Jan 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-075

અધ્યાય-૮૧-યયાતિ રાજા સાથે દેવયાનીનાં લગ્ન 

II वैशंपायन उवाच II अथ दीर्घस्य कालस्य देवयानि नृपोत्तम I चनं तदेव निर्याता क्रीडार्थ वरवर्णिनी  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,લાંબા સમય બાદ,તે દેવયાની,હજાર દાસીઓ ને શર્મિષ્ઠા સાથે,તે જ વનમાં ક્રીડા કરવા માટે ગઈ.જયારે,તે વનમાં તે,સર્વ સખીઓ સાથે ક્રીડાઓ કરતી ને વિવિધ ભોજન આરોગતી હતી,તેવામાં,

મૃગયા માટે નીકળેલો,ને થાકથી પીડાયેલો,રાજા યયાતિ ફરી,તે જ વનમાં પાણીની શોધમાં આવી ચડ્યો.

ત્યારે,રાજાએ,સુંદર આભૂષણોથી વિભૂષિત,દેવયાની ને શર્મિષ્ઠા-એ બે યુવતીઓને જોઈ.

યયાતિ બોલ્યો-હજાર કન્યાઓંથી વીંટાયેલી હે બે કન્યાઓ,તમારાં નામ અને તમારાં ગોત્રોનાં નામ શું છે?

દેવયાની બોલી-'હે રાજન,અસુરોના ગુરુ શુક્રાચાર્યની હું પુત્રી છું અને આ મારી સખી ને દાસી છે,

તે હું (પરણીને) જ્યાં જાઉં ત્યાં આવનારી છે,તે દાનવરાજ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા છે.(1-10)

યયાતિ બોલ્યો-આ સુંદરી,દાનવપુત્રી છે,તો તારી દાસી કેમ થઇ? તે વિશે મને આશ્ચર્ય થાય છે.


દેવયાની બોલી-હે રાજન,સૌ કોઈ ભાગ્યને જ અનુસરે છે,તે મુજબ આ વાત પણ ભાગ્યાધીન છે,

તમારું રૂપ અને તમારા વેષ,રાજાના જેવાં છે,ને તમે બ્રહ્મવાણી બોલો છો,તો તમે મને કહો કે-

તમારું નામ શું છે? તમે ક્યાંથી આવ્યા? ને તમે કોના પુત્ર છો? (11-13)

 યયાતિ બોલ્યો કે-મેં બ્રહ્મચર્યપૂર્વક પૂર્ણ વેદનું અધ્યયન કર્યું છે,હું યયાતિ રાજા તરીકે પ્રસિદ્ધ છું.

દેવયાની બોલી-હે રાજન,તમે શા હેતુથી,વનના આ ભાગમાં આવ્યા છો?

યયાતિ બોલ્યો-હું મૃગયા માટે નીકળેલો છું ને પાણી શોધમાં અહીં આવ્યો,હતો હવે મને રજા આપો.


દેવયાની બોલી-હજાર કન્યાઓ ને દાસી શર્મિષ્ઠા સાથે હું તમારે અધીન છું,તમે મારા ભર્તા બનો (14-17)

યયાતિ બોલ્યો-હે શુક્રનંદિની,તું એ જાણ કે હું તારા માટે યોગ્ય નથી,

તારા બ્રાહ્મણ પિતા ક્ષત્રિય રાજાની (એટલે કે મારી) સાથે તારો વિવાહ કરશે નહિ.

દેવયાની બોલી-બ્રહ્મણોએ જ ક્ષત્રિયો ઉત્પન્ન કર્યા છે એટલે ક્ષત્રિયો,બ્રાહ્મણો સાથે મિશ્ર થયા છે.

હે નહુષપુત્ર,તમે પણ ઋષિપુત્ર જ છો (કેમ કે સર્વ ઋષિઓથી જ પેદા થયા છે)માટે મને પરણો.


યયાતિ બોલ્યો-હે સુંદરી,ચારે વર્ણ,એક જ દેહમાંથી ઉદ્ભવી છે,પણ તેમના ધર્મો ને આચારો અલગ અલગ છે,

બ્રાહ્મણોને સૌમાં શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે (18-20)

દેવયાની બોલી-હે રાજન,હું કુવામાં પડી હતી તે વખતે તમે મારો હાથ પકડીને મને બહાર કાઢી હતી,

તમે જ પ્રથમ મારો હાથ પકડ્યો હતો,તે પહેલાં કોઈ બીજા પુરુષ જોડે,મેં પાણિગ્રહણરૂપી-ધર્મનું 

સેવન કર્યું નથી,તમે મારો હાથ સ્વીકાર્યો હતો,તેથી હું તમને જ વરુ છું,

વળી,હું મનસ્વિની છું,તો હવે બીજો કોઈ પુરુષ મારા હાથને અડી શકશે નહિ.(21-22)


યયાતિ બોલ્યો-ભયકંર ઝેરવાળા સર્પ અને ,ભભૂકતા અગ્નિ,કરતાંયે બ્રાહ્મણ અસહ્ય છે-એમ જ્ઞાનીઓ કહે છે.

ઝેરી સર્પમેક વખત એકને જ કરડે છે,પણ ક્રોધિત થયેલો બ્રાહ્મણ,રાજ્યો સાથે નગરોનો પણ નાશ કરે છે.

આથી,મને,તારા (બ્રાહ્મણ) પિતા (ક્રોધિત થયા વિના) પોતે,તને ન આપે ત્યાં સુધી હું તને પરણું નહિ.


દેવયાની બોલી-હું તો તમને વરી જ ચૂકી છું,હવે,મારા પિતા મારુ દાન કરે ત્યારે પરણજો.તમે મારુ માગું કરશો નહિ,

પણ મારા પિતા મને,તમને આપે ત્યારે તમે મારો સ્વીકાર કરજો,તેથી કોઈ ભય રહેશે નહિ.

પછી,દેવયાનીએ,ધાત્રી જોડે તુરત જ પિતાને સંદેશો મોકલ્યો.ધાત્રીએ ત્યાં જઈ સર્વ હકીકત કહી.

એટલે શુક્રાચાર્ય,યયાતિને મળવા આવ્યા,ત્યારે તેમને યયાતિએ હાથ જોડી વિનયથી વંદન કર્યું.(24-29)


ત્યારે દેવયાનીએ પિતાને કહ્યું કે-'હે પિતા,આ રાજાએ સંકટને સમયે મારો હાથ ઝાલ્યો હતો.એટલે હું તમને વિનંતી

કરું છું કે તમે મને એમને આપો,આ લોકમાં,તેમના સિવાય,હું કોઈ બીજા પુરુષ સાથે વરીશ નહિ 

શુક્ર બોલ્યા-હે નહુષપુત્ર,મારી આ પ્રિય પુત્રીએ તમને પસંદ કર્યા છે,તેથી તેને તમને આપું છું.તેને સ્વીકારો.

યયાતિ બોલ્યો-આ લગ્ન કરવાથી,વર્ણસંકરતાનો અધર્મ મને ન લાગે તેવું,આપની પાસેથી હું વરદાન માગું છું.


શુક્ર બોલ્યા-તમને હું અધર્મમાંથી મુક્ત કરું છું,આ વિવાહથી તમે ગ્લાનિ ન પામો,તમને હું પાપમુક્ત કરું છું.

દેવયાનીને તમે ધર્મપૂર્વક પત્ની તરીકે સ્વીકારો અને અતુલ પ્રીતિને પામો.વૃષપર્વાની આ કુમારી શર્મિષ્ઠા છે,

તેને તમે સદા માં આપજો,ને કદીયે એને તમારી શય્યાભાગિની કરશો નહિ (30-36)


શુક્રે આ પ્રમાણે કહ્યું-ત્યારે યયાતિએ શુક્રાચાર્યની પ્રદક્ષિણા કરી અને શાસ્ત્ર અનુસાર લગ્ન કર્યા.

ને શુક્રાચાર્ય પાસેથી પુષ્કળ ધન,દેવયાની,શર્મિષ્ઠા ને દાસીઓ મેળવીને,તેમ જ દૈત્યોથી સત્કાર પામીને,

યયાતિએ,શુક્રાચાર્યની રજા લઈને,પ્રસન્નચિત્ત થઈને પોતાની રાજધાનીએ ગયો (37-39)

અધ્યાય-81-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE