Apr 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-480

 

અધ્યાય-૧૯૫-યયાતિનું ચરિત્ર 


II मार्कण्डेय उवाच II इदमन्य्च्छ्रुयतां ययातिर्नाहुषो राजा राज्यस्थः पौरजनावृत आसांचक्रे I 

गुर्वर्थि ब्राह्मण उपेत्याब्रवीत भो राज्न्गुर्वर्थे भिक्षेयं समयादिति  II १ II

માર્કંડેય બોલ્યા-હવે આ બીજું ચરિત્ર સાંભળો.નહુષપુત્ર યયાતિરાજ એકવાર નગરજનોથી ઘેરાઈને 

બેઠો હતો ત્યાં એક બ્રાહ્મણ ગુરુદક્ષિણા માટે તેની પાસે આવી બોલ્યો કે-

'હે રાજન,હું એક શરતે તમારી પાસેથી ગુરુદક્ષિણા માટે ભિક્ષા માગીશ' રાજા બોલ્યો-'આપ શરત કહો'

બ્રાહ્મણ બોલ્યો-આ જીવલોકમાં મનુષ્યની પાસે યાચના કરવામાં આવે તો તે મનુષ્ય યાચકનો મહાદ્વેષ કરે છે

આથી હે રાજન,હું તમને પૂછું છું કે-તમે આજે મારી પ્રિય વસ્તુ કેવી રીતે મને આપશો?

રાજા બોલ્યો-હે દાનપાત્ર,હું દાન આપ્યા પછી કહી બતાવતો નથી,તેમ,અમુક વસ્તુ માગવી અયોગ્ય છે એમ હું સમજતો નથી.મારી પાસે જે હોય તે હું કહી દઉં છું અને તે આપીને સુખી થાઉં છું,હું તને એક હજાર રોહિણી 

ગાયો આપું છું કેમ કે મને યાચક બ્રાહ્મણ પ્રિય છે,યાચક પર મને મનમાં રોષ થતો નથી,તેમ દાન આપવાની વસ્તુનો હું શોક કરતો નથી' આમ કહીને રાજાએ તેને ગાયો આપી જેથી બ્રાહ્મણ સંતૃપ્ત થયો (6)

અધ્યાય-૧૯૫-સમાપ્ત 


અધ્યાય-૧૯૬-વૃષદર્ભનું દાતાપણું 


II वैशंपायन उवाच II भूय एव महाभाग्यं कथ्यतामित्यब्रवीत्पांडव : II १ II

વૈશંપાયન બોલ્યા-યુધિષ્ઠિરે માર્કંડેયને ફરીથી કહ્યું કે-'ક્ષત્રિયોના માહાત્મ્ય વિશે વધુ કહો' ત્યારે 

માર્કંડેય બોલ્યા-હે મહારાજ,વૃષદર્ભ અને સેદુક નામે બે રાજાઓ હતા.વૃષદર્ભે બાળપણથી એક ગુપ્ત વ્રત 

લીધું હતું કે બ્રાહ્મણને સોના ચાંદી સિવાય બીજું કશું જ આપવું નહિ.સેદુક આ વ્રતને જાણતો હતો.


હવે,એક વખત એક બ્રાહ્મણ,સેદુક પાસે આવી ચડ્યો ને રાજાને આશીર્વાદ આપીને ગુરુદક્ષિણા માટે એક હજાર ઘોડાઓની ભિક્ષા માગી.ત્યારે સેદુકે કહ્યું કે-ગુરુદક્ષિણાના માટે મારાથી આ આપી શકાય તેમ નથી તમે 

વૃષદર્ભ પાસે જાઓ,તે રાજા પરમધર્મજ્ઞ છે તે તમને એ આપશે' આથી તે બ્રાહ્મણ વૃષદર્ભ પાસે ગયો ને 

તેની પાસેથી હજાર ઘોડાઓ માગ્યા.તો તે વખતે વૃષદર્ભે (તેને પોતાનો નિયમભંગ કરવા આવેલો સમજીને) તેને કોરડાથી મારવા લીધો,એટલે બ્રાહ્મણે કહ્યું-'મને નિરપરાધીને કેમ મારો છો?' આમ કહી તે શાપ આપવા લાગ્યો 

ત્યારે રાજાએ કહ્યું કે-'તમને જે ન આપે તેને શાપ આપવો તે શું બ્રાહ્મણપણું છે?'


બ્રાહ્મણ બોલ્યો-'સેદુકનો મોકલ્યો હું તમારી પાસે ભિક્ષા આવ્યો ને તેની આજ્ઞાથી મેં ભિક્ષા માગી છે'

રાજા બોલ્યો-મને ક્ષમા કરો,મેં જેને મારવા લીધો છે તેને ખાલી હાથ કેમ પાછો કઢાય? આજે મને જે રાજ્યની આવક થશે તે હું તમને કાલે સવારે આપીશ' આમ,રાજાએ હજાર ઘોડાઓના મૂલ્ય કરતાં પણ વધુ ભિક્ષા તે બ્રાહ્મણને આપી કે જેથી તે બ્રાહ્મણ સંતૃપ્ત થયો (13)

અધ્યાય-૧૯૬-સમાપ્ત