Mar 16, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-762

વસિષ્ઠ કહે છે કે-આ વિષે એક દૃષ્ટાંત કહું છું.વિન્ધ્યાટવીના જંગલમાં,એક ધનવાન છતાં કંજૂસ,
કિરાટ (ગામડામાં ફેરી કરનાર વાણિયો) રહેતો હતો.એક દિવસ એ ફેરી કરવા જતો હતો ત્યારે,
ઘાસથી ઘેરાયેલા જંગલમાં તેની એક કોડી (એક પૈસો) પડી ગયો.
તે એક કોડી પાછી મળે,તો તેમાંથી સમય થતાં,વેપાર વડે,ચાર કોડી થાય,તેમાંથી આઠ પેદા થાય અને પછી ક્રમે કરીને તેમાંથી હજાર-બે-હજાર કોડી થઈ શકે-
તેવો વિચાર તેના મનમાં હોવાથી,તેણે ઘણા દિવસો સુધી,આળસ ત્યાગીને - યત્ન કરીને,તે કોડી શોધવામાં તત્પર રહ્યો,આસપાસના બીજા હજારો મનુષ્યોની મશ્કરી પર પણ તેનું લક્ષ્ય ખેંચાતું નહોતું.

છેવટે,તે જંગલના પ્રદેશમાંથી તેને કોડી તો ના મળી,પણ પૂર્ણ-ચંદ્રના જેવો ચિંતામણિ મળ્યો,
જેથી પ્રસન્ન થઈને તે ઘેર આવીને અત્યંત વૈભવશાળી બનીને સુખથી રહ્યો.
જે પ્રમાણે,તે કિરાટે રાત-દિવસ મનમાં ગ્લાનિ ન લાવતાં,કોડીની શોધ કરી તો-તેને ચિંતામણિ મળ્યો,
તે જ પ્રમાણે,શાસ્ત્રના ઉપદેશથી પોતાના આત્માનું સ્વરૂપ ઓળખાય છે.
ગુરુ-ઉપદેશના ક્રમથી,શાસ્ત્રના શ્રવણ વગેરે મારફતે,જે જ્ઞાન ઇન્દ્રિયથી મળે નહિ,તેની શોધ કરતાં,
મનન-નિદિધ્યાસન દ્વારા, તે "અપરોક્ષ જ્ઞાન"નો લાભ થઇ જાય છે.

હે રામચંદ્રજી,શાસ્ત્ર-આદિનું શ્રવણ,એ કર્ણ-આદિ ઇન્દ્રિય-રૂપે પરિણામ પામેલા મન નો વ્યાપાર છે,
અને બ્રહ્મ (ઈશ્વર કે ચૈતન્ય) એ પોતે,ઇન્દ્રિયોનો વિષય નથી,
જેથી,ગુરુના ઉપદેશ-માત્રથી આત્મ-તત્વની પ્રાપ્તિ થતી નથી.જો કે ગુરુના ઉપદેશથી "તત્વ" સમજાય છે,
પરંતુ,તે બ્રહ્મનો સાક્ષાત્કાર તો મનન-નિદિધ્યાસન -આદિથી સ્વચ્છ થયેલ શિષ્યની બુદ્ધિ વડે જ સાધ્ય છે.

જેમ,ચિંતામણિ મળવામાં કોડી,સાક્ષાત કારણ-રૂપ,ના હોવા છતાં,પણ
તે કોડીની શોધ મારફત ચિંતામણિ મળવાથી,કોડીને કારણ-રૂપ ગણી શકાય છે,
તેમ,ગુરુનો ઉપદેશ પણ મોક્ષ-રૂપ-આત્મ-તત્વને ઓળખવામાં સાક્ષાત કારણ-રૂપ નહિ છતાં,
શ્રવણ-મનન-આદિ દ્વારા -તે ગુરુ-ઉપદેશ,કારણ-રૂપ થાય છે.

હે રામચંદ્રજી,મોટા-મોટાઓને પણ મોહમાં નાક્નારી આ માયા-શક્તિ તમે જુઓ,
કે કાંઇક શોધવા જતાં,વળી તેનું ફળ કાંઇક બીજું જ મળી આવે છે.
પુરુષ કાંઇક  કર્મ કરે છે અને પાછો કાંઇક જુદી જ જાતનો ફળનો લાભ તેને થાય છે-
એવું આ ત્રણેય લોકમાં જોવામાં આવે છે.માટે,આત્મજ્ઞાન થયા પછી માત્ર બાકી રહેલાં કર્મો કરીને,
સંગનો ત્યાગ કરીને કાળ વિતાવવો એ જ કલ્યાણકારક છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE