Aug 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-902

 

અધ્યાય-૩૬-ભક્તિયોગ(ગીતા-૧૨-ભક્તિ યોગ)


अर्जुन उवाच--एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ।ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः ॥१॥

અર્જુન કહે છે-એ રીતે નિરંતર આપનું ધ્યાન ધરતા જે ભક્તો આપને સગુણ સ્વરૂપે ભજે છે, 

અને જે લોકો આપની નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે,તે બંનેમાં શ્રેષ્ઠ યોગવેતા કોણ? (૧)

श्री भगवानुवाच--मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते ।श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मताः ॥२॥

શ્રી ભગવાન બોલ્યા-જેઓ મનને એકાગ્ર કરી,નિરંતર ધ્યાન ધરતાં શ્રેષ્ઠ શ્રધ્ધાથી યુક્ત થઇ મને 

ઉપાસે છે તેમને મેં શ્રેષ્ઠ યોગવેત્તાઓ માન્યા છે.(૨)


ये त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते ।सर्वत्रगमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् ॥३॥

संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ।ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः ॥४॥

क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् ।अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते ॥५॥

સર્વ જીવો (ભૂતો) નું હિત કરવામાં તત્પર અને સર્વમાં સમદ્રષ્ટિ રાખવાવાળા જે પુરુષો,સર્વ ઇન્દ્રિયોનું યથાર્થ 

નિયમન કરીને અનિર્દ્રશ્ય,અવ્યક્ત,સર્વમાં વ્યાપેલા,અચિંત્ય,કુટસ્થ,અચળ,શાશ્વત તથા અવિનાશી બ્રહ્મની 

ઉપાસના કરે છે,તેઓ મને જ પામે છે.નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનારા દેહધારી મનુષ્યો કષ્ટથી એ 

ઉપાસના કરે છે અને તેમને અવ્યક્ત ગતિ ઘણા યત્નથી પ્રાપ્ત થાય છે.(૩,૪,૫) 


ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः ।अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ॥६II

तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् ।भवामि नचिरात्पार्थ मय्यावेशितचेतसाम् ॥७॥

કિન્તુ જેઓ મારા પરાયણ થઇને સર્વે કર્મો મને અર્પણ કરેછે અને મારુ જ ધ્યાન ધરી અનન્ય શ્રધ્ધા ભાવથી 

મારી જ ઉપાસના કરે છે તથા જેઓ પોતાનું ચિત્ત મને જ  સમર્પિત કરી દે છે એવા મારા ભક્તોનો 

હે પાર્થ ! હું જન્મ-મરણ રૂપી આ સંસારમાંથી તરત જ ઉદ્ધાર કરું છું.(૬,૭)


मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय ।निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः ॥८॥

अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् ।अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनंजय ॥९॥

મનને મારા વિષે સ્થિર કર અને બુદ્ધિને પણ મારા વિષે સ્થિર કર તેમ કરવાથી આ દેહના અંત પછી તું મારા 

વિષે જ નિવાસ કરીશ,એમાં શંકા ને કોઈ સ્થાન નથી.હે ધનંજય,જો મારા સગુણ રૂપમાં મન સ્થાપીને 

સ્થિર કરવા માટે તું અસમર્થ હોય તો,અભ્યાસના યોગ વડે મને પામવાની ઈચ્છા કર.(૯)


अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव ।मदर्थमपि कर्माणि कुर्वन्सिद्धिमवाप्स्यसि ॥१०॥

अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः ।सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् ॥११॥

श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते ।ध्यानात्कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम् ॥१२॥

અભ્યાસનો યોગ કરવામાં પણ તું અસમર્થ હોય તો મારા ઉદ્દેશથી જ કર્મ કરતો રહે મને ઉદ્દેશીને કર્મો કરીશ તો પણ 

તું સિદ્ધિને પ્રાપ્ત કરીશ.જો મને ઉદ્દેશીને કર્મો કરવામાં પણ તું અશક્ત હોય તો મારા યોગનો આશ્રય કરી-

મનનો સંયમ કર,અને અનન્ય ભાવે મારા શરણે આવી,સર્વ કર્મોનાં ફળનો ત્યાગ કરી દે.(૧૧) 

અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે અને જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતાં કર્મના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે 

કારણકે કર્મફળના ત્યાગથી શાંતિ મળે છે.આ રીતે આગળ વધવાથી શાંતિ પ્રાપ્ત થાય છે.(૧૨)