Nov 9, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-010

 

પછી,સુકન્યા,ચ્યવન મુનિ,માંધાતા,જનતું,સોમક,શ્યેન કપોત,શિબિરાજા વગેરેનાં આખ્યાનો કહ્યાં છે,

ત્યાર બાદ,અષ્ટાવક્રનું ઉપાખ્યાન આવે છે,તેમાં નૈયાયિકોમાં મુખ્ય વરુણપુત્ર બંદી સાથે,જનકરાજાના દરબારમાં,

અષ્ટાવક્ર વિવાદ કરે છે,જેમાં બંદી ની હાર થાય છે,વિજય પછી,અષ્ટાવક્ર,સાગરમાં ડૂબેલા પિતાને પાછા મેળવે છે.

પછી,પાંડવોની ગંધમાદન પર્વત યાત્ર અને નારાયણાશ્રમમાં તેમના વાસ વિષે કહેલ છે.

ગંધમાદન પર્વત ઉપર દ્રૌપદી ભીમસેનને સૌગન્ધિક કમળ લાવી આપવા કહે છે,ત્યારે તે લેવા જતાં,

ભીમને હનુમાનનાં દર્શન થાય છે,તેનું વર્ણન કરેલ છે.(170-178)


પછી,ભીમનો જટાસુર વધ કહ્યો,ત્યાર બાદ,ભીમનું કૈલાસ પર ચડવું,યક્ષો સાથે યુદ્ધ કરવું,પાંડવોનો કુબેર સાથેનો મેળાપ થવો,અર્જુનનું દિવ્ય અસ્ત્રો લઈને પાછા ફરવું,નિવાતકવચ,પૌલોમો,કાલકેયો રાક્ષસો સાથેનું યુદ્ધ અને તેમના વધ વિષે વર્ણવાયું છે.પછી,પાંડવો ગંધમાદન પર્વત પરથી કામ્યકવનમાં પાછા આવે છે,વચ્ચે એક પ્રબળ અજગર ભીમને ગળે છે,ત્યારે યુધિષ્ઠિર તેને છોડાવે છે.કામ્યકવનમાં ફરીથી શ્રીકૃષ્ણ આવીને મળે છે.(179-191)


પછી,માર્કંડેયસમાસ્યા અને પુરાતન કથાઓનું કીર્તન છે,મત્સ્યોપાખ્યાન,ઇંદ્રદ્યુમ્નનું ઉપાખ્યાન,પતિવ્રતાનું ઉપાખ્યાન,અંગિરાનું ઉપાખ્યાન,દ્રૌપદી અને સત્યભામાનો સંવાદ,અને પાંડવોનું ફરીથી દ્વૈતવનમાં જવું,

એ વિષયો કહ્યા છે,પછી ઘોષયાત્રા અને તેમાં દુર્યોધનનું ગંધર્વોના હાથે બંધાવું,ને તેનો અર્જુન દ્વારા છુટકારો,

ધર્મરાજાને સ્વપ્નમાં મૃગનું દર્શન અને પાંડવોનું ફરીથી કામ્યકવનમાં જવું,અને દુર્વાસા આખ્યાન એ કહેલું છે.


ત્યાર બાદ,આશ્રમમાંથી દ્રૌપદીનું જયદ્રથ દ્વારા હરણ,ભીમનું તેની પાછળ પડવું અને તેને પાંચ શિખાવાળો 

કરવો તે કહ્યું ને પછી,બહુ વિસ્તારવાળું રામાયણનું ઉપાખ્યાન છે.જેમાં,પરાક્રમથી,રામ રાવણને મારે છે.

સાવિત્રીની કથા,ધર્મરાજાનો પુત્રને ઉપદેશ,અને પાંડવોનું પશ્ચિમ દિશામાં જવાનું વર્ણન કર્યું છે.

આ બધું અરણ્ય (વન)પર્વમાં વર્ણવ્યું,કે જેના 269 અધ્યાયો છે.(192-205)


(4) વિરાટ પર્વ (નોંધ-વિરાટ-પર્વમાં 67-અધ્યાયો અને 2050-શ્લોકોનું કીર્તન કર્યું છે)

વનવાસનું છેલ્લું વર્ષ,ગુપ્ત રીતે રહેવાનું હોવાથી પાંડવો વિરાટનગર આવે છે,સ્મશાનમાં શમી વૃક્ષ પર 

પાંડવો,પોતાના અસ્ત્રો બાંધે છે,ને વેશ બદલીને નગરમાં રહે છે.દ્રૌપદીને ભોગાવાની ઈચ્છા કરનાર કીચકનો,ભીમ વધ કરે છે.એ વાત આ પર્વમાં છે,બીજી બાજુ,પાંડવોને શોધવા દુર્યોધન ત્રિગર્તને મોકલે છે કે જે વિરાટ રાજાની ગાયોનું હરણ કરે છે,ને વિરાટરાજને પકડે છે કે જેને ભીમ છોડાવે છે,ને ગાયોને પણ છોડાવે છે.

ફરીથી જયારે કૌરવો ગાયોનું અપહરણ કરે છે,ત્યારે અર્જુન સર્વને પરાજય આપી ગાયો પાછી વાળે છે,

વિરાટરાજા,અભિમન્યુને,પોતાની પુત્રી ઉત્તરાનું દાન કરે છે વિરાટપર્વમાં 67-અધ્યાયો છે (206-216)


(5) ઉદ્યોગ પર્વ (નોંધ-ઉદ્યોગ-પર્વમાં 186-અધ્યાયો અને 6698-શ્લોકોનું કીર્તન કર્યું છે)

દુર્યોધન,પાંડવોને રાજ્યભાગ આપવાની ના પાડે છે,યુદ્ધની તૈયારીઓ થાય છે,જયની ઈચ્છાવાળા પાંડવો

ઉપલવ્યમાં રહેતા હતા,ત્યારે દુર્યોધન અને અર્જુન,શ્રીકૃષ્ણ પાસે યુદ્ધમાં સહાયતા મેળવવા જાય છે.

કૃષ્ણ કહે છે કે-એક બાજુ હું,કે જે શસ્ત્ર હાથમાં લઈશ નહિ,માત્ર સલાહ આપીશ,તે અને બીજી બાજુ 

મારી અક્ષૌહિણી સેનાએ-એ બેમાંથી જેને જે જોઈએ તે માગો.અર્જુન શ્રીકૃષ્ણને પસંદ કરે છે.(217-221)


પાંડવોને મળવા જતા મદ્રરાજ શલ્યને,રસ્તામાં ભેટો આપી ભોળવીને તેની સહાયતા લે છે.

પાંડવો કૌરવો પાસે પુરોહિત મોકલે છે,અને સામે ધૃતરાષ્ટ્ર સંજયને દૂત તરીકે મોકલે છે,તેનું વર્ણન છે.

વાસુદેવ શ્રીકૃષ્ણ,જેમના નેતા છે,એવા પાંડવોના યુદ્ધના ઉદ્યોગ વિષે સાંભળીને ધૃતરાષ્ટ્ર ચિંતિત થાય છે.

વિદુર ધૃતરાષ્ટ્રને હિત-વાક્યો કહે છે જેને વિદુરનીતિ કહે છે.છેવટે શ્રીકૃષ્ણ સંધિ માટે આવે છે 

ત્યારે,પણ,રાજા દુર્યોધન,તેમની વિનંતીને પછી ઠેલે છે એ અહીં વર્ણવ્યું છે. (222-233)


કર્ણ અને દુર્યોધનની (કૃષ્ણને કેદ કરવાની) દુષ્ટ મંત્રણાઓ,જાણી જઈને,શ્રીકૃષ્ણ પોતાનું યોગેશ્વરપણું બતાવે છે.

પછી,શ્રીકૃષ્ણ,કર્ણને રથમાં બેસાડી તેને તેના હિત વિષે કહે છે પણ કર્ણ તેનો અસ્વીકાર કરે છે.

શ્રીકૃષ્ણ,પાંડવો પાસે પાછા આવે છે ને સર્વ વાત કહે છે.ને પછી,યુદ્ધની તૈયારીઓ શરુ થાય છે,

મહાયુદ્ધના આગલા દિવસે,દુર્યોધન,ઉલૂક નામના દૂતને પાંડવો પાસે મોકલે છે,

મહાભારતનું આ અનેક સંધિ-વિગ્રહથી મિશ્રિત ઉદ્યોગ પર્વમાં 186-અધ્યાય છે.(234-243)


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE