Feb 3, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-415

 

અધ્યાય-૧૨૨-મહર્ષિ ચ્યવનને સુકન્યાની પ્રાપ્તિ 


II लोमश उवाच II भृगोर्महर्षे पुत्रोSभुच्चवनो नाम भारत I समीपे सरसस्तस्य तपस्तेपे महाध्युति: II १ II

લોમશ બોલ્યા-હે ભારત,મહર્ષિ ભૃગુના પુત્ર ચ્યવન કે જે મહાતપસ્વી હતા,તેમણે સરોવરની સમીપ તપસ્યા પ્રારંભ કરી હતી.તે એક સ્થાન પર લાંબો સમય અવિચલ ભાવથી વીરાસનમાં બેઠા રહ્યા હતા ને તેથી તે એક ઠૂંઠા લાકડાના જેવા દેખાતા હતા.ધીરે ધીરે સમયની સાથે તેમનું શરીર કીડીઓથી વ્યાપ્ત થઇ ગયું ને વેલોથી આચ્છાદિત થઇ ગયું.ને તે કેવળ એક માટીના લૉંદા જેવા જ દેખાવા લાગ્યા.હતા.(4)

એક વખત રાજા શર્યાતિ તે સરોવરને કાંઠે વિહાર કરવા આવ્યા.તેને ચાર હજાર પત્નીઓ હતી,પણ સંતાનમાં એક સુકન્યા નામે પુત્રી જ હતી.આ સુકન્યા પોતાની સખીઓ સાથે ફરતી ફરતી ફૂલો ને ફળો તોડતી હતી.પછી તે એકલી સખીઓથી છૂટી પડીને ફરતી હતી ત્યારે ચ્યવન ઋષિએ તેને જોઈ.એકાંતમાં તેને જોઈને દુર્બળ કંઠવાળા ચ્યવનને પ્રસન્નતા થઇ.તે રાજકન્યાને જોઈ તેમને તેની સામે અવાજ કર્યો પણ તેમના દુર્બળ અવાજને લીધે સુકન્યાને તેમનો અવાજ સંભળાયો નહિ.


સુકન્યાને તે માટીના લૉંદામાં ચમકતી આંખો જોઈને કુતુહલ થયું ને,તેણે વિચાર્યું કે-'મને જોવા તો દે કે આ શું છે?'

એમ વિચારી તેણે એક કાંટાથી તે આંખોમાં છેદ કર્યો.આંખો વિંધાવાથી મહર્ષિ ચ્યવન ક્રોધિત થઇ ઉઠયા

ને તેમણે શર્યાતિની સેનાના મળ-મૂત્ર બંધ કરી દીધા.


આમ થવાથી સેના બહુ દુઃખી થઇ,એટલે તેણે સૈનિકોને કહ્યું કે-અહીં તપસ્યામાં લીન ચ્યવન ઋષિ રહે છે,તે ક્રોધી છે,લાગે છે કે કોઈએ જાણે અજાણે તેમનો અપરાધ કર્યો લાગે છે.તમારામાંથી કોઈએ અપરાધ કર્યો હોય તો મને જલ્દી કહો' ત્યરે કોઈ સૈનિકોએ જવાબ આપ્યો નહિ.પણ સુકન્યા તે વખતે ત્યાં આવી અને તેણે પોતે કરેલી કાંટાની વાત કહી.કે જે સાંભળીને રાજા શર્યાતિ તરત જ તે ચ્યવન ઋષિની જગ્યાએ ગયો,ને તેમને જોઈને,

બે હાથ જોડીને પોતાના સૈનિકોના કષ્ટ નિવારણ માટે પ્રાર્થના કરી.કે -(22) 


'હે તાત,અજ્ઞાનને લીધે મારી બાળાએ તમારો જે અપરાધ કર્યો છે તે બદલ તમે તેને ક્ષમા આપવા યોગ્ય છો'

ચ્યવન બોલ્યા-'તારી એ અભિમાની દીકરીએ મારુ અપમાન કરીને મને વીંધી નાખ્યો છે.મોહથી છકી ગયેલી

તારી એ પુત્રીને હું ગ્રહણ કરીને જ ક્ષમા કરીશ.આ હું તમને સત્ય કહું છું' (25)

ઋષિનાં એ વચન સાંભળીને શર્યાતિ રાજાએ વિચારવા થોભ્યા વિના જ પોતાની પુત્રીને ચ્યવન સાથે પરણાવી.

શુદ્ધ ચારિત્ર્યવળી સુકન્યા પણ પતિને પામીને પ્રીતિથી નિત્ય નિયમપૂર્વક તેમની સેવા કરવા લાગી.

ઈર્ષ્યા રહિત રહીને તેણે અગ્નિઓ ને અતિથિઓની સેવા કરીને ચ્યવનને પ્રસન્ન કર્યા.(29)

અધ્યાય-૧૨૨-સમાપ્ત