Aug 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-904

 

અધ્યાય-૩૭-જ્ઞાનકાંડ-ક્ષેત્રક્ષેત્રજ્ઞ યોગ(ગીતા-૧૩-ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગયોગ)


अर्जुन उवाच--प्रकृति पुरुषं चैव क्षेत्रंक्षेत्रज्ञमेव च,एतद्वेदितुमिच्छामी ज्ञानंज्ञेयं च केशव I 

અર્જુન કહે છે-પ્રકૃતિ અને પુરુષ,ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ,જ્ઞાન અને જ્ઞેય-આ બધા વિષે હું જાણવા ઈચ્છું છું.

(નોંધ-આ શ્લોક ક્ષેપક છે,એમ ટીકાકારો માને છે,જો આ શ્લોકનો ઉમેરો કરવામાં આવે તો 

ગીતાના કુળ શ્લોકોની સંખ્યા ૭૦૧ ની થશે.એટલે આ શ્લોકને નંબર આપ્યો નથી)

श्री भगवानुवाच--इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते ।एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः ॥१॥

क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत ।क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम ॥२II

ભગવાન કહે છે-હે કોંતેય,આ દેહ “ક્ષેત્ર ‘કહેવાય છે અને તેને જાણે છે તે તત્વજ્ઞ મનુષ્ય 

“ક્ષેત્રજ્ઞ “કહેવાય છે.હે ભારત,સર્વ ક્ષેત્રો(દેહો)માં જે ક્ષેત્રજ્ઞ છે તે પણ હું જ છું એમ સમજ.

ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે તે શ્રેષ્ઠ જ્ઞાન છે તેવો મારો મત છે.(૨)


तत्क्षेत्रं यच्च यादृक्च यद्विकारि यतश्च यत् ।स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु ॥३॥

ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ।ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः ॥४॥

ક્ષેત્ર શું અને એનું સ્વરૂપ શું?તેના વિકારો કયા? અને તે ક્યાંથી આવે છે? અને ક્ષેત્રજ્ઞ કોણ છે?તેની શક્તિઓ શી? 

તે ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞના સ્વરૂપને મારી પાસેથી ટૂંકમાં સાંભળ.આ જ્ઞાન ઋષિઓએ વિવિધ રીતે નીરૂપેલું છે,વિવિધ વેદોએ 

વિભાગપૂર્વક કરેલું છે.અને યુક્તિથી યુક્ત તથા નિશ્વિત અર્થવાળા બ્રહ્મસુત્રના પદો દ્વારા પણ વર્ણવેલું છે.(૪)


महाभूतान्यहंकारो बुद्धिरव्यक्तमेव च ।इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचराः ॥५॥

इच्छा द्वेषः सुखं दुःखं संघातश्चेतना धृतिः ।एतत्क्षेत्रं समासेन सविकारमुदाहृतम् ॥६ll

પંચમહાભૂત,અહંકાર,બુદ્ધિ,મહતત્વ,દશ ઇન્દ્રિયો,મન અને ક્ષેત્રાદિક જ્ઞાનેન્દ્રિયોના શબ્દાદિક 

પાંચ વિષયો.વાણી આદિ પાંચ કર્મેન્દ્રિયોના પંચ વિષયો,ઈચ્છા,દ્વેષ,સુખ-દુખ, 

સંઘાત,ચેતના,ધૈર્ય- એ વિકારોથી યુક્ત આ ક્ષેત્ર (દેહ) છે તે મેં ટૂંકમાં કહ્યું.(૬)


अमानित्वमदम्भित्वमहिंसा क्षान्तिरार्जवम् ।आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः ॥७॥  

इन्द्रियार्थेषु वैराग्यमनहंकार एव च ।जन्ममृत्युजराव्याधि दुःखदोषानुदर्शनम् ॥८॥

 असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु ।नित्यं च समचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु ॥९॥

मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी ।विविक्तदेशसेवित्वमरतिर्जनसंसदि ॥१०॥

अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम् ।एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ॥११॥


અમાનીપણું,અદંભીપણું,અહિંસા,ક્ષમા,સરળતા,આચાર્યની ઉપાસના,પવિત્રતા,એક નિષ્ઠા,અને 

આત્મ સંયમ,ઇન્દ્રિયાદી વિષયોમાં વૈરાગ્ય,તેમજ અહંકાર રહિતપણું,જન્મ-મૃત્યુ,જરા-વ્યાધિ તથા 

દુઃખો પ્રત્યેના દોષો જોવા,પુત્ર,સ્ત્રી, ઘર વગેરે પદાર્થોમાં પ્રીતિનો અભાવ,અહં-મમતાનો અભાવ અને ઇષ્ટની 

તથા અનિષ્ટની પ્રાપ્તિમાં સદા સમાનભાવ રાખવો,મારામાં અનન્ય ભાવથી નિર્દોષ ભક્તિ હોવી,એકાંતવાસ 

પર પ્રેમ અને લોકસમુદાયમાં રહેવા પ્રત્યે અપ્રીતિ હોવી.અધ્યાત્મજ્ઞાનમાં નિષ્ઠા રાખવી,

તત્વજ્ઞાનનો વિચાર કરવો.આ જ્ઞાન કહેવાય છે.આનાથી વિરુદ્ધ  છે તે અજ્ઞાન કહેવાય છે. (૧૧)


ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वामृतमश्नुते ।अनादि मत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते ॥१२॥

सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम् ।सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति ॥१३॥

જે જાણવા યોગ્ય છે,જેને જાણવાથી જીવને મોક્ષ મળે છે,તે 'જ્ઞેય' વિષે હવે તને કહું છું,તે અનાદિ સર્વોત્કૃષ્ટ 

બ્રહ્મને સત્ પણ કહી શકાય તેમ નથી અને અસત્ પણ કહી શકાય તેમ નથી.તેને સર્વ તરફ હાથ,પગ,નેત્ર,શિર,

મુખ અને કાન છે અને એવા સર્વજ્ઞ શક્તિમાન રૂપે આ લોકમાં,ચરાચર જગતમાં,તે સર્વત્ર વ્યાપેલું છે.(૧૩) 


सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् ।असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च ॥१४॥

बहिरन्तश्च भूतानामचरं चरमेव च ।सूक्ष्मत्वात्तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत् ॥१५॥

તે સર્વ ઇન્દ્રિયોનું જ્ઞાન કરાવનાર હોવા છતાં સર્વ ઇન્દ્રિયોથી રહિત છે.તે ક્યાંય આસક્તિ રાખતો નથી.

છતાં સર્વને ધારણ કરે છે.તે ગુણ રહિત હોવા છતાં ગુણનો ઉપભોગ કરે છે.(૧૪)                           

તે જ્ઞેય ભૂતોની બહાર અને અંદર તેમજ સ્થાવર રૂપ તથા જંગમ પ્રાણી સમુદાયરૂપ છે.તે સૂક્ષ્મ 

હોવાથી જાણી શકાય તેવું નથી તથા તે દુર રહેલું છે અને અત્યંત સમીપમાં પણ છે.(૧૫)


अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् ।भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च ॥१६॥

ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते ।ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् ॥१७॥

इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः ।मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते ॥१८॥

અને તે બ્રહ્મ સર્વ ભૂતોમાં એક છે,છતાં જાણે ભિન્ન હોય એવી રીતે રહેલું છે.તે સર્વ ભૂતોને ધારણ કરનાર,પ્રલયકાળે 

સર્વનો સંહાર કરનાર તથા સર્વને ઉત્પન્ન કરવાના સામર્થ્યવાળું જાણવું.તે બ્રહ્મ ચંદ્ર-સુર્યાદિકને પણ પ્રકાશ આપે છે.

તે અજ્ઞાનરૂપી અંધકારની પેલી બાજુએ છે એમ જાણવું.તે જ્ઞાન સ્વરૂપ,જ્ઞેય સ્વરૂપ તથા જ્ઞાનથી પ્રાપ્ત કરવા યોગ્ય છે 

તે જ સર્વના હૃદયમાં વિધમાન છે.એ પ્રમાણે ક્ષેત્ર,ક્ષેત્રજ્ઞ,જ્ઞાન અને જ્ઞેય તને ટુંકાણમાં સંભળાવ્યાં.

એમને જાણવાથી મારો ભક્ત મારા ભાવને (સ્વ-રૂપને) પ્રાપ્ત કરે છે.(૧૮)