Jul 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-874

 

पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः । पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः ॥१५॥

अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः । नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ ॥१६॥

ભગવાન ઋષિકેશે પાંચજન્ય અને ધનંજય(અર્જુને) દેવદત્ત શંખ વગાડ્યો.ભીમે પોતાનો પૌડ્રક 

નામના શંખનો,કુંતીપુત્ર મહારાજા યુધિષ્ઠિરે પોતાના અનંતવિજય નામના શંખનો,

નકુલે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક નામના શંખનો ધ્વનિ કર્યો. (શંખ વગાડ્યો) (૧૬)


काश्यश्च परमेष्वासः शिखण्डी च महारथः । धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः ॥१७॥

द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते । सौभद्रश्च महाबाहुः शङ्खान्दध्मुः पृथक्पृथक् ॥१८॥

ધનુર્ધર કાશિરાજ,મહારથી શિખંડી,ધૃષ્ટદ્યુમ્ન્ય,વિરાટરાજ,અજેય એવા સાત્યકિ,

મહારાજા દ્રુપદ,અભિમન્યુ તથા દ્રૌપદીના અન્ય પુત્રોએ પોતપોતાના શંખોનો ધ્વનિ કર્યો. (૧૭-૧૮)

स घोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् । नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् ॥१९॥

अथ व्यवस्थितान्दृष्ट्वा धार्तराष्ट्रान्कपिध्वजः । प्रवृत्ते शस्त्रसंपाते धनुरुद्यम्य पाण्डवः ॥२०॥

શંખોના મહાધ્વનિથી આકાશ અને ધરા પર મોટો શોર થયો.એ સાંભળીને ધૃતરાષ્ટ્રના પુત્રોના 

હૃદયમાં જાણે હલચલ થઈ(૧૯)અર્જુને,કે જેના રથની ધજા પર કપિ (હનુમાનજી) વિરાજમાન હતા,

તેણે પોતાનું ગાંડિવ (ધનુષ્ય) તૈયાર કરી ભગવાન ઋષિકેશને કહ્યું.(૨૦)


अर्जुन उवाच--हृषीकेशं तदा वाक्यमिदमाह महीपते । सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेऽच्युत ॥२१॥

यावदेतान्निरिक्षेऽहं योद्‌धुकामानवस्थितान् । कैर्मया सह योद्धव्यमस्मिन् रणसमुद्यमे ॥२२॥

योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः । धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः ॥२३॥

હે કૃષ્ણ,મારો રથ બંને સેનાઓની મધ્યમાં લઈ ચાલો,જેથી હું બંને પક્ષના યોદ્ધાઓને સારી પેઠે જોઈ શકું. 

મારે જોવું છે કે દુર્બુદ્ધિથી ભરેલ દુર્યોધનનો સાથ આપવા માટે યુદ્ધભૂમિમાં કયા કયા યોદ્ધાઓ ભેગા થયા છે.

અને કોની સાથે મારે યુદ્ધ કરવાનું છે? (૨૧-૨૨-૨૩)


संजय उवाच--एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत । सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् ॥२४॥

भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् । उवाच पार्थ पश्यैतान्समवेतान्कुरूनिति ॥२५॥

સંજય કહે છે-હે ભારત (ધૃતરાષ્ટ્ર),ગુડાકેશ (અર્જુન)ના વચનો સાંભળી 

ભગવાન ઋષિકેશે એમનો રથ બંને સેનાની મધ્યમાં લાવીને ઊભો રાખ્યો. 

રથ જ્યારે પિતામહ ભીષ્મ,આચાર્ય દ્રોણ તથા અન્ય પ્રમુખ યોદ્ધાઓની સામે આવીને ઊભો રહ્યો ત્યારે 

ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું,હે અર્જુન,વિપક્ષમાં યુદ્ધ માટે તૈયાર થયેલા યોદ્ધાઓને બરાબર જોઈ લે.(૨૪-૨૫)


तत्रापश्यत्स्थितान्पार्थः पितॄनथ पितामहान् । आचार्यान्मातुलान्भ्रातॄन्पुत्रान्पौत्रान्सखींस्तथा ॥२६॥

कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् । दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् ॥२७॥

પાર્થે બંને સેનાઓનું નિરીક્ષણ કર્યું તો એમાં પોતાના પિતરાઈ ભાઈઓ,પિતામહ,આચાર્ય,મામા,પુત્ર,પૌત્રો,

મિત્રો,સ્નેહીજનો તથા હિતચિંતકોને ઊભેલા જોયા.એ બધાને જોઈને અર્જુનનું મન ઉદ્વિગ્ન થઈ ગયું.

વિષાદથી ભરેલ મને એણે,ભગવાન કૃષ્ણને કહ્યું,(૨૭)


श्वशुरान्सुहृदश्चैव सेनयोरुभयोरपि । तान्समीक्ष्य स कौन्तेयः सर्वान्बन्धूनवस्थितान् ॥२८॥

सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति । वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते ॥२९॥

गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते । न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः ॥३०॥

હે કૃષ્ણ,યુદ્ધભૂમિમાં હું સગાં સંબંધી અને હિતેચ્છુઓને લડવા માટે તત્પર ઊભેલા જોઈ રહ્યો છું.

એમની સાથે યુદ્ધ કરવાની માત્ર-કલ્પના કરતાં જ,મારાં અંગ ઠંડા પડી રહ્યા છે, મારું મોં સુકાઈ રહ્યું છે, 

મારું શરીર અને અંગેઅંગ કાંપી રહ્યા છે.મારા હાથમાંથી ગાંડીવ જાણે સરકી રહ્યું છે. 

મારી ત્વચામાં દાહ થઈ રહ્યો હોય એવું મને લાગે છે. 

મારું ચિત્ત ભમી રહ્યું હોય એવું મને લાગે છે અને મારાથી ઊભા પણ રહેવાતું નથી. (૨૮-૩૦)