Feb 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-095

અધ્યાય-૧૦૧-ચિત્રાંગદનું મૃત્યુ ને વિચિત્રવીર્યને રાજ્યપ્રાપ્તિ 


II वैशंपायन उवाच II ततो विवाहे निर्वुत्ते,स राज शान्तनुर्नृपः I तां कन्यां रूपसंपन्नां स्वगृहे संन्यवेशयत II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,લગ્ન થયાં,અને શાંતનુએ તે રૂપ સંપન્ન કન્યાને પોતાના ઘરમાં નિવાસ આપ્યો.

સમય થયે,તે સત્યવતીમાં,ચિત્રાંગદ ને વિચિત્રવીર્ય નામના ને પુત્રોનો જન્મ થયો.

વિચિત્રવીર્ય,હજુ યુવાનીમાં આવે તે પહેલા જ શાંતનુ રાજા કાળધર્મને પામ્યો હતો.(1-4)

રાજાના મૃત્યુ બાદ,ભીષ્મે,સત્યવતીની સલાહ લઈને,જ્યેષ્ઠ પુત્ર ચિત્રાંગદને રાજા તરીકે સ્થાપ્યો.ચિત્રાંગદે,પોતાના શૌર્યથી,રાજાઓ,સૂરો,અસુરો સર્વને ઝાંખા પાડ્યા,ને 'પોતાના જેવો કોઈ બીજો નથી' એમ માનવા લાગ્યો.

ત્યારે તેના જ નામનો,એક બળવાન ગંધર્વરાજ તેના પર ચડી આવ્યો.કૃરૂક્ષ્રેત્રમાં ત્રણ વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું,

ને છેવટે,ગંધર્વરાજે,ચિત્રાંગદને હરાવી તેને મારી નાખી યુદ્ધનો અંત લાવી તે પોતે પણ સ્વર્ગે ચાલ્યો ગયો.


ત્યારે બાદ,જેને હજુ યવન પણ આવ્યું નહોતું,તેવા વિચિત્રવીર્યનો,ભીષ્મ દ્વારા રાજ્યાભિષેક કરવામાં આવ્યો.

તે વિચિત્રવીર્ય,ભીષ્મના વચનમાં રહીને રાજ્યનું પાલન કરતો હતો,ને ભીષ્મને પુજતો હતો.

રાજ્ય ને રાજાને વફાદાર રહીને,ભીષ્મ પણ ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરવા લાગ્યા.હતા (5-14)

અધ્યાય-101-સમાપ્ત 


અધ્યાય-૧૦૨-કાશીરાજની કન્યાઓનું હરણ-વિચિત્રવીર્યનું મરણ 


II वैशंपायन उवाच II हते चित्रांगदे भीष्मो बाले भ्रातरि कौरव I बालयामास तद्राज्यं सत्यवत्या भते स्थितः II १ II

ચિત્રાંગદના મૃત્યુ પછી,તેનો નાનો ભાઈ (વિચિત્રવીર્ય) બાળક હતો,ત્યારે ભીષ્મે,સત્યવતીની સલાહ પ્રમાણે રાજ્યનું પાલન કર્યું હતું.વિચિત્રવીર્યને યૌવન આવ્યું ત્યારે ભીષ્મે તેના વિવાહ માટે વિચાર કર્યો.તે વખતે ભીષ્મે,સાંભળ્યું કે-કાશીરાજની અપ્સરા જેવી ત્રણ કન્યાઓનો સ્વયંવર છે,ત્યારે,ભીષ્મે,માતાની અનુમતિ લઈને રથમાં બેસી પોતે એકલાજ વારાણસી નગરમાં ગયા,ત્યાં તેમણે,ચોમેરથી આવેલા અનેક રાજાઓને જોયા(1-5)


સ્વયંવરમાં,જયારે સર્વ રાજાઓના નામ બોલ્યા,ત્યારે,તે સર્વ સુંદર કન્યાઓ,વૃદ્ધ ભીષ્મને જોઈને 'આ તો વૃદ્ધ છે; એમ વિચારીને,આગળ ચાલી ગઈ.તે વખતે બીજા અધમ રાજાઓ,ભીષ્મની હાંસી કરતાં કહેવા લાગ્યા કે-

'આ વૃદ્ધ,કરચલીવાળો,ને માથે સફેદ વાળવાળો આ નિર્લજ્જ ભારત-શ્રેષ્ઠ અહીં કેમ આવ્યો છે?

'બ્રહ્મચારી ભીષ્મ' તરીકે આ,ભીષ્મ,મિથ્યા જ પ્રસિદ્ધ નથી શું? મિથ્યા પ્રતિજ્ઞાવાળો તે લોકોને શું કહેશે?


વૈશંપાયન બોલ્યા-હે રાજન,રાજાઓનાં આવાં વચન સાંભળીને ભીષ્મ ક્રોધે ભરાયા,ને,

તે સમર્થ ભીષ્મે,તે ત્રણે કન્યાઓનું હરણ કરીને,તેમને રથમાં બેસાડીને રાજાઓને કહેવા લાગ્યા કે-

'વિદ્વાનો આઠ પ્રકારના વિવાહોને વર્ણવે છે.બ્રાહ્મ વિવાહ,આર્યવિવાહ,આસુરવિવાહ,રાક્ષસવિવાહ,

ગાંધર્વવિવાહ,પૈશાચવિવાહ,પ્રાજાપત્ય વિવાહ,અને દૈવવિવાહ,

રાજાઓ સ્વયંવરને પ્રશંસે છે,અને તેને સ્વીકારે છે,પણ ધર્મવાદીઓ બળપૂર્વક હરણ કરાયેલી કન્યાઓના 

લગ્નને શ્રેષ્ઠ ગણે છે.તેથી હે રાજાઓ,હું આ કન્યાઓનું બળપૂર્વક હરણ કરીને લઇ જાઉં છું,તેમને લેવા માટે,

તમારા વિજય માટે કે પછી તમારા પરાજય માટે તમે પુરી શક્તિથી પ્રયત્ન કરો'(6-17)


'હે પૃથ્વીપાલો,હું યુદ્ધને માટે નિશ્ચયી થઈને અહીં ઉભો છું' ભીષ્મે,એમ કાશીરાજ અને બીજા રાજાઓને કહ્યું,ને તેમને યુદ્ધનું આમંત્રણ આપીને રથને હંકાર્યો.ત્યારે સર્વ રાજાઓ ક્રોધમાં આવી,પોતાના બાહુઓ ઠોકીને,

ઉતાવળથી પોતાના બખ્તરો પહેરીને,રથમાં આવી બેઠા ને ભીષ્મના રથની પાછળ પડ્યા.

પછી,તો અનેક રાજાઓ સામે એકલા ભીષ્મનું,રૂવાંડા ખડાં કરે તેવું યુદ્ધ થયું.

તે યુદ્ધમાં એકલા ભીષ્મે,હજારો ધનુષ્યો,ધજાઓ,કવચો ને મસ્તકો છેદી નાખ્યા.તેમની અલૌકિક શક્તિ જોઈને શત્રુઓ પણ તેમને પૂજવા લાગ્યા.ભીષ્મે,તે રાજાઓને પરાજય આપ્યો ને રથમાં આગળ વધ્યા.(18-35)


આગળ જતાં,મહારથી શાલ્વરાજ,ભીષ્મની પાછળ, સ્ત્રીની કામનાથી,ક્રોધપૂર્વક ચડી આવ્યો.ને કહેવા લાગ્યો કે'

'ઉભો રહે-ઉભો રહે' ત્યારે ક્રોધે ભરાયેલા,ભીષ્મે,ક્ષત્રિયધર્મ અનુસરીને પોતાનો રથ શાલ્વરાજ તરફ વાળ્યો.

એમ,બંને યોદ્ધાઓ સામસામે થયા ત્યારે,શરૂઆતમાં જ શાલ્વરાજે,ભીષ્મને હજારો બાણોથી ઢાંકી દીધા,

ત્યારે ક્રોધથી,ભીષ્મે,વારુણાસ્ત્ર છોડીને,તેના ચાર ઘોડાઓને ઇજા પહોંચાડી,તેના સારથીને હણી નાખ્યો.

રથ વગરના થયેલ તે શાલ્વરાજને ભીષ્મએ જીવતો છોડ્યો.ને પોતે હસ્તિનાપુર આવ્યા.(36-55)


તે ધર્માત્મા,કાશીરાજની પુત્રીઓને,જાણે,તેમની પુત્રવધુ,બહેન કે દીકરીઓ હોય,તેમ પોતાના ભાઈનું 

પ્રિય કરવાની ઈચ્છાથી,લઇ આવ્યા હતા,એટલે તે કન્યાઓને તેમને પોતાના નાના ભાઈને આપી,(56-58)

તે પછી,ધર્મયુક્ત,અલૌકિક કર્મ કરનાર,ભીષ્મે,માતા સત્યવતી સાથે મંત્રણા કરીને,વિચિત્રવીર્ય,સાથે વિવાહની ગોઠવણ કરવા માંડી,ત્યારે કાશીરાજની જ્યેષ્ઠ પુત્રીએ કહ્યું કે-હું મનથી શાલ્વરાજને પતિ કરી ચુકી છું,

ને તે પણ મનથી મને વર્યા છે,મારા પિતાની પણ ઈચ્છા તેવી જ હતી,ને સ્વયંવરમાં હું તેને જ વરવાની હતી,

તો હે ધર્મવેત્તા,આ જાણીને ,તમે જે ધર્મને અનુરૂપ હોય તેમ કરો (56-62)


ત્યારે,ભીષ્મે,વેદ પારંગત બ્રાહ્મણો સાથે મંત્રણા કરીને,નિશ્ચય કરી મોટી પુત્રી અંબાને રજા આપી,જવા દીધી.

ને બીજી બે પુત્રીઓ,અંબિકા ને અંબાલિકાને,વિચિત્રવીર્ય સાથે વિધિયુક્ત,કર્મ સાથે પરણાવી.

એ બંનેનું પાણિગ્રહણ કરીને રૂપ ને યૌવનના ગર્વવાળો વિચિત્રવીર્ય કામાત્મા થયો,

ને તે બંને સ્ત્રીઓ પણ,'પોતાને યોગ્ય પતિ મળ્યો છે'એમ માનીને પતિને પૂજવા લાગી.(63-68)


તેમની સાથે સસત વર્ષ સુધી વિહાર કરતાં,તે તરુણ,વિચિત્રવીર્ય,ક્ષયરોગથી ઝપટાઈ ગયો.

ચિકિત્સકો ને મિત્રોએ ઘણા પ્રયત્ન કર્યા,પણ છેવટે તે મૃત્યુ પામી યમસદને ગયો.

હવે,ચિંતા ને શોકમાં ડૂબેલા ભીષ્મે,સત્યવતીની સલાહ અનુસરીને,સર્વ કુરુમુખ્યો ને ઋત્વિજો સાથે,

તે રાજા વિચિત્રવીર્યની સર્વ ઉત્તરક્રિયાઓ,સારી રીતે કરી (69-74)

અધ્યાય-102-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE