Feb 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-091

અધ્યાય-૯૮-ભીષ્મની ઉત્પત્તિ 


II वैशंपायन उवाच II एत्च्छ्रुत्वा वचो राज्ञः सस्मितं मृदु वल्गु च I वसूनां समयं स्मृत्याथाम्याग्च्छद्निन्दिता  II १ II

વૈશંપાયન બોલ્યા-રાજાનું એવું મૃદુ,મનોહર અને સ્મિતયુક્ત વચન સાંભળીને તે આનંદિત ગંગા,

વસુઓના વચન સંભાળીને રાજની પાસે આવી અને તેના મનને પ્રસન્ન કરતી વાણીમાં બોલી કે-

'હે મહીપાલ,હું તમારી અધીન પટરાણી થઈશ,પણ મારી શરત છે કે-હું જે કાંઈ શુભ કે અશુભ કરું,તેમાં તમારે 

મને વારવી નહિ,તેમ જ મને કશું અપ્રિય કહેવું નહિ,હે રાજન,તમે જો આ રીતે વર્તશો તો હું તમારી સાથે રહીશ,

પણ જયારે તમે રોકશો કે અપ્રિય કહેશો ત્યારે હું તમને અવશ્ય ત્યજી દઈશ' 

શાંતનુએ કહ્યું કે-'ભલે તેમ જ હો' ને આમ,શાંતનુને પામીને ગંગા અપાર આનંદ પામી (1-5)

ગંગાને વશ એવા મનવાળો,શાંતનુ,તેને પામીને મનમાન્યા ભોગ ભોગવવા લાગ્યો,ને તેને ન ગમે તેવું કંઈ 

કહેતો નહોતો.ગંગા પણ ચતુરાઈથી રાજાને રાજી રાખી રમણ કરાવતી હતી,ગંગાના ગુણોથી વશ અને રતિમાં આસક્ત થયેલો તે રાજાને,વર્ષો વીતી ગયા તેનું ભાન રહ્યું નહિ.તેની સાથે યચેચ્છ રમણ કરતાં,શાંતનુએ આઠ પુત્રો  ઉત્પન્ન કર્યા હતા,પણ તે પુત્રો જેમ જેમ જન્મ્યા,તેમ તેમ,'તમને પ્રસન્ન કરું છું'એમ કહીને,ગંગાજીએ,સાત પુત્રોને, જળમાં ફેંકી દીધા.શાંતનુને,ગંગાજીનું આ કાર્ય પ્રિય લાગ્યું નહિ,પણ તે 'ત્યજી જશે' એ બીકથી તેને કશું કહ્યું નહિ.


પછી,જયારે આઠમો પુત્ર થયો,ત્યારે ગંગાજી જાણે હસી રહી હોય તેમ જણાતી હતી,એટલે દુઃખથી પીડાયેલા રાજાએ પોતાના પુત્રને બચાવવા માટે તેને કહ્યું કે-તું આને મારીશ નહિ,તું કોણ છે?કોની પુત્રી છે? ને આમ તું પુત્રોને મારી કેમ નાખે છે? હે પુત્રઘાતિની,તને મહા નિંદિત પાપ લાગ્યું છે (1-16)


ગંગા બોલી-હે રાજન,હું તમારા આ પુત્રને નહિ મારું,પણ મેં જે શરત કરી હતી,તે મુજબ,હું તમને ત્યજીને જઈશ.

હું જહ્નુપુત્રી ગંગા છું,દેવકાર્યના પ્રયોજનની સિદ્ધિને માટે હું તમારી સાથે રહી હતી,તે સાત પુત્રો,વસુઓ હતા કે જે આપવ (વસિષ્ઠ) ના શાપથી માનવદેહને પામ્યા હતા,તેમને માટે,માનવલોકમાં મારા જેવી કોઈ જનની ને તમારા જેવો કોઈ પિતા નહોતો.તેમની માતા થવાના હેતુએ હું મનુષ્યદેહને પામી છું,વસુઓને જન્મ આપી તમે લોકોને જીત્યા છે.વસુઓ સાથે મારો એવો ઠરાવ થયો હતો કે-તેમને જન્મ આપી,મુક્ત કરીશ.આ આઠમો પુત્ર વસુઓના,તેજના (આઠમા) અંશથી થયેલો છે,ને મેં તે તમારા માટે વસુઓ પાસેથી મેળવ્યો છે,મેં પ્રસવેલા 

આ પુત્રને,તમે,'આ ગંગાએ આપેલો છે' એમ જાણીને,તમે આ મહાવ્રતવાન પુત્રનું રક્ષણ કરજો,

આપણી શરત મુજબ હું હવે અહીંથી જઈશ (17-24)

અધ્યાય-98-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE