More Labels

Jul 4, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-851

હે રામચંદ્રજી,આ ઉપર બતાવેલી ત્રણ ભૂમિકા "જાગ્રત" એવા નામથી કહેવામાં આવે છે કેમ કે,તેમાં આ સર્વ દૃશ્ય બરાબર જાગ્રત અવસ્થાની પેઠે જ જોવામાં આવે છે.આ ત્રણ ભૂમિકામાં રહેલા યોગી પુરુષમાં કેવળ સજ્જનતાનો જ ઉદય થાય છે,કે જેને જોવાથી,મૂઢ બુદ્ધિવાળા પુરુષમાં પણ મુમુક્ષુ-પણું ઉદય પામે છે.
જે પુરુષ કર્તવ્ય કર્મોનું સારી રીતે આચરણ કરે અને જે અકર્તવ્ય કર્મો (નિષિદ્ધ કર્મો) થી દુર રહે,તેમ જ ચાલુ વ્યવહારને અનુસરીને રહે, તે "આર્ય" કહેવાય છે.

આ આર્ય-પણું,યોગીની 'પ્રથમ ભૂમિકા'માં પ્રગટ થાય છે,કે જેનો 'બીજી ભૂમિકા'માં વિકાસ થાય છે,અને,
'ત્રીજી ભૂમિકા'માં તે ફળીભૂત થાય છે.આ આર્યતામાં,મૃત્યુ પામેલો યોગી,પોતાના શુભ સંકલ્પો વડે,
પ્રાપ્ત થયેલા (સ્વર્ગ-વગેરે) ભોગોને ઘણા કાળ સુધી ભોગવી,પછી પાછો ફરીથી(જન્મ લઇ) યોગી થાય છે.

'ત્રણ-ભૂમિકા'ઓનો અભ્યાસ કરવાથી,અજ્ઞાનનો નાશ થઇ જતાં,અને સારી રીતે જ્ઞાનનો ઉદય થતાં,
ચિત્ત પ્રકાશમય અને આનંદમય થઇ જવાથી,એવા યોગમાં જ જેનું ચિત્ત જોડાયું છે-
તેવા યોગી-પુરુષો 'ચોથી-ભૂમિકા'ને પ્રાપ્ત થઇ,
આ સર્વ (જગત)"વિભાગ વિનાનું,આદિ-અંત-રહિત,અને સદા-સમાન" એવા 'એક- બ્રહ્મ-રૂપે' જ દેખે છે.

અદ્વૈત-ભાવ સ્થિર થઇ જવાથી અને દ્વૈત-બુદ્ધિ શાંત થવાથી 'ચોથી-ભૂમિકા' માં રહેલા યોગી પુરુષો
આ લોક (જગત)ને સ્વપ્ન જેવું સમજે છે.એટલે આ ચોથી અવસ્થા "સ્વપ્ન" એવા નામથી ઓળખાય છે.
આ અવસ્થામાં જગત પ્રાતિભાસિક સત્તા વડે સ્વપ્ન જેવું જણાયાથી 'સ્વપ્ન' નામથી કહેવાય છે
(નોંધ-પ્રથમ ત્રણ અવસ્થાને "જાગ્રત" કહેવામાં આવી છે-તે આગળ આવી ગયું છે)

આ પ્રાતિભાસિક સત્તાથી સ્વપ્નની જેમ પ્રતીતિમાં આવતી "દૃષ્ટા-દર્શન-દૃશ્ય"-રૂપ ત્રિપુટી -પણ,
પછી 'પાંચમી-ભૂમિકા'માં લય પામી જાય છે,અને આમ સુષુપ્તિ ની જેમ સર્વ લય થઇ જવાને પરિણામે,
તે 'પાંચમી-ભૂમિકા' ને 'સુષુપ્ત' એવું નામ આપવમાં આવે છે.
આ 'પાંચમી-ભૂમિકા'માં ગયેલો યોગી,કેવળ બાકી રહેલી 'ચૈતન્ય-સત્તા' રૂપે જ રહે છે.
આ ભૂમિકામાં આવ્યા પછી,સર્વમાં ભેદભાવ બતાવનારી 'ભેદ-બુદ્ધિ' ગળી જઈ,તે "અદ્વૈત"-માત્રમાં રહે છે,
અને આમ થવાથી 'પાંચમી-ભૂમિકા'પર ચડેલો યોગી સુષુપ્તિની પેઠે,પરબ્રહ્મમાં કેવળ એક-રસ-રૂપ થઇ જાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE