Mar 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-442

 

અધ્યાય-૧૪૯-ચાર યુગોનું વર્ણન 

II वैशंपायन उवाच II एवमुक्तो महाबाहुभीमसेनः प्रतापवान I प्रणिपत्य ततः प्रीत्या भ्रातरं हृष्टमानसः II १ II

વૈશંપાયન બોલ્યા-હનુમાને ભીમને આ પ્રમાણે કહ્યું,ત્યારે તે પ્રતાપી મહાબાહુએ પ્રસન્ન મનથી પોતાના ભાઈને પ્રેમપૂર્વક નમસ્કાર કર્યા.ને કહ્યું કે-'હું આજે આપના દર્શન પામીને ધન્ય ને તૃપ્ત થયો છું,તમે મારા પર અત્યંત કૃપા કરી છે.હવે આજે તમારી પાસે મારુ પ્રિય કરાવવા ઈચ્છું છું.હે વીર,સમુદ્રને ઓળંગવા જતાં તમારું જે અનુપમ રૂપ હતું તે હું જોવા ઈચ્છું છું,જેથી હું સંતુષ્ટ થઈશ ને આપનામાં અત્યંત શ્રદ્ધા રાખીશ'

હનુમાન બોલ્યા-'તું કે બીજો કોઈ પણ મારુ તે રૂપ જોઈ શકે તેમ નથી કેમ કે ત્યારે કાળની અવસ્થા બીજી હતી,હવે તે અવસ્થા રહી નથી,સત્યયુગમાં,ત્રેતામાં અને દ્વાપરમાં જુદાજુદા કાળ હતા.આ તો વિનાશકારી કાળ છે.

આજે મારુ તે રૂપ રહ્યું નથી,ભૂમિ,નદીઓ,પર્વતો,સિદ્ધો,મહર્ષિઓ દેવો એ સૌ તે તે યુગના કાળને અનુસરે છે,

બળ,દેહ અને પ્રભાવ કાલાનુસાર વૃદ્ધિ ને ક્ષય પામે છે,માટે તું એ રૂપ જોવાનું માંડી વાળ,કેમ કે હું પણ તે યુગને અનુસરું છું ને તે કાળનું કદી ઉલ્લંઘન થઇ શકતું નથી (9)


ભીમ બોલ્યા-'યુગોની સંખ્યા,યુગયુગના આચાર,અર્થ તથા કામના ભાવો,

કર્મ,વીર્ય,ઉત્પત્તિ અને વિનાશ વિશે તમે મને બધું કહો'

હનુમાન બોલ્યા-જેમાં સનાતન ધર્મ પ્રવર્તે છે તે કૃત (સત્ય)યુગ નામે ઓળખાય છે.આ યુગમાં સર્વ મનુષ્યો કૃતાર્થ હોય છે તેમને કશું કર્તવ્ય કરવાનું રહેતું નથી તેથી ધર્મને હાનિ પહોંચતી નથી ને પ્રજા વિનાશ પામતી નથી.

તે કૃતયુગમાં દેવ,દાનવ -આદિનો ભેદભાવ નહૉતૉ ને ખરીદ વેચાણનો વ્યવહાર પણ નહોતો.તે વખતે ઋગ્વેદ,યજુર્વેદ અને સામવેદોની વર્ણ ક્રિયાઓ નહોતી,ને કોઈ માનુષી ક્રિયાઓ પણ નહોતી.

ત્યારે સંકલ્પ માત્રથી ફળ પ્રાપ્ત થતાં હતાં,તે વખતે સન્યાસ એ જ એક ધર્મ હતો.(14)


તે યુગમાં વ્યાધિઓ નહોતા,ઇન્દ્રિયક્ષય નહોતો,કપટ,વેર,ભય સંતાપ,ઈર્ષા,મત્સર આદિ કશું જ નહોતું.

ત્યારે માત્ર યોગીઓના પરમગતિરૂપ એવા પરંબ્રહ્મની સર્વને પ્રાપ્તિ થતી હતી.ત્યારે પ્રાણીમાત્રના આત્મા નારાયણ શ્વેત વર્ણના હતા.તે વખતે સર્વ વર્ણો બ્રહ્મનો જ આશ્રય કરતી હતી અને બ્રહ્મપ્રાપ્તિ માટે જ સદાચાર સેવતી હતી,

કેવળ બ્રહ્મનું જ જ્ઞાન મેળવતી હતી ને તે માટે જ કર્મો કરતી હતી.ને સ્વધર્મો પાળતી હતી.

ત્યારે લોકો એક જ દેવને ઉપાસતા હતા,એક જ મંત્ર જપતા હતા ને એક જ વિધિની ક્રિયા કરતા હતા.

એક જ વેદનું અવલંબન કરતા હતા,ને એક જ ધર્મને અનુસરતા હતા.તેઓ સમય પ્રમાણે ફળની આશા રાખ્યા વગર ચારે આશ્રમોમાં કર્મો કરતા હતા તેથી તેઓ પરમગતિને પામતા હતા,સત્યયુગમાં ચારે વર્ણનો સનાતન ધર્મ ચાર ચરણવાળો હોય છે એટલેકે સંપૂર્ણ હોય છે.આવો તે કૃત (સત્ય) યુગ હતો.


ત્રેતાયુગમાં,ધર્મ એક ચરણથી વિહીન થાય છે ને અવિનાશી ભગવાન રક્ત વર્ણનું સ્વરૂપ કરીને પ્રગટે છે.

એમાં યજ્ઞયજ્ઞાદિ ક્રિયાઓ ચાલે છે.મનુષ્યો સત્યપ્રવૃત રહીને ક્રિયા તથા ધર્મમાં પરાયણ રહે છે.

ત્રેતામાં લોકો ફળની ભાવનાના સંકલ્પપરૂપ ક્રિયા અને દાનોનું ફળ મેળવતા હોય છે.

આ યુગમાં મનુષ્યો ધર્મનિષ્ઠ અને ક્રિયાવાન હતા,ને ધર્મથી જરા પણ ચળતા નહોતા.


દ્વાપરયુગમાં ધર્મનાં બે ચરણ ઓછાં હતાં.વિષ્ણુએ તે વખતે પીળો રંગ ધારણ કર્યોહતો અને એકવેદના ચાર ભાગ પાડ્યા હતા.આમ ત્યારે કેટલાક ચતુર્વેદી,કેટલાક ત્રિવેદી,કેટલાક દ્વિવેદી ને કેટલાક એકવેદી હતા,તો કેટલાક વેદની એક રુચાને પણ જાણતા નહોતા.આમ શાસ્ત્રો ભિન્ન થાય છે એટલે ક્રિયાઓ અધિક થાય છે,એટલે તપ અને દાનમાં પ્રવૃત્ત થયેલી પ્રજા રાજસી બને છે.વળી,બુદ્ધિનો હ્રાસ થવાથી કોઈક જ સત્યનિષ્ઠ રહ્યું,ને આમ સત્યથી ભ્રષ્ટ થવાથી અનેક દૈવ પ્રાપ્ત વ્યાધિઓ,કામનાઓ અને ઉપદ્રવો ઉમટી આવ્યા.કે જેનાથી પીડાયેલા માનવીઓ મોટાં તપો કરતા તો વૈભવની આશાવાળા ને સ્વર્ગની કામનાવાળા યજ્ઞો કરતા હતા.

આમ દ્વાપરયુગમાં પ્રજાઓ અધર્મથી ક્ષીણતા પામે છે,


કલિયુગમાં ધર્મ એક જ ચરણે ઉભો છે.આ તામસયુગમાં કેશવ શ્યામ-રૂપ ધારણ કરે છે,વેદોક્ત આચારો,ધર્મો અને યજ્ઞક્રિયાઓ લોપ પામે છે.દુકાળો,વ્યાધિઓ,આળસ,ક્રોધ,ભૂખમરો આદિ ઉપદ્રવો પ્રસરી રહે છે.

આમ યુગોનો પલટો થતાં ધર્મ અવળો ફરે છે ને જેથી લોકો પલટાઈ જાય છે..લોક ક્ષીણ થવાથી લોકપ્રવર્તક ભાવનાઓ પણ ક્ષય પામે છે.આમ યુગના ક્ષયથી ધર્મો વિપરીત ફળ દેનારા થાય છે.આ કળિયુગ નામનો યુગ હવે ટૂંક સમયમાં જ પ્રવર્તશે.(મારા જેવા) ચિરંજીવ લોકો પણ એમાં તે યુગોને અનુસરીને વર્તન રાખે છે.

હે ભીમ,તે મને જે પૂછ્યું તે મેં તને કહ્યું,તારું કલ્યાણ હો,હવે તું જા' (40)

અધ્યાય-૧૪૯-સમાપ્ત