Aug 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-892

 

અધ્યાય-૩૨-અક્ષરબ્રહ્મયોગ (ગીતા-૮-અક્ષરબ્રહ્મયોગ)


अर्जुन उवाच--किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम ।अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ॥१॥

अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन ।प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ॥२॥

અર્જુન કહે છે-હે પુરુષોત્તમ,બ્રહ્મ એટલે શું? અધ્યાત્મ એટલે શું? કર્મ એટલે શું? અધિભૂત શાને કહે છે? 

અને અધિદૈવ કોને કહે છે?હે મધુ સુદન ! આ દેહમાં અધિયજ્ઞ કોણ છે ? તે કેવો છે ? 

જેણે અંત:કરણને જીતી લીધુ છે,એવો યોગી મરણ સમયે તમને કેવી રીતે જાણે છે ? (૨)

श्रीभगवानुवाच--अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते ।भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः ॥३॥

अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् ।अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर ॥४॥

શ્રી ભગવાન કહે છે-બ્રહ્મ અવિનાશી અને સર્વ શ્રેષ્ઠ છે.તેનો સ્વ-ભાવ અધ્યાત્મ છે.પ્રાણીની ઉત્પતિને લીધે 

જે વિસર્ગ,દેવોને ઉદ્દેશી યજ્ઞમાં કરેલું દ્રવ્યપ્રદાન,તેને કર્મ કહે છે.જે નાશવંત  પદાર્થો છે તે અધિભૂત છે.

પુરુષ (ચૈતન્ય અધિષ્ઠાતા) અધિદૈવ છે.આ દેહમાં જે સાક્ષીભૂત છે તે હું અધિયજ્ઞ છું.(૪)


अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् ।यः प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशयः ॥५॥

यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् ।तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः ॥६॥

વળી જે અંત:કાળે મારું સ્મરણ કરતાં કરતાં શરીરનો ત્યાગ કરે છે,તે મારા સ્વરૂપમાં સમાઈ જાય છે,

તેમાં શંકાને સ્થાન નથી.અથવા હે કાંતેય,જે મનુષ્યો મનમાં જે જે ભાવ રાખીને અંતે દેહ છોડે છે, 

તે બીજા જન્મમાં તે તે ભાવથી યુક્ત થઈને તે જન્મે છે.(૬)


तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च ।मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम् ॥७॥

अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना ।परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् ॥८॥

कविं पुराणमनुशासितारमणोरणीयांसमनुस्मरेद्यः ।सर्वस्य धातारमचिन्त्यरूप मादित्यवर्णं तमसः परस्तात् ॥९॥

માટે હે પાર્થ,મન અને બુદ્ધિને મારામાં અર્પણ કરીને સદૈવ મારું ચિંતન કર અને યુદ્ધ કર,એટલે તે કર્મ મારામાં 

જ આવી મળશે તેમાં સંશય નથી.હે પાર્થ ! પોતાના ચિત્તને ક્યાંય ન જવા દેતાં યોગાભ્યાસના સાધનથી 

ચિત્તને એકાગ્ર કરીને જે મારું ચિંતન કરે છે,સર્વજ્ઞ,સર્વના નિયંતા,આદિ,સુક્ષ્માતિસુક્ષ્મ,સર્વના પોષક,અચિંત્યરૂપ સૂર્ય 

જેવા તેજસ્વી અને તમોગુણથી અલિપ્ત એવા દિવ્ય પરમ પુરુષનું ચિંતન કરે છે.તે,તેજોમય પુરુષમાં મળી જાય છે.(૯)   


प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव ।भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् स तं परं पुरुषमुपैति दिव्यम् ॥१०॥

यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः ।यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये ॥११ll

અંતકાળે જે મનુષ્ય મન સ્થિર કરી ભક્તિવાળો થઈને યોગબળે બે ભ્રમરોની વચ્ચે પ્રાણને ઉત્તમ પ્રકારે સ્થિર 

કરે છે,એ તે દિવ્ય પરમ પુરુષમાં લીન થઇ જાય છે.વેદવેત્તાઓ જે પરમ તત્વને અક્ષર કહે છે,

તે,જેમના કામ ક્રોધનો નાશ થયો છે એવા સંન્યાસી જે સ્વરૂપને પ્રાપ્ત કરે છે 

અને જેની પ્રાપ્તિ માટે બ્રહ્મચારીઓ બ્રહ્મચર્ય વ્રત પાળે છે તે પદને હું તને ટૂંકમાં કહીશ.(૧૧)


सर्वद्वाराणि संयम्य मनो हृदि निरुध्य च ।मूर्ध्न्याधायात्मनः प्राणमास्थितो योगधारणाम् ॥१२॥

ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन् ।यः प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् ॥१३॥

अनन्यचेताः सततं यो मां स्मरति नित्यशः ।तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः ॥१४॥

જે ઈન્દ્રિયોરૂપી સર્વ દ્વારોનો નિરોધ કરી,ચિત્તને હદયમાં સ્થિર કરી,ભ્રુકુટીના મધ્યભાગમાં 

પોતાના પ્રાણવાયુને સ્થિર કરી યોગાભ્યાસમાં સ્થિર થાય.બ્રહ્મવાચક એકાક્ષર ॐ નો ઉચ્ચાર 

કરીને મારું જે સ્મરણ કરતો દેહત્યાગ કરે છે તે ઉત્તમ ગતિને પામે છે.(૧૩)

હે પાર્થ ! જે યોગી એકાગ્રચિત્તે સદા મારું સ્મરણ કરે છે,જે સદા સમાધાન યુક્ત હોય છે , 

તેને હું સહજતાથી પ્રાપ્ત થાઉં છું.(૧૪)