Jul 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-244

 
અધ્યાય-૩૪-રાજસૂય યજ્ઞમાં રાજાઓનું આગમન 

II वैशंपायन उवाच II स गत्वा हस्तिनापुरं नकुलः समिर्तिजयः I भीष्ममामंत्रयांचक्रे धृतराष्ट्रं च पाण्डवः  II १ II

વૈશંપાયન બોલ્યા-યુદ્ધમાં હંમેશા વિજયી એવા નકુલે,હસ્તિનાપુર જઈ,ભીષ્મને તથા ધૃતરાષ્ટ્રને આમંત્રણ આપ્યું,ને 

આચાર્ય વગેરેને પણ સત્કાર અને આમંત્રણ આપ્યાં,એટલે તેઓ બ્રાહ્મણોને આગળ કરીને પ્રસન્ન મનથી યજ્ઞ જોવાને ચાલ્યા.હે રાજન,ધર્મરાજના આ યજ્ઞમાં સર્વ દિશાએથી રાજાઓ,અનેક રત્નો લઈને આવ્યા હતા.(4)

ધૃતરાષ્ટ્ર,ભીષ્મ,વિદુર,દુર્યોધન ને તેના સર્વ ભાઈઓ,સુબલ,શકુની,વૃષક,કર્ણ,શલ્ય,બાહલીક,સોમદત્ત,ભૂરિ,

ભૂરિશ્રવા,શલ,અશ્વસ્થામા,કૃપાચાર્ય,દ્રોણાચાર્ય,સિંધુનાથ,જયદ્રથ,યજ્ઞસેન,શાલ્વ,પ્રાતરજ્યોતિષનાથ,ભગદત્ત,

બૃહદબલ,વંગ,કલિંગ,આકર્ષ,કુંતલ,માલવો,અન્ધ્રકપ,દ્રવિડો,સિંહલો,કાશ્મીરક,કુંતીભોજ,ગૌરવાહન,

વિવિધ દેશના રાજાઓ અને શિશુપાલ ને તેનો પુત્ર પણ,યુધિષ્ઠિરના યજ્ઞમાં આવ્યા હતા.(14)


વળી,બલરામ,અનિરુદ્ધ,કંક,સારણ,ગદ,પ્રદ્યુમ્ન,સામ્બ,ચારુદેષ્ણ,ઉલ્મુક,નિશઠ,અંગાવહ તેમ જ બીજા સર્વ મહારથી વૃષ્ણીઓ ત્યાં આવ્યા હતા.હે રાજન,યુધિષ્ઠિરની આજ્ઞાથી તેમને અનેક સુંદર આવાસો આપવામાં આવ્યા હતા.યુધિષ્ઠિરે તે સર્વ રાજાઓનો યથાવિધિ સત્કાર કર્યો ને પછી તે પોતપોતાને આવાસે ગયા.


તે સોહામણાં નિવાસગૃહો,મનને હરી લેનારાં,વિવિધ દ્રવ્યોથી સુશોભિત,સોનાની જાળીઓથી ઢંકાયેલા,

મણિની ફરસથી શોભતાં,ફૂલોથી સજાવેલાં,અગરુની સુગંધવાળાં,શ્વેત વર્ણવાળાં,એક યોજન દૂરથી રાતે પણ જોઈ શકાય તેવાં,ભીડ વિનાનાં,સરખા દ્વારવાળાં,અને અનેક ધાતુઓથી બાંધેલાં હતાં.જેમાં વિશ્રામ લઈને,તે રાજાઓ,

અનેક દક્ષિણા આપી રહેલા ને સભાસદોથી ઘેરાયેલા યુધિષ્ઠિરને,સભામાં બેઠેલા નિરખવા  ગયા.

બ્રાહ્મણો ને મહર્ષિઓથી ઘેરાયેલી તે સભા,સ્વર્ગની જેમ શોભી રહી હતી.(25)

અધ્યાય-34-સમાપ્ત 


અધ્યાય-૩૫-યજ્ઞના કાર્યની વ્યવસ્થા 


II वैशंपायन उवाच II पितामहं गुरुं चैव प्रत्युदगम्य युधिष्ठिरः I अभिवाद्य तत्तोराजन्निदं वचनब्रवित्  II १ II

હે રાજન,પછી,યુધિષ્ઠરે,ભીષ્મપિતામહ તથા ગુરુદ્રોણની સામે જઈ વંદન કર્યા,ને તેમને તેમ જ કૃપાચાર્ય,

અશ્વસ્થામા,દુર્યોધન આદિને કહેવા લાગ્યા કે-'આપ સર્વ આ યજ્ઞમાં મારી પર સર્વ રીતે કૃપા કરો.આ જે 

અહીં મારું મહાધન છે,તેને તમે તમારું જ જાણજો.હું તમને પ્રાર્થના કરું છું કે તમે મને એમાંથી તમારી 

ઇચ્છાનુસાર મને આપજો' આ પ્રમાણે કહીને,યુધિષ્ઠિરે સર્વને યથાયોગ્ય અધિકારો પર મુક્યા.(4)


ભક્ષ્ય-ભોજ્યના અધિકાર પર દુઃશાસનને સ્થાપ્યો,અશ્વસ્થામાને બ્રાહ્મણોનું સ્વાગત કરવાનું સોંપ્યું.

રાજાઓના માન સત્કાર માટે સંજયની યોજના કરી,સર્વ કાર્યોની સંભાળ રાખવા ભીષ્મ ને દ્રોણની નિમણુંક કરી.

રત્નો ને દક્ષિણાઓ આપવાના કાર્ય માટે કૃપાચાર્યને યોજ્યા.વિદુરજી ખર્ચ ખાતાના અધિકારી થયા અને દુર્યોધન 

સર્વ ભેટો સ્વીકારવાના કાર્ય પર નિમણુંક થયો.શ્રીકૃષ્ણ પોતે બ્રાહ્મણોના પગ ધોવાના કાર્યમાં રહ્યા હતા.(11)


ત્યાં,યુધિષ્ઠિરને તેમજ સભાને જોવાની અભિલાષા વાળો કોઈપણ માણસ,હજાર રત્નોથી ઓછી ભેટ ધરતો નહોતો.'મારા રત્નોથી યુધિષ્ઠિરનો યજ્ઞ પાર ઉતરે' એમ સ્પર્ધા કરીને રાજાઓ ધન આપતા હતા.

યજ્ઞનાં દર્શન કરવાની ઈચ્છાથી આવેલાં દેવોનાં વિમાનો ને રત્નોથી જડેલાં નિવાસ્થાનોમાં વસેલા 

બ્રાહ્મણો ને રાજાઓથી વીંટાઇને કુંતીનંદનની તે સભા અત્યંત શોભી રહી હતી.


ઐશ્વર્યથી,વરુણદેવની સ્પર્ધા કરી રહેલા,તે યુધિષ્ઠિર દક્ષિણાસંપન્ન થઇ ને રાજસૂય યજ્ઞથી દેવોનું યજન 

કરવા લાગ્યા.તેમણે સર્વ ઈચ્છીત જનોને તેમના મનોરથ પ્રમાણે સંપત્તિ આપી તૃપ્ત કર્યા.

તે યજ્ઞ,અન્નથી ભરપૂર,ભક્ષ્ય પદાર્થોથી ભરપૂર,ભોજન પામી તૃપ્ત થયેલા માણસોથી ઉભરાતું,અને રત્નોની 

ભેટોથી સંપન્ન હતો.મંત્ર ને શિક્ષામાં નિપુણ એવા મહર્ષિઓએ તે યજ્ઞમાં ઈડા,આજ્ય ને સોમની આહુતિ આપીને દેવોને તૃપ્ત કર્યા ને દેવોની જેમ બ્રાહ્મણો પણ દક્ષિણા,અન્ન અને પુષ્કળ ધનસંપત્તિ પામીને પ્રસન્ન થયા હતા.

વળી,તે યજ્ઞમાં સર્વ વર્ણના લોકો પણ આનંદમગ્ન થઈને તૃપ્તિ પામ્યા હતા.(22)

અધ્યાય-35-સમાપ્ત 

રાજસૂય પર્વ સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE