Oct 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-950

 

અધ્યાય-૬૯-પાંચમો દિવસ-મકર અને શ્યેન વ્યૂહ 


॥ संजय उवाच ॥ व्युषितायां च शर्वर्या उदिते च दिवाकरे I उभे सेने महाराज युद्धायैव समीयतुः ॥१॥ 

સંજયે કહ્યું-રાત્રિ વીતી ગઈ અને પ્રભાતના સૂર્યનો ઉદય થતાં,બે સેનાઓ યુદ્ધ કરવા માટે સજ્જ થઈને ઉભી.તમારા દુષ્ટ વિચારના પરિણામથી તે વેળા પાંડવો ને કૌરવો સામસામા વ્યૂહરચના કરીને એકબીજા પર પ્રહાર કરવા તૈયાર થઇ રહ્યા.

ભીષ્મ,પોતાના મકરવ્યુહનું ચારે બાજુથી રક્ષણ કરતા હતા.ને મોટી રથીઓની સેનાથી વીંટાઇને આગળ નીકળી પડ્યા,યોગ્ય વિભાગમાં ઉભેલા રથીઓ,પાયદળો,હાથીઓ અને ઘોડેસ્વારો એકબીજાને અનુસરવા લાગ્યા.

પાંડવોએ પણ યુદ્ધમાં અજિત એવો શ્યેન નામનો વ્યૂહ રચ્યો.તે વ્યૂહના મુખના સ્થાનમાં ભીમ,નેત્રના સ્થાનમાં શિખંડી ને ધૃષ્ટદ્યુમ્ન,મસ્તકના સ્થાનમાં સાત્યકિ,અને ગ્રીવાના સ્થાનમાં અર્જુન ઉભો રહ્યો.વળી,તે વ્યૂહના ડાબા પડખામાં અક્ષૌહિણી સેનાને લઈને દ્રુપદ પોતાના પુત્ર સાથે ઉભા રહ્યા હતા.ને જમણા પડખામાં કેકેય રાજા પોતાની અક્ષૌહિણી સેના સાથે ઉભો.

પાછળના ભાગમાં દ્રૌપદીના પુત્રો અને અભિમન્યુ ઉભા રહ્યા.યુધિષ્ઠિર,નકુલ ને સહદેવ પુંઠના ભાગમાં ઉભા રહ્યા.


પછી,ભીમસેન,કૌરવોના મકરવ્યૂહમાં પ્રવેશ કરીને,ભીષ્મ પાસે આવી પહોંચ્યો અને તેમને બાણોથી છાઈ દેવા મંડ્યો.ભીષ્મે પણ મહાસ્ત્રો છોડવા માંડ્યાં અને પાંડવોના સૈન્યને ગભરાવી દીધું.સૈન્યને ગભરાતું જોઈને અર્જુને ત્વરાથી યુદ્ધના મોખરે આવી જઈને,ભીષ્મને હજાર બાણોથી વીંધી નાખ્યા.ને તેમણે છોડેલા અસ્ત્રોને અટકાવી દીધા.તે વખતે,દુર્યોધન,આગળના દિવસનો સૈન્યનો સંહાર ને યુદ્ધમાં મરણ પામેલા પોતાના ભાઈઓને યાદ કરીને દ્રોણ પાસે જઈને તેમને કહેવા લાગ્યો કે-'હે આચાર્ય,તમે હંમેશાં મારુ હિત કરવામાં જ તત્પર રહો છો,અમે તમારો ને ભીષ્મનો આશ્રય કરીને જો,યુદ્ધમાં દેવતાઓને પણ જીતવાની આશા રાખીએ છીએ તો આ અલ્પ પરાક્રમવાળા પાંડવો કોણ માત્ર છે?માટે એવું કરો કે જેથી પાંડવોનો નાશ થાય.'


દુર્યોધને એમ કહ્યું એટલે દ્રોણે સાત્યકિના દેખતાં પાંડવોના સૈન્યને વિખેરીને તીક્ષ્ણ બાણોના પ્રહારથી સાત્યકિને ગળાની હાંસડીમાં વીંધી નાખ્યો.ત્યારે તેનું રક્ષણ કરવા ભીમસેને દ્રોણને વીંધવા માંડ્યા.તે જોઈને ભીષ્મ,દ્રોણ અને શલ્ય પણ સામે તેને વીંધવા લાગ્યા.ભીષ્મ ને દ્રોણાચાર્યને સામા જોઈને શિખંડી,એકદમ ગર્જના કરતો આવી પહોંચ્યો ને બાણોનો વરસાદ કરવા લાગ્યો.શિખંડીને સામો આવેલો જોઈને ભીષ્મે 'તે સ્ત્રી છે' એમ માનીને તેની સામે યુદ્ધ કરવું છોડી દીધું.ત્યારે દુર્યોધનની પ્રેરણાથી આચાર્ય દ્રોણ શિખંડી સામે યુદ્ધ કરવા માટે ચઢી આવ્યા.તેમનાથી શિખંડી ત્રાસ પામ્યો ને યુદ્ધમાંથી ખસી ગયો.


પછી,દુર્યોધન,મોટા યશની ઈચ્છા રાખતો પ્રચંડ સૈન્યને સાથે લઈને ભીષ્મની પાસે આવ્યો.તે જ રીતે પાંડવો અર્જુનને આગળ કરીને ભીષ્મ સામે ધસ્યા,તે વખતે જેમ દેવોનું અને રાક્ષસોનું યુદ્ધ થયું હતું તેમ પાંડવો ને કૌરવોનું યુદ્ધ થતું હતું.(34)

અધ્યાય-69-સમાપ્ત