Feb 13, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1045

અધ્યાય-૩૯-દુઃશાસનની ચડાઈ 


II धृतराष्ट्र उवाच II द्वैधी भवति मे चित्तं भिया तुष्टया च संजय I मम पुत्रस्य यत्सैन्यं सौभद्रः संवारयत II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,ભય અને સંતોષથી મારું ચિત્ત બે પ્રકારે વહેંચાઈ જાય છે,કારણકે સુભદ્રાના 

પુત્રે મારા સૈન્યને અટકાવ્યું છે.તેણે મારા સૈન્ય સાથે જે રીતે યુદ્ધક્રીડા કરી હોય તે મને કહે.


સંજય બોલ્યો-તમારા પક્ષના અનેક યોદ્ધાઓએ એકલા અભિમન્યુ સામે તુમુલ રણસંગ્રામ ખેલ્યો હતો.એકલો અભિમન્યુ બળતાં ઉંબાડિયાંની જેમ ઘૂમીને દ્રોણ,કર્ણ,કૃપ,શલ્ય,અશ્વત્થામા,ભોજ,બૃહદબલ,દુર્યોધન,ભૂરિશ્રવા,શકુનિ ને તે ઉપરાંત બીજા અનેક રાજાઓ,રાજપુત્રો ને તેમનાં સૈન્યોને બાણોથી ઝાટકવા માંડ્યા હતા.અભિમન્યુનું તે ચરિત્ર જોઈને તમારાં હજારો સૈન્યો કંપી ઉઠ્યાં.તે અભિમન્યુના પરાક્રમને જોઈને દ્રોણાચાર્ય હર્ષથી કૃપાચાર્યને કહેવા લાગ્યા કે-પાંડવોનો આ પ્રસિદ્ધ યુવાન સુભદ્રાપુત્ર પોતાના સર્વ મિત્રો ને સંબંધીઓને આનંદ પમાડતો આપણા સૈન્યમાં ઘૂમી રહ્યો છે.આ યુદ્ધમાં હું બીજા કોઈ પણ ધનુર્ધરને આના તોલમાં માનતો નથી.તે ઈચ્છે તો આ સઘળી સેનાનો સંહાર કરી નાખે,પણ તે શા માટે એવી ઈચ્છા કરતો નથી?

દ્રોણાચાર્યનું આવું પ્રીતિવચન સાંભળીને દુર્યોધન અભિમન્યુ પ્રત્યે ક્રોધાયમાન થઇ ગયો ને દ્રોણ સામે જોઈ જાણે હાસ્ય કરતો હોય તેમ કર્ણ,બાહલીકરાજા,દુઃશાસન,મદ્રરાજ તથા બીજા મહારથીઓને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે-'સર્વ રાજાઓના આ આચાર્ય અને શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા આ દ્રોણ,અહીં આ મૂઢ અર્જુનપુત્રને મારવા ઇચ્છતા નથી.આ આપણા આચાર્ય જો હાથમાં શસ્ત્ર લઈને યુદ્ધ કરવા તૈયાર થાય તો સાક્ષાત કાળ પણ તેમની સામે યુદ્ધ કરી શકે તેમ નથી.તો પછી બીજો સામાન્ય મનુષ્ય તો કોણ માત્ર?આ હું તમને સાચું જ કહું છું.છતાં અર્જુન પોતાનો શિષ્ય છે અને આ અભિમન્યુ તેનો પુત્ર છે તેથી ગુરુમહારાજ તેનું રક્ષણ કરે છે.ને આ મૂર્ખ અભિમન્યુ પણ દ્રોણાચાર્ય પોતાનું રક્ષણ કરે છે એ વાતને નહિ સમજીને પોતાનું મોટું પરાક્રમ માની બેઠો છે અને પોતે આપોઆપ મોટો થઇ પડ્યો છે માટે હવે તેને મારી નાખો વખત બગાડો નહિ'


દુર્યોધનનું આવું વચન સાંભળીને દુઃશાસન તેને કહેવા લાગ્યો કે-'હું પોતે જ તે અભિમન્યુનો વધ કરીશ.અતિ અભિમાની એવા કૃષ્ણ અને અર્જુન અભિમન્યુને મરણ પામેલો સાંભળીને અવશ્ય આ જીવલોકમાંથી પ્રેતલોકમાં ચાલ્યા જશે.તે બંનેને મરણ પામેલા સાંભળીને બાકી રહેલા પાંડવો પણ જીવિતનો ત્યાગ કરશે.કારણકે પાંડુના તે ક્ષેત્રજ પુત્રો નપુંસક છે.માટે તમારો આ શત્રુ જયારે માર્યો જશે ત્યારે તમારા બીજા શત્રુઓ ન એની મેળે જ મરણ પામશે.'


હે રાજન,આમ કહીને તમારો પુત્ર ગર્જી ઉઠ્યો ને કોપાયમાન થઈને અભિમન્યુ સામે ધસીને બાણોનો વરસાદ કરવા લાગ્યો.તે બંને જણા રથ શિક્ષામાં કુશળ હોવાથી તરેહ તરેહનાં ગોળાકાર મંડળો કરીને રથમાં ઘુમવા લાગ્યા.તે સમયે બીજા મનુષ્યો પણ આનક,ભેરી-આદિ વાદિન્ત્રોના અતિ તીવ્ર શબ્દો કરવા લાગ્યા તેમાં શંખ વગાડી સિંહનાદ કરવા લાગ્યા.(31)

અધ્યાય-39-સમાપ્ત