Feb 12, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1044

 

અધ્યાય-૩૮-અભિમન્યુની વીરતા 


II धृतराष्ट्र उवाच II तथा प्रमथमानं तं महेष्वामानजिह्नगै: I आर्जुनि मामका: संख्येकेर्त्वेनं समवारयन II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-આમ સીધાં જનારાં બાણોથી મોટામોટા ધનુર્ધરોને ત્રાસ પમાડી રહેલા અભિમન્યુને,

મારા કયા કયા યોદ્ધાઓએ યુદ્ધમાં આગળ વધતાં અટકાવ્યો?

સંજય બોલ્યો-હે રાજન,એ રણમાં,શલ્યને અભિમન્યુના બાણોથી માર પડેલો જોઈને તેનો નાનો ભાઈ ક્રોધે ભરાઈને તેની સામે ચઢી આવ્યો ને તેણે દશ બાણોથી અભિમન્યુને,તેના ઘોડા અને સારથિને વીંધી નાખ્યા.ને 'ઉભો રહે' એમ મોટા શબ્દથી ગર્જના કરી.ત્યારે ચાલાક હાથવાળા અર્જુનપુત્રે જથ્થાબંધ બાણો છોડીને તેના ધનુષ્યને,સારથિને,આસપાસના રક્ષણ કરનારા યોદ્ધાઓને ને છેવટે તેના મસ્તકને કાપીને પૃથ્વી પર પાડી દીધો.આ બધું એટલું બધું ઝડપથી બની ગયું કે તેને કોઈ જોઈ પણ શક્યું નહિ અને શલ્યનો નાનો ભાઈ આમ મરણને શરણ થયો.


ત્યારે તેના મદોન્મત સૈનિકો પોતાના રથ,ઘોડા હાથી અને પાળાઓની સાથે અભિમન્યુ સામે ધસ્યા.ને 'મારો મારો'નાદથી રણભૂમિ ગુંજી ઉઠી.તે સૈનિકો 'આજે તું અમારી પાસેથી જીવતો છૂટવાનો નથી' એમ બોલતા હતા.તે સૈનિકોને જોઈને અભિમન્યુ તરેહતરેહનાં બાણો વડે તેમને મારવા લાગ્યો.વળી,અર્જુન અને શ્રીકૃષ્ણ પાસેથી તેણે જેજે અસ્ત્રો મેળવ્યાં હતા તે અસ્ત્રોને પણ તે અર્જુન અને શ્રીકૃષ્ણની જેમ જ વાપરતો હતો.પોતા પર આવી પડેલા મોટા ભારને તથા ભયને દૂર ફેંકી દઈને તે વારંવાર બાણોનું અનુસંધાન કરતો હતો અને એક જ સ્થિતિએ દેખાતો હતો,એનું ધનુષ્યમંડળ સર્વ દિશાઓમાં દેખાતું હતું.


લજ્જાવાન,રોષભર્યો,સન્માન કરનાર અને સુંદર દેખાવાનો તે સુભદ્રાનંદન વીર પુરૂષોનું માન જાળવીને,બાણરૂપ અસ્ત્રોથી લડી રહ્યો હતો.તે પ્રથમ મૃદુ પણ પાછળથી અતિ દારુણ થઇ પડ્યો હતો.તે મહાયશસ્વીએ દ્રોણાચાર્યના દેખતાં,ક્ષુરપ(અસ્ત્રા જેવાં બાણો),વત્સદંત (વાછરડાના દાંત આકારના બાણો)નારાચ,અર્ધચંદ્રાકાર,ભલ્લ,અને અંજલિક બાણો વડે રથીઓના સૈન્યને ઢાંકી દીધું હતું.એટલે કૌરવોનું એ સૈન્ય એ બાણોથી પીડાઈને ત્યાંથી નાઠું. (24)

અધ્યાય-38-સમાપ્ત