Jul 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-246

અધ્યાય-૩૭-શિશુપાલનો ક્રોધ 

II शिशुपाल उवाच II नायमर्हति वार्ष्णेयस्तिष्ठत्सिव्ह महात्मसु I महिपतिषु कौरव्य राज्वत्यार्थिवार्हणम्  II १ II

શિશુપાલ બોલ્યો-હે કૌરવ્ય,અહીં સભામાં મહાત્મા મહીપાલો હોવા છતાં,આ વૃષ્ણીપુત્રને,રાજાઓને ઉચિત એવી રાજપૂજા ઘટતી નથી.તેં આ જે સ્વેચ્છાથી કૃષ્ણપૂજા કરી છે,તે તારું આચરણ યોગ્ય નથી,હે પાંડવો,તમે બાળકમૂઢ છો,તમે કંઈ જનતા નથી,કેમ કે ધર્મ સૂક્ષ્મ છે.ધર્મનું આ સૂક્ષ્મદર્શન ગંગાપુત્ર ભીષ્મ પણ જોઈ શક્યા નથી,મને તો તે અલ્પ વિચારશાળી લાગે છે.કેમ કે તારા જેવો ધર્મયુક્ત માણસ પોતાની પ્રિય ઈચ્છા પ્રમાણે આવું કાર્ય કરે છે,

તો તેથી ભીષ્મ,સત્પુરુષોના અધિક અપમાનને પાત્ર થાય છે.(4)

રાજાઓની વચ્ચે બેઠેલો આ કૃષ્ણ જો રાજા જ નથી તો તેને અર્ઘ ક્યાંથી ઘટે? ને જો કૃષ્ણને વૃદ્ધ તરીકે સન્માનો છો,

તો વૃદ્ધ વસુદેવ હોવા છતાં,તેનો પુત્ર ક્યાંથી અર્ઘને યોગ્ય થાય? જો કૃષ્ણ,પ્રિય ઇચ્છનાર કે અનુસરનાર 

તરીકે છે તો તેવો દ્રુપદ અહીં હોવા છતાં,તેની પૂજા ક્યાંથી ઘટે? જો કૃષ્નને આચાર્ય તરીકે માનતા હો,તો 

દ્રોણાચાર્ય હોવા છતાં,તેની પૂજા કેમ કરી શકાય? જો તેને ઋત્વિજ માનતા હો તો શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસ હોવા છતાં,તેનું પૂજન કેમ કરી શકાય? હે રાજા,પુરુષશ્રેષ્ઠ ભીષ્મ અહીં હોવા છતાં,કૃષ્ણને તમે કેમ પૂજ્યા? (10)


વળી,આ સભામાં,સર્વ શાસ્ત્રોમાં વિશારદ અશ્વસ્થામા હાજર છે,રાજેન્દ્ર દુર્યોધન છે,ભીષ્મક છે,શલ્ય છે,કર્ણ છે,

તો તે સર્વને ઉલ્લંઘીને તમે કેવી રીતે કૃષ્ણનું પૂજન કર્યું? જો આ કૃષ્ણ,રાજા નથી,ઋત્વિજ નથી કે આચાર્ય નથી,

તો તેનું પૂજન કરવામાં માત્ર તેને સારું લગાડવા સિવાય બીજી કોઈ ઈચ્છા હોઈ શકે? હે રાજન,તારે જો એનું 

પ્રથમ પૂજન કરવું હતું,તો પછી તમે સર્વ રાજાઓને અપમાનિત કરવા અહીં શા માટે તેડાવ્યા?

અમે બધા તને કર આપીએ છીએ તે કંઈ ભયથી,લોભથી કે સાંત્વનથી નથી આપતા,પણ તું ધર્મમાં પ્રવૃત્ત 

થયેલ છે ને ચક્રવર્તી પદ ઈચ્છે છે,તેથી અમે કર આપીએ છીએ,છતાં તું અમને માન આપતો નથી.


હે રાજાઓ,ધર્મપુત્રનો 'ધર્માત્મા' તરીકેનો યશ અકસ્માત જ ફેલાયો છે,નહીં તો વૃષ્ણીવંશમાં જન્મેલા જે દુરાત્માએ જરાસંઘને અન્યાયથી માર્યા તેવા ધર્મભ્રષ્ટને આવી અર્ઘપૂજા કોણ આપે? યુધિષ્ઠિરનું ધર્માત્માપણું ઓસરી ગયું છે,

ને કૃષ્ણને અર્ઘપૂજન આપીને તેણે પોતાની કૃપણતા જ બતાવી છે.કદાચ આ કુંતીપુત્રો,ભય પામ્યા હોય 

કે દીન થયા હોય,પણ હે કૃષ્ણ,તું કેવી રીતે પૂજાને યોગ્ય છે?તે તો તારે જાણવું જોઈએને? 

તું પૂજન માટે અયોગ્ય હોવા છતાં,તે કેમ એ પૂજનમાં સંમતિ આપી તેનું બહુમાન કરે છે? 


હે કૃષ્ણ,પાંડવોએ રાજાઓનું નહિ પણ તારું જ અપમાન કર્યું છે.જેમ,નપુંસકને સ્ત્રી પરણાવવી વ્યર્થ છે 

અને આંધળાને રૂપ બતાવવું નકામું છે,તેમ,જે રાજા નથી તેને રાજા જેવું માન આપવું વ્યર્થ છે.

રાજા યુધિષ્ઠિરને,ભીષ્મને ને તને મેં બરાબર જોઈ લીધા'

આમ કહીને તે શિશુપાલ,પોતાના આસન પરથી ઉભો થઈને સભામાંથી બહાર ચાલ્યો ગયો (31)

અધ્યાય-37-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE