ્રાપ્તિ ને માટે ચિત્તને જ વશ કરો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE