Feb 11, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1043

 

અધ્યાય-૩૭-અભિમન્યુનું પરાક્રમ 


II संजय उवाच II तां प्रभग्नां चमूं द्रष्ट्वा सौभ्द्रेणामितौजसा I दुर्योधनो भृशं कृद्वः स्वयं सौभद्रमभ्यपात II १ II

સંજય બોલ્યો-અમાપ તેજવાળા અભિમન્યુએ એ સેનાને હરોળમાંથી તોડી નાખી એ જોઈને દુર્યોધન અત્યંત કોપાયમાન થઇ ગયો અને તે જાતે જ અભિમન્યુ સામે ધસી આવ્યો.તેને જોઈ દ્રોણાચાર્ય સર્વ યોદ્ધાઓને કહેવા લાગ્યા કે-'આપણા રાજાનું રક્ષણ કરો,કારણકે પરાક્રમી અભિમન્યુ આપણા બધાના દેખાતા સારાસારા યોદ્ધાઓને જ પ્રથમ મારે છે' દ્રોણની આજ્ઞા થતાં યોદ્ધાઓ દુર્યોધનનું રક્ષણ કરવા આગળ ધસ્યા.દ્રોણ,અશ્વત્થામા,કૃપાચાર્ય,કર્ણ,કૃતવર્મા,શકુની,બૃહદબલ,મદ્રરાજ,

ભૂરિશ્રવા,શલ,પૌરવ અને વૃષસેન વગેરે યોદ્ધાઓ તીક્ષ્ણ બાણોનો વરસાદ વરસાવી અભિમન્યુને છાઈ દેવા માંડ્યા.

અભિમન્યુના મોમાં કોળિયાની જેમ ઝપટાયેલા એ દુર્યોધનને તે યોદ્ધાઓએ આવી રક્ષણ કર્યું તે અભિમન્યુ સહન કરી શક્યો નહિ અને તેણે બાણોનો મોટો જથ્થો છોડ્યો ને તે મહારથીઓને વિમુખ કરીને સિંહના જેવી ગર્જના કરવા લાગ્યો.તે સિંહનાદને સામેના મહારથીઓ સહન કરી શક્યા નહિ અને તે બધાએ તેને મોટા રથસમુદાયથી ઘેરી લીધો ને તેના પર અનેક પ્રકારના સંખ્યાબંધ બાણો છોડવા માંડ્યાં.ત્યારે અભિમન્યુએ પીઠ બતાવ્યા વિના તે એકલો જ સર્વ પર એક સાથે ઝેરી બાણોનો પ્રહાર કરીને તેમને ખાળી રહ્યો હતો.તેમની વચ્ચે ઘોર સંગ્રામ ચાલી રહ્યો હતો.


ત્યારે દુઃસહે,દુઃશાસને,કૃપાચાર્યે,દ્રોણાચાર્યે,વિવિંશતિએ,કૃતવર્માએ,બૃહદબલે,અશ્વત્થામાએ,ભૂરિશ્રવાએ,મદ્રરાજે,શકુનિએ અને દુર્યોધને અનેક બાણો છોડીને અભિમન્યુને વીંધી નાખ્યો.ત્યારે હે રાજન,પ્રતાપી અભિમન્યુ,હાથમાં ધનુષ્ય લઈને જાણે નૃત્ય કરતો હોય તેમ સીધાં જનારાં ત્રણ ત્રણ બાણો મૂકીને તે બધાને વીંધી નાખ્યા.કોપેલો અભિમન્યુ,પોતે કરેલા મોટા અસ્ત્રઅભ્યાસનું બળ તથા પોતાનું સ્વાભાવિક બળ બતાવવાનો આરંભ કર્યો.તેવામાં રાજા અશ્મકનો પુત્ર તેને સત્વર અટકાવવા ધસી આવ્યો અને તેણે દશ બાણોના પ્રહારથી અભિમન્યુને વીંધીને 'ઉભો રહે ઉભો રહે' એમ કહેવા લાગ્યો.


ત્યારે અભિમન્યુએ મંદ હાસ્ય કરીને સામે દશ બાણો મૂકીને તેના ઘોડા,સારથી,ધનુષ્ય અને મસ્તકને પૃથ્વી પર પાડી દીધાં.ત્યારે સર્વ સૈન્ય ખળભળી ઉઠયું ને કર્ણ,દ્રોણ-આદિ સર્વ યોદ્ધાઓએ ભેગા મળીને અભિમન્યુ પર બાણોનો વરસાદ કર્યો ને સીધી ગતિનાં બાણોથી તેને વીંધી નાખ્યો.ત્યારે અભિમન્યુએ કવચ અને કાયાને ભેદી નાખનારું એક બાણ કર્ણ સામે ફેંક્યું કે તુરત જ તે બાણ કર્ણના કવચને ભેદી નાખી તેના શરીરમાં પેસી ગયું.આવા અત્યંત પ્રહારથી કર્ણ અત્યંત વ્યથિત થયો ને ડગી ગયો.

વળી,અભિમન્યુએ બીજાં તીક્ષ્ણ બાણો છોડીને દીર્ઘલોચન,સુષેણ,તથા કુંડભેદી નામના ત્રણ રાજાઓને મારી નાખ્યા.


પછી,કર્ણે પચીસ નારાચ બાણોથી,અશ્વત્થામાએ વીસ બાણોથી અને કૃતવર્માએ સાત બાણોથી,અભિમન્યુ પર પ્રહાર કર્યો.ત્યારે આખા શરીરે બાણોથી ભરાઈ ગયેલા તે ઇન્દ્રના પુત્રનો પુત્ર ક્રોધાવિષ્ટ થયો ને કાળની જેમ સૈન્યમાં ઘુમવા માંડ્યો.ઘૂમતાં ઘૂમતાં તે મહાબાહુએ સર્વ સામે બાણોની વૃષ્ટિ કરી,વળી તેણે શલ્યને ઢાંકી દીધો ને તમારા સૈન્યને ત્રાસ પમાડીને ગાજી ઉઠ્યો.શલ્યરાજ વિંધાયો ને મૂર્છિત થઇ રથની બેઠક પર બેસી ગયો,તે જોઈને સઘળું સૈન્ય દ્રોણાચાર્યના દેખતાં નાસવા લાગ્યું.તે વેળા રણમાં મળેલા યશના કારણથી અંતરીક્ષમાં રહેલા પિતરો,દેવો,ચારણો,સિદ્ધો અને યક્ષો તથા પૃથ્વી પર રહેલાં સર્વ ભૂતો અભિમન્યુનાં વખાણ કરવા લાગ્યા.(37)

અધ્યાય-37-સમાપ્ત