Mar 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-109

અધ્યાય-૧૨૦-પાંડુરાજા અને પૃથા (કુંતી)નો સંવાદ 


II वैशंपायन उवाच II तत्रापि तपसि श्रेष्ठे वर्तमानः स वीर्यवान I सिद्ध्चारणसंघानां बभूव प्रियदर्शनः II १ II

વૈશંપાયન બોલ્યા-શ્રેષ્ઠ તપમાં રહેલા તે વીર્યવાન પાંડુરાજા,ત્યાં પણ સિદ્ધો ને ચારણો માટે 

પ્રિયદર્શન થયા.સેવાપ્રિય,અનહંકારી,વશ મનવાળા ને જિતેન્દ્રિય એવા,તે પાંડુ પોતાના તપથી 

સ્વર્ગે જવા,પરાક્રમશીલ થયા.નિર્મળ તપ કરીને.તે પાંડુ,બ્રહ્મર્ષિ જેવા થયા.

એક દિવસે અમાસના દિવસે,ઋષિ-મહર્ષિઓ,બ્રહ્માના દર્શને નીકળ્યા,

ત્યારે પાંડુએ તેમને પૂછ્યું કે-'આપ સર્વ ક્યાં જઈ રહયા છો?' 

ઋષિઓ બોલ્યા-'આજે બ્રહ્મલોકમાં મહાત્માઓ,દેવો,ઋષિઓ-આદિનું મહાસંમેલન છે,

સ્વયંભૂનાં દર્શનની ઈચ્છાથી અમે ત્યાં જઈએ છીએ'(1-6)

વૈશંપાયન બોલ્યા-પાંડુને પણ બ્રહ્મલોકમાં જવાની ઈચ્છા થઇ અને તે એકદમ ઉભા થઈને,શતશૃંગથી ઉત્તર દિશાએ ચાલવા લાગ્યા.ત્યારે ઋષિઓએ તેને કહ્યું કે-ઉત્તર દિશા તરફ અનેક દુર્ગમ દેશો છે,સેંકડો વિમાનોથી ભરપૂર ગીતના સ્વરોથી ગાજતી દેવો,ગંધર્વો અને અપ્સરાઓની ક્રીડાભૂમિઓ છે,આગળ જતાં,કુબેરના ઉદ્યાનો છે,ને પછી ઝાડ,પશુ અને પંખી વિનાના સદાય બરફવાળા દેશો છે.એવા દુર્ગમ સ્થાનો પર પક્ષી પણ જઈ

 શકતું નથી,તો બીજા પશુઓની તો વાત જ શી?એક વાયુ જ ત્યાં જાય છે,ને સિદ્ધો-મહર્ષિઓ જાય છે,

તો આ રાજપુત્રીઓ ત્યાં કેમ કરીને જઈ શકશે? હે ભરતશ્રેષ્ઠ,દુઃખને માટે અયોગ્ય એવી 

આ રાણીઓને ત્યાં દુઃખોનો સામનો કરવો પડશે જ, માટે તમે ત્યાં ન જાઓ (7-15)


પાંડુ બોલ્યા-હે મહાભાગો,કહેવાય છે કે-નિઃસંતાનને માટે સ્વર્ગનાં દ્વાર નથી,તેથી હું સંતાપ પામું છું.

હું અપુત્રવાન છું ને આપને કહું છું કે-દેહના નાશ સાથે પિતૃઓનો પણ નાશ છે.પિતૃ,દેવ,ઋષિ અને મનુષ્ય,

એ ચાર જાતનાં ઋણ સાથે મનુષ્ય આ પૃથ્વીલોકમાં જન્મે છે,તેથી તેણે તે ધર્મપૂર્વક ભરપાઈ કરવા જ જોઈએ.

જે મનુષ્ય,આ ઋણોને,યોગ્ય કાળે સમજતો નથી,તેને શુભલોકોની પ્રાપ્તિ થતી નથી.એવો ધર્મવેત્તાઓનો 

નિર્ણય છે.ઋષિ,દેવ અને મનુષ્યનાં ઋણોથી હું મુક્ત થયો છું,પણ હજુ,પિતૃઋણમાંથી મુક્ત થયો નથી.એટલે 

મારા દેહનો નાશ થતાં,પિતૃઓ પણ નાશ પામશે જ.આથી જ ઉત્તમ મનુષ્યો પ્રજા માટેની વૃત્તિ કરે છે,

પણ મારા નસીબમાં સંતાન નથી,ને આ ઉંમરે (વાનપ્રસ્થાશ્રમમાં) સંતાન પણ કેવી રીતે સંભવે?(16-23)


ઋષિઓ બોલ્યા-હે ધર્માત્મા રાજા,અમે દિવ્ય દ્રષ્ટિથી જાણીએ છીએ કે-તમને શુભ ને દેવતુલ્ય 

સંતતિ છે જ.દૈવનિર્ણિત એ સંતતિને તમે આ લોકમાં પ્રાપ્ત કરો.તે ફળ વિષે તમારે પ્રયત્ન કરવો ઘટે છે.

તમને ગુણયુક્ત અને પ્રીતિકર પુત્રો પ્રાપ્ત થશે જ .


વૈશંપાયન બોલ્યા-તપસ્વીઓનાં આવાં વચન સાંભળીને,પાંડુ ચિંતાપરાયણ  થયા,કેમ કે તે જાણતા હતા કે,

મૃગના શાપને લીધે,તે પુત્ર પેદા કરવાની સ્થિતિમાં નહોતા.એક દિવસ,તેમણે કુંતીને એકાંતમાં કહ્યું કે-

આ આપત્કાળમાં તું સંતાનોત્પત્તિ માટે પ્રયત્ન કર.કેમ કે આ લોકમાં સંતતિ એ જ ધર્મયુક્ત પ્રતિષ્ઠા છે.

યજ્ઞ,દાન,તપ,નિયમ-એ બધું સંતતિ વિનાનાને પાવન કરતુ નથી.એમ અહીં કહેવાય છે.

મને નિઃસંતાનને શુભ લોકો મળશે જ નહિ,એમ હું નિશ્ચયપૂર્વક જોઈ રહ્યો છું.


હે ભીરુ,અપુણ્યવાન અને ઘાતકી કર્મ કરવાવાળા મારી.શક્તિ મૃગના શાપને કારણે હણાઈ ગઈ છે.

હે પૃથા,ધર્મદર્શનમાં છ -છ જાતના પુત્રોને વારસાના અધિકારી કે અનધિકારી કહયા છે.

સ્વયંજાત (સ્વપત્નીમાં પોતાના વીર્યથી થયેલ),પ્રણીત (પોતાની પત્નીમાં બીજા ઉત્તમ પુરુષથી પેદા થયેલો)

પરિક્રીત (વીર્યનું મૂલ્ય આપીને સ્વપત્નીમાં પેદા થેલો)પૌનર્ભવ (વિધવાના ગર્ભમાં બીજાથી પેદા થયેલો)

કાનીન (કન્યાવસ્થામાં થયેલો) કુંડ કે ગૂઢ (સ્વચ્છંદી સ્ત્રીમાં જન્મેલો) 


દત્ત (માતપિતાએ ગોદમાં આપેલો) ક્રીત (વેચાણમાં લીધેલો) કૃત્રિમ (પોતાની મેળે પુત્ર થવા આવી ચડેલ) સહોઢ (ગર્ભવતી સ્ત્રીને પરણવાથી થયેલ)જ્ઞાતીરેતા(પિત્રાઈ-આદિના વીર્યવાળો) ને હીનયોનિમાં  ઉત્પન્ન થયેલો.


આ સર્વમાં પ્રથમ વર્ગનો પુત્ર ન હોય તો ક્રમેક્રમે ઉતરતા વર્ગનો પુત્ર મેળવવા ઈચ્છા કરવી,આમ,પોતાના 

વીર્ય વિના પણ મનુષ્ય,ધર્મફળ આપનાર શ્રેષ્ઠ પુત્રને પામે છે-એમ સ્વાયંભુવ મનુએ કહ્યું છે.(24-36)


તેથી,જાતે પ્રજોત્પત્તિ માટે અશક્ત એવો હું,તને આજે પ્રેરણા કરું છું કે-આપણા સમાન કે આપણાથી ચડિયાતા એવા પુરુષથી તું પુત્રપ્રાપ્તિ કર.હે કુંતી,આ સંબંધમાં હું શરદંડાયાન-પુત્રીની કથા કહું છું,તે સાંભળ.


પતિએ તે વીરપત્નીને પુત્રોત્પાદન માટે આજ્ઞા કરી,એટલે ઋતુ આવતાં,સ્નાન-શુદ્ધ થઈને રાત્રે તે ચકલામાં ગઈ,

ને એક સિદ્ધ બ્રાહ્મણને પસંદ કરી બોલાવી લાવી.તેણે પુંસવન યજ્ઞમાં આહુતિ આપી,ને કર્મ પૂરું થતા સુધી તે બ્રાહ્મણ પાસે રહી.ને પછી તેણે દુર્જય -આદિ ત્રણ મહારથીઓનો જન્મ આપ્યો હતો.(37-40)


હે કલ્યાણી,એ જ રીતે,મારી અજ્ઞાનથી તું પણ કોઈ શ્રેષ્ઠ તપસ્વી બ્રાહ્મણથી પુત્ર ઉત્પાદન કર (41)

અધ્યાય-120-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE