Feb 29, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-441

 

અધ્યાય-૧૪૮-હનુમાને કહેલી રામકથા 


II हनुमान उवाच II हृतदारः सः भ्रात्रा पत्नीं मार्गन्स राघवः I द्रष्टवान शैलशिखरे सुग्रीवं वानरर्पभम् II १ II

હનુમાન બોલ્યા-પત્નીનું હરણ થયું ત્યારે તે રઘુનંદન પોતાના ભાઈ સાથે તેને શોધવા નીકળ્યા હતા ત્યારે ગિરિશિખર પર તેમણે સુગ્રીવને જોયા.રામને સુગ્રીવ સાથે મિત્રતા થઇ અને તેના ભાઈ વાલીને મારીને તેમણે સુગ્રીવને રાજ્યગાદીએ બેસાડ્યો.રાજ્ય પામ્યા પછી તે સુગ્રીવે હજારો વાનરોને સીતાની શોધમાં મોકલ્યા ત્યારે હું પણ તેમની સાથે દક્ષિણ દિશામાં ગયો હતો.તે વખતે સંપાતિ નામના ગીધે ખબર આપી કે સીતાજી,લંકામાં રાવણની પાસે છે.એટલે રામના કાર્યને સિદ્ધ કરવા હું સો જોજન લાંબા સાગરને એકદમ કૂદી ગયો હતો.

લંકામાં અશોકવનમાં મેં સીતાજીને જોયાં,ને તેમને મળ્યા પછી,તે લંકાને બાળી ત્યાં રામનું નામ કરી હું પાછો આવ્યો.પછી,શ્રીરામે સૈન્ય સાથે મંત્રણા કરી મહાસાગર પર સેતુ બાંધ્યો ને કરોડો વાનરો સાથે સાગરને પાર કર્યો.

લંકામાં,શ્રીરામચંદ્ર પોતાના પરાક્રમથી રાવણ સહિત સર્વ રાક્ષસોને મારીને તેના ભાઈ વિભીષણનો લંકાની ગાદી  પર રાજ્યાભિષેક કર્યો.ને પોતાની પત્નીને પાછી લાવી તે અયોધ્યા ગયા,ને ત્યાંના રાજા બન્યા.

શ્રીરામનો રાજ્યાભિષેક થયો ત્યારે તેમની પાસેથી મેં વરદાન માગ્યું હતું કે-'જ્યાં સુધી તેમની કથા લોકોમાં ચાલુ રહે ત્યાં સુધી હું જીવતો રહું' ત્યારે તેમણે કહ્યું હતું કે 'ભલે એમ જ થશે'


હે ભાઈ,.સીતાજીની કૃપાથી મને અહીં સર્વ મનગમતા દિવ્ય ભોગો મળે છે.રામે અગિયાર હજાર વર્ષ સુધી રાજ્ય કર્યું ને પછી સ્વર્ગલોક પધાર્યા.અપ્સરાઓ ને ગંધર્વો અહીં આવી તેમના ચરિત્રનું નિત્ય ગાન કરે છે જે મને આનંદ આપે છે.હે ભીમ,આ માર્ગ મરણશીલ માનવીઓ માટે અગમ્ય છે એથી મેં તારો માર્ગ રોક્યો છે.દેવોએ સેવેલા આ માર્ગ પર તારું કોઈ અપમાન કરે કે શાપ આપે નહિ એટલે તારો માર્ગ મેં રોક્યો છે.

પણ,તું જે અર્થે (કમળને શોધવા) અહીં આવ્યો છે તે (કમળ) સરોવર તો આ રહ્યું. (22)

અધ્યાય-૧૪૮-સમાપ્ત