Nov 27, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-993

આમ "કારણ-રૂપ બીજ",એ સત્ય-અસત્ય-પણું સિદ્ધ કરવામાં એક "હેતુ-રૂપ" જ કહેવાય છે,
પણ (અધિષ્ઠાન-સત્તા-રૂપ) સત્ય-બ્રહ્મમાં,આ "કારણ-રૂપ-બીજ" સંભવિત જ નથી,
તો પછી,જગતની સત્તા કેમ હોય?શા વડે હોય?શા કારણ માટે હોય?શામાં રહી શકે?અને વળી કેવી હોય?
આ રીતે પરમ-સૂક્ષ્મ-બ્રહ્મની (બીજની) અંદર,આ સ્થૂળ આકારવાળું જગત (વૃક્ષ) રહ્યું છે-એ વાત પણ ઘટતી નથી,કેમ કે,જગતનું નિરાકાર-પણું (બ્રહ્મની જેવું જ) સ્વીકારવામાં આવે તો પછી તેનું શું બીજ હોઈ શકે? અને કાર્ય-કારણનો (જન્ય-જનકનો) ક્રમ પણ ક્યાંથી રહે?

માટે જે પરમ-તત્વ છે,તે જ વિવર્ત-રૂપે જગતને આકારે થઇ રહેલું છે,બાકી કશું ઉત્પન્ન થતું નથી,કે કશાનો નાશ પણ થતો નથી.ચિદાકાશ-રૂપ-આત્મા પોતાના હૃદયની અંદર ચૈતન્યપણાથી જ જગત-રૂપી ભ્રાંતિને દેખે છે.
જો હૃદય અશુદ્ધ હોય,તો એ ભ્રમ અશુદ્ધ જેવો (જગત-આદિ આકારવાળો) દેખાય છે ,પણ જો હૃદય શુદ્ધ હોય તો એ ભ્રમ પણ શુદ્ધ દેખાય છે.અને એ જગતનું રૂપ ચિદાકાશ-રૂપ જ છે એમ ભાસે છે.

એ જગત,ચિદાકાશની અંદર (પવનની અંદર રહેલી ગતિની જેમ) "આરોપિત-રૂપે" રહેલું છે,બાકી એ શુદ્ધ તત્વમાં સૃષ્ટિના નામ-રૂપની કલ્પના છે જ નહિ એમ અમને જણાય છે.જેમ આકાશની અંદર શૂન્યતા રહેલી છે તેમ,આત્માની અંદર શુદ્ધ સૃષ્ટિ પોતાના વિવર્ત-રૂપ રહી છે અને તે જાણે જુદી જ હોય તેવી દેખાય છે.
અમારા મત પ્રમાણે બ્રહ્મ જ જગત-રૂપે ફેલાઈ રહ્યું છે.માટે,તે જગત ઉદય પામતું નથી તેમ તેનો નાશ પણ નથી.
આમ,આ જગત,પોતાના વાસ્તવ સ્વરૂપ-રૂપ-ચિદાત્મામાં જ રહ્યું છે અને ચિદાકાશ-રૂપ જ છે એમ નિર્ણય થાય છે.માટે તમે પણ સર્વ દૃશ્ય (જગત)કલ્પનાથી રહિત થઇ જાઓ અને ચિદાકાશ-રૂપે થઈને જ રહો.

(૫૫) જગત બ્રહ્મ-રૂપ છે

વસિષ્ઠ કહે છે કે-જેમ,બીજ વૃક્ષના કારણ-રૂપ છે,
તેમ તે પરબ્રહ્મ (ચૈતન્ય) કોઈ વખતે પણ આ સાકાર જગતના કારણ-રૂપ હોઈ શકે નહિ.
સર્વ-રૂપે થઇ રહેલ ચિદાત્મા-રૂપી-ધાતુ,"ભાવના"ના લીધે,પોતાના આત્માની અંદર,પોતાના સ્વરૂપને જ જગત-રૂપે અનુભવે છે.આકાશના જેવી અસંગ અને નિર્વિકાર ચૈતન્ય-ધાતુ,
જેવીજેવી "ભાવના" કરે છે-તેવીતેવી ભાવનાને અનુકુળ જ સૃષ્ટિ તેના જોવામાં આવે છે.

આમ,જયારે આ સર્વ ઉત્પન્ન થયેલ જ નથી અને સાવ છે જ નહિ,છતાં પણ દેખાય છે,
ત્યારે તે નિર્વિકાર શાંત બ્રહ્મ જ એ અસત્ય-પ્રપંચના જેવું વિવર્ત-રૂપે થઇ રહ્યું છે તેમ તમે સમજો.
જળમાં જેમ દ્રવ-પણું રહેલ છે,તેમ ચિદાકાશમાં  ચિદાકાશ જ રહ્યું છે.પણ ચિદસત્તાને લીધે,
તેમાં જગતનો અધ્યાસ થાય છે એટલે તે ચિદાકાશ જગતના આકારે ખડું થઇ ગયેલ દેખાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE