Jun 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-201

અધ્યાય-૨૨૪-અર્જુન અને અગ્નિનો સંવાદ 


II वैशंपायन उवाच II स तु नैराश्यमापन्नः सदाग्लानिसमन्वितः I पितामहमुपागच्छत् संकृद्वो हव्यवाहनः II १ II

વૈશંપાયન બોલ્યા-આમ,નિરાશ થયેલો,ને ગ્લાનિમાં રહેલ તે કુદ્ધ અગ્નિ,ફરી પિતામહ(બ્રહ્મા) પાસે ગયો.

ને તેમને પોતાનો સર્વ વૃતાંત કહ્યો,ત્યારે બ્રહ્માએ થોડીકવાર વિચાર કરીને કહ્યું કે-હે,નિષ્પાપ,તું વનને બાળી શકે તેવો ઉપાય મને સુઝ્યો છે,એટલે તું થોડો સમય થોભી જા.ચોક્કસ સમયે તને નર અને નારાયણ એ બંને સહાય કરશે,ત્યારે જ તું તે વનને બાળી શકીશ' ત્યારે તે અગ્નિ (વહનિ)એ કહ્યું-'ભલે તેમ હો' (1-4)

પછી,લાંબા સમયે,'નર અને નારાયણે અવતાર ધારણ કર્યો છે' એ જાણીને અગ્નિ ફરી પિતામહ પાસે ગયો.

ત્યારે બ્રહ્માએ કહ્યું કે-'હે અગ્નિ (અનલ),શચિપતિ ઇન્દ્રના દેખતાં જ તું આજે ખાંડવવનને બાળી શકીશ.

પૂર્વના દેવરૂપ એવા નર અને નારાયણ એ બંને અર્જુન અને વાસુદેવ તરીકે,દેવોના કાર્ય માટે માનવલોકમાં અવતર્યા છે,ને તે બંને હાલ,ખાંડવવનની પાસે જ બેઠા છે,તેમની તું સહાય માગ,એટલે તે વન દેવોથી રક્ષાયેલું હોવા છતાં તું તેને બાળી શકીશ.તે બંને સાથે રહીને ઇન્દ્ર ને પ્રાણીઓને યત્નપૂર્વક વારશે' (5-10)


આ વચન સાંભળીને અગ્નિ,ત્વરાથી જ્યાં શ્રીકૃષ્ણ ને અર્જુન બેઠા હતા ત્યાં ગયો,ને અગાઉ કહ્યું હતું તેમ,તેમને પ્રાર્થના કરી.કે જે સાંભળીને,અગ્નિને,અર્જુને કહ્યું કે-'મારી પાસે અનેક ઉત્તમ અને દિવ્ય અસ્ત્રો છે કે જેથી હું ઇન્દ્ર સાથે યુદ્ધ કરી શકું છું,પણ મારા બાહુબળને યોગ્ય (હાલ) એવું ધનુષ્ય નથી કે જે યુદ્ધમાં મારા વેગને બરોબર ઝીલી રહે,કેમ કે હું ઘણી ત્વરાથી બાણ છોડું છું,એટલે મારે અનેક અને અખૂટ બાણો હોવાં જોઈએ,તેમ જ,મારે જોઈએ તેટલાં બાણોને વાહન કરવા આ રથ પણ અસમર્થ છે,તેથી હું વાયુવેગી અશ્વ વાળા દિવ્ય રથને ઈચ્છું છું,

ને આ માધવ (વાસુદેવ) પાસે પણ (હાલ) એવું કોઈ આયુધ નથી કે જે નાગો ને પિશાચોને મારી નાખે.


તેથી હે ભગવન,આ કાર્યની સિદ્ધિના સંબંધમાં તમે એવો ઉપાય કહો કે જેથી આ મહાવનમાં,ઇન્દ્રની વૃષ્ટિધારાને હું વારી શકું,પુરુષાર્થથી જે કરવાનું હશે તે અમે બંને કરશું,પણ તમારે અમને સાધનો આપવાં જોઈએ.(21)

અધ્યાય-224-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE