Jul 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-245

અર્ધાભિહરણ પર્વ 

અધ્યાય-૩૬-શ્રીકૃષ્ણનું અર્ઘ પૂજન 

II वैशंपायन उवाच II ततोSभीपेचनीयेSहनि ब्राह्मणा राजभिः सह I अन्तर्वेदी प्रविविशुः सत्कारार्हा भहंपयः  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,અભિષેકના દિવસે,સત્કારપાત્ર બ્રાહ્મણોએ રાજાઓ સહિત અંતર્વેદી નામના સ્થાનમાં પ્રવેશ કર્યો.તે અંતર્વેદીમાં નારદ આદિ મહાત્મા ઋષિઓ બેઠેલા હતા,કે જેઓ વચ્ચે વચ્ચે વિરામનો સમય મળતો ત્યારે અનેકવિધ કથાઓ કહેતા હતા.વિતંડાવાદી બ્રાહ્મણોમાંથી કેટલાક શાસ્ત્રનિશ્ચિત તર્કોથી યુક્તિરહિત દુર્બળ વિષયોને સબળ કરતા હતા,તો કેટલાક યુક્તિયુક્ત સબળ વિષયોને દુર્બળ કરતા હતા.(5)

કેટલાક બુદ્ધિમાનો,અનુમાનોથી ભરેલા વિષયોને ગબડાવી પાડતા હતા.તે સભામાં,ધર્માર્થમાં કુશળ,મહાવ્રતવાળા અને ભાષ્યવેત્તાઓમાં શ્રેષ્ઠ એવા કેટલાક બ્રાહ્મણો,નવી નવી કથા કરવામાં આનંદ લેતા હતા.દેવો,દ્વિજો,અને મહર્ષિઓ ને વેદસંપન્ન બ્રાહ્મણોથી ભરાયેલી તે વિશાળ વેદી,નક્ષત્રોથી ભરાયેલ આકાશની જેમ શોભી રહી હતી.

ધર્મરાજની લક્ષ્મીને ને યજ્ઞક્રિયાને જોઈને નારદઋષિ પ્રસન્નતા પામ્યા,પણ સાથે સાથે સર્વ ક્ષત્રિયોનો સમાગમ જોઈને ચિંતાતુર થયા.કેમ કે બ્રહ્માજીના ભવનમાં 'અંશાવતાર'વિષયમાં જે કથા પૂર્વે થઇ હતી,તેને તે સંભારી રહ્યા.


હે રાજન,સર્વ દેવોનો સમાજ મળેલો છે,એમ જાણીને નારદજી,શ્રીહરિ વિષે મનમાં સ્મરણ કરવા લાગ્યા કે-

'દેવોના શત્રુઓને સંહારનારા,સાક્ષાત નારાયણે,પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે ક્ષત્રિય વંશમાં જન્મ ધારણ કરેલ છે.ભૂતોના સર્જનહાર એવા તેમણે,પોતે પૂર્વે દેવોને કહ્યું હતું કે 'તમે એકમેકને સામસામા હણીને ફરી તમારા લોકમાં આવશો' ને આ પ્રમાણે સર્વ દેવોને આજ્ઞા આપીને નારાયણે યદુભવનમાં અવતાર લીધો છે.


ને આ શ્રીહરિ,અત્યારે સામાન્ય મનુષ્યની જેમ વર્તી રહ્યા છે.અને ખેની વાત તો એ છે કે ખુદ,

આ સ્વયંભૂ ભગવાન ,આવા બળ સમ્પન્ન ક્ષત્રિયોના નાશને પણ ઈચ્છે છે' 

આમ યજ્ઞોથી યજાતા,તે સમર્થ શ્રીકૃષ્ણને,નારાયણ જાણીને મનમાં આ પ્રમાણે ચિંતન કર્યું.(20)


પછી,ભીષ્મે,યુધિષ્ઠિરને કહ્યું કે-હે ભારત,આચાર્ય,ઋત્વિજ,સ્નાતક,સંબંધી,મિત્ર ને રાજા એ છ ને અર્ઘયોગ્ય કહ્યા છે.તેથી તે પ્રત્યેકને એકએક અર્ઘ આપો ને તેમનામાં જે શ્રેષ્ઠ ને સમર્થ હોય તેને પ્રથમ અર્ઘ આપો.

યુધિષ્ઠિર બોલ્યા-'હે પિતામહ,પ્રથમ અર્ઘ કયા એકને આપવો યોગ્ય છે તે મને કહો'


વૈશંપાયન બોલ્યા-ત્યારે ભીષ્મે,બુદ્ધિથી નિશ્ચય કરીને વૃષ્ણી વંશી શ્રીકૃષ્ણને પૃથ્વીમાં સૌથી વિશેષ પૂજ્ય 

માન્યા  અને કહ્યું કે-આ શ્રીકૃષ્ણ,સમસ્ત ભૂમંડળમાં પોતાના તેજ,બળ ને પરાક્રમ વડે ઝળહળી રહ્યા છે,

માનો,જ્યોતિર્ધરોમાં ભાસ્કર પ્રકાશે તેમ પ્રકાશી રહ્યા છે.જેમ,સૂર્ય વિનાનું સ્થાન સૂર્યથી પ્રકાશિત થાય 

અને જેમ વાયુ વિનાનું સ્થાન વાયુના આગમનથી આનંદભર્યું થાય છે 

તેમ આપણી આ સભા,શ્રીકૃષ્ણથી પ્રસન્ન અને પ્રકાશિત છે'(29)


પછી,ભીષ્મથી આજ્ઞા પામેલા સહદેવે શ્રીકૃષ્ણને પ્રથા અર્ઘ આપ્યો,ને શ્રીકૃષ્ણે પણ શાસ્ત્રોક્ત કર્મ પ્રમાણે તેનો સ્વીકાર કર્યો,પણ વાસુદેવને અપાયેલી આ પૂજાને શિશુપાલ સાંખી શક્યો નહિ,ને તે મહાબળવાન ચેદિરાજે,સભામાં જ ભીષ્મને અને ધર્મરાજને મહેણાં માર્યા તેમ જ વાસુદેવ પર આક્ષેપો કર્યા.(32)

અધ્યાય-36-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE