Feb 11, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1067






વસિષ્ઠ કહે છે કે-તે વખતે હું સ્થૂળ-દેહથી રહિત હતો અને સૂક્ષ્મદેહ (આતિવાહિક દેહ) થી યુક્ત હતો.
હું જો કે ઇન્દ્રના નગરમાં ગયો હતો પણ ત્યાં કોઈએ મને દીઠો નહિ.તે વખતે હું આકાશ જેવો નિરાકાર થઇ રહ્યો હતો.
હું ચિદાકાશ વડે સત્તાવાળા મન-રૂપ જ થઇ ગયો હતો.તે વખતે આધાર-આધેય,ગ્રહીતા-ગ્રાહ્ય-કે એવું કશું હતું નહિ.
તેમ જ મારામાં દેશ-કાળ-આદિનું કશું પરિવર્તન પણ થયું નહોતું.એટલે પૃથ્વી-આદિ સ્થૂળ આકારથી રહિત હતો
અને તેને લીધે હું કોઈ પદાર્થોનો કશો અવરોધ કરતો ન હતો.

મારો આકાર સંકલ્પ-પુરુષના જેવો હતો.હું પોતે જ પોતાના અનુભવને જોયા કરતો હતો.અને મારા જેવા જ
મનોમય-રૂપે રહેલા પુરુષો સાથે હું વ્યવહાર કરતો હતો.આ બાબતમાં સ્વપ્નમાં થતા અનુભવો,એ દૃષ્ટાંત-રૂપ છે.
બાકી જે પોતાના અનુભવને પણ ના માને તેવાઓ સાથે તમારે વધુ તકરાર કરવાની જરૂર નથી.
હું સૂક્ષ્મદેહે રહ્યો હતો,એટલે મને કોઈ પણ દેખતું નહોતું,પણ હું પાર્થિવ શરીરવાળાઓને દેખતો હતો.

રામ કહે છે કે-તમે સૂક્ષ્મ-દેહે આકાશના જેવા નિરાકાર હતા તો ભૂમિ પર સિદ્ધે,આપને શી રીતે દીઠા?

વસિષ્ઠ કહે છે કે-જ્ઞાન અને યોગ વડે સિદ્ધ પુરુષો સત્ય-સંકલ્પને લીધે પોતાના સંકલ્પને આધારે કલ્પાયેલા પદાર્થોને
દેખે છે,પણ જે કલ્પાયેલા નથી હોતા તેમને દેખાતા નથી.પુરુષ ભલે જ્ઞાન-યોગ-આદિ વડે શુદ્ધ આત્મા-વાળાઓ હોય,
છતાં લૌકિક વ્યવહારોમાં નિમગ્ન થઇ જવાથી તે ક્ષણવારમાં પોતાના આતિવાહિક (સૂક્ષ્મ) સ્વરૂપને ભૂલી જાય છે.
એટલે જેવો 'મને આ સિદ્ધ મહાત્મા ભલે દેખે' એમ મારા મનમાં સંકલ્પ થયો
એટલે મારા સત્ય-સંકલ્પને લીધે તે સિદ્ધ-મહાત્માએ મને દીઠો.

આમ હું તે સિદ્ધના સંકલ્પના 'વિષય-રૂપ' થઇ રહ્યો હતો.બીજા સામાન્ય જીવો (ભેદ-ભાવના દૃઢ-પણાને લીધે)
સત્ય-સંકલ્પ હોઈ શકતા નથી,પણ એ મહાત્મા તો ભેદભાવથી બાધિત થઇ જવાથી સત્ય-સંકલ્પ હતા.
કદાચિત,જો બંને સિદ્ધ પુરુષ હોય અને તેમનું 'ઇચ્છિત' (ઈચ્છા કરાયેલું) જો પરસ્પર વિરુદ્ધ હોય,તો તે બંનેમાં
જેને આત્મજ્ઞાનની નિર્મળતાનું અધિક-પણું હોય અને જેનો પુરુષ-પ્રયત્ન સબળ હોય તે જય મેળવે છે.

હું સિદ્ધોના સમુહમાં ભમતો હતો અને વ્યવહારોના સમુદાય વડે મારું સૂક્ષ્મ-સ્વરૂપ ભૂલાયું હતું ત્યારે હું આકાશની
અંદર બીજાઓ સાથે વ્યવહાર  કરવા લાગ્યો હતો છતાં પણ,મને  ચંચળને કોઈ દેખાતું નહોતું.
હે રામચંદ્રજી,હું જોકે દેવલોકમાં "શબ્દ' (અવાજ) કરતો હતો,પણ મારો શબ્દ કોઈના સંભાળવામાં આવતો નહોતો,
કેમ કે મારો દેહ માત્ર મનોમય હતો,તેથી જો હું કોઈને મારા હાથનું અવલંબન આપવા ધારું તો પણ તે હાથ બીજાના
અવલંબન-રૂપ થઇ શકે નહિ.એમ હું "આકાશના એક પિશાચ-રૂપ" હતો.
અને દેવલોકની અંદર તેવા પિશાચ-પણાનો (અદૃશ્ય-કે જેને આંખથી જોઈ ના શકાય તેવો) અનુભવ કર્યો હતો.

રામ કહે છે કે-આ લોકમાં પિશાચો કેવા આકારે રહે છે?કયા સ્થાનમાં રહે છે?
તેઓ કેવી જાતિના,કેવા આચારના, કેવા અંતઃકરણવાળા અને કેવા હોય છે?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE