Mar 2, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-443

 

અધ્યાય-૧૫૦-હનુમાનનું પૂર્વરૂપ 


II भीमसेन उवाच II पूर्वरूपंद्रष्टा ते न यास्यामि कथंचन I यदि तेऽहमनुग्राह्यो दर्शयात्मानत्मना II १ II

ભીમસેન બોલ્યા-હું તમારું પૂર્વરૂપ જોયા વિના કોઈ રીતે જવાનો નથી,

તમારી મારા પર કૃપા જ હોય તો મને તમારું પૂર્વસ્વરૂપ બતાવો 

વૈશંપાયન બોલ્યા-ભીમે આમ કહ્યું એટલે કપીશ્વર હનુમાને સ્મિત કરીને સાગર ઓળંગતી વખતે તેમણે

જે રૂપ ધારણ કર્યું હતું તે બતાવ્યું,ને તેમણે પોતાના શરીરને વિસ્તાર્યું.ત્યારે તેમનો દેહ અતિ લાંબો,પહોળો

વિસ્તાર પામીને તે રૂપ વડે કદલીવનને ઢાંકી દીધું.અને ઊંચાઈમાં પર્વતને પણ ઢાંકીને ઉભા રહ્યા.(4)

બંધુનું આ વિશાળ રૂપ જોઈને ભીમ વિસ્મય ને હર્ષને પામ્યો,તેજ વડે સૂર્ય જેવા તે હનુમાનને જોઈને ભીમે પોતાની આંખો મીંચી દીધી.પછી હનુમાને હસતાં હસતાં કહ્યું કે-હે ભીમ,તું મારુ આટલું જ રૂપ જોઈ શકશે.બાકી મારા મનમાં આવે ત્યારે ને શત્રુઓની આગળ તેજથી હું આનાથી પણ વિશેષ વધુ છું.

હનુમાનનું આ રૂપ જોઈને થોડા ગભરાયેલા ભીમ બોલ્યા-હે વિભુ,શરીરનું વિપુલ પ્રમાણ મેં જોયું,હવે તમે પોતે જ આ શરીરને સંકેલી લો,કેમ કે ઉગેલા સૂર્યના જેવું આ અજોડ સ્વરૂપ જોવાની મારી શક્તિ નથી.

હે વીર,આજે મારા મનમાં એક મહાન વિસ્મય થાય છે કે-તમે આવા પાસે હોવા છતાં,રામચંદ્ર શા માટે યુદ્ધમાં ઉતર્યા હતા?કેમ કે તમે પોતે જ રાવણને ને તેની સેનાને પહોંચી વળો તેવા હતા.


હનુમાન બોલ્યા-તું કહે તેમ જ છે,પણ જો મેં એ રાવણને મારી નાખ્યો હોત તો રઘુનંદનની કીર્તિ નાશ પામત,

એ વીર રાઘવે તે અધમ રાક્ષસ પરિવારને મારીને સીતાને પોતાની નગરીમાં લઇ આવ્યા અને મનુષ્યોમાં પોતાની કીર્તિ પ્રતિષ્ઠિત કરી હતી,હે ભીમ,હવે તું જા,આ સૌગન્ધિક નામના વનમાં જવાનો માર્ગ છે,ત્યાં તું યક્ષો ને રાક્ષસોથી રક્ષાયેલું કુબેરનું ઉપવન જોઇશ,ત્યાં જઈ એકદમ ફૂલો વીણતો નહિ,દેવો ભક્તિથી પ્રસન્ન થાય છે,તું સ્વધર્મનું પાલન કરીને પરધર્મને જાણ.ને તે પ્રમાણે આચરણ કર.(25)


જ્યાં ધર્મ,અધર્મને નામે અને અધર્મ ધર્મને નામે ઓળખાય છે ત્યાં ધર્મ-અધર્મના વિભાગ પ્રમાણે સમજીને ધર્મને સમજી લેવો જોઈએ.કેમકે બુદ્ધિહીન મનુષ્યો આ સંબંધમાં ગોથાં ખાય છે.ધર્મ સદા સદાચારમૂલાંક છે.વેદો ધર્મમાં રહ્યા છે,વેદોથી યજ્ઞો થયા છે અને યજ્ઞોથી દેવોની પ્રતિષ્ઠા છે.હે કુંતીનંદન,તું ક્ષત્રિય ધર્મી છે તેથી રક્ષણ કરવું એ તારો ધર્મ છે.આથી વિનયવાન રહી,ઇન્દ્રિયોને વશમાં રાખીને તું તારા સ્વધર્મને સિદ્ધ કર.

જેમ,બ્રાહ્મણો તપ,ધર્મ,ઇન્દ્રિયદમન અને યજ્ઞાદિથી સ્વર્ગલોકને પામે છે,જેમ વૈશ્યો દાન,આતિથ્ય,ક્રિયા અને ધર્મથી સદ્દ ગતિ  પામે છે,તેમ ક્ષત્રિયો પૃથ્વી પર યોગ્ય શાસન અને પાલન રાખવાથી જ સ્વર્ગને પામે છે.(52)

અધ્યાય-૧૫૦-સમાપ્ત