અધ્યાય-૩૬-અભિમન્યુની ચડાઈ
II संजय उवाच II सौमद्रस्तद्वच: श्रुत्वा धर्मराजस्य धीमतः I अचोदयत यंतारं द्रोणानिकाय भारत II १ II
સંજય બોલ્યો-હે ભારત,બુદ્ધિમાન ધર્મરાજનું તે વચન સાંભળીને અભિમન્યુએ પોતાના સારથિને દ્રોણાચાર્યના સૈન્ય તરફ રથ હાંકવાની આજ્ઞા કરી,ત્યારે સારથીએ તેને કહ્યું કે-'હે આયુષ્યમાન,પાંડવોએ આપણા પર મોટો ભાર મુક્યો છે,માટે એક ક્ષણ વાર બુદ્ધિ સાથે વિચાર કર્યા પછી તમે યુદ્ધ કરો તો ઠીક.દ્રોણ અતિકુશળ છે,તેમણે અસ્ત્રવિદ્યામાં ઘણો પરિશ્રમ કર્યો છે ત્યારે તમે અત્યંત સુખમાં ઉછરીને મોટા થયા છો' ત્યારે અભિમન્યુએ જરા હસીને સારથિને કહ્યું કે-
'ઓ સારથિ,આ દ્રોણ અથવા સમગ્ર ક્ષત્રિયો તે વળી કોણ માત્ર છે?અરે,ઐરાવત હાથી પર બેઠેલા,સર્વ દેવગણો સાથેના ઇન્દ્ર સામે અથવા સાક્ષાત રુદ્ર કે શંકર સામે હું રણના મોખરામાં રહીને યુદ્ધ કરું તો પછી આ ક્ષત્રિયો સામે યુદ્ધ કરવું તે મારે મન કોઈ આશ્ચર્ય નથી.શત્રુઓનું સૈન્ય મારી સોળમી કળાને પણ યોગ્ય નથી.ઓ સારથિ,મારા મામા શ્રીકૃષ્ણ કે પિતા અર્જુન પણ જો કદાચ યુદ્ધમાં મારી સામે આવે તો પણ મને ભય થશે નહિ,માટે તું સત્વરે રથને દ્રોણના સૈન્ય તરફ લઇ લે'
તે સાંભળી સારથિ સુમિત્ર,મનમાં પ્રસન્ન તો થયો નહિ પણ અભિમન્યુના કહેવાથી તે દ્રોણના સૈન્ય તરફ ધસ્યો.તેની પાછળ સર્વ પાંડવ યોદ્ધાઓ ચાલ્યા.સામે વ્યૂહનું રક્ષણ કરનારા મહારથીઓએ અભિમન્યુ પર બાણોનો મારો કર્યો.ને ત્યાં શૂરાઓનો અતિ દારુણ મહાસંગ્રામ ચાલુ થયો,ત્યારે અભિમન્યુએ સામે અત્યંત બાણોનો પ્રહાર કરીને તે દ્રોણાચાર્યની સમક્ષ જ તે વ્યુહને ભેદી નાખીને તેની અંદર પ્રવેશ કર્યો.સંખ્યાબંધ શત્રુઓનો સંહાર કરતા એ બળવાન અભિમન્યુને વ્યૂહમાં પેઠેલો જોઈને,અનેક હાથીઓ,ઘોડાઓ,રથો અને પાળાઓ આયુધો ઉગામીને,મોટા સિંહનાદો કરીને તેને ઘેરી વળ્યા.
તે અનેક યોદ્ધાઓને જોઈને ત્વરાપૂર્વક યુદ્ધ કરનાર,મહાબળવાન,સત્વર અસ્ત્રો ફેંકનાર અને મર્મવેત્તા એ અભિમન્યુએ મર્મને ભેદી નાખે તેવા બાણો સામે મુકવા માંડ્યા ને તે સર્વને હણવા માંડ્યા.તેમનાં શરીર અને શરીરના અવયવો વડે,જાણે રણભૂમિ ઢંકાઈ ગઈ.અનેકોનો સંહાર કરતો તે અભિમન્યુ રણમાં દીપી રહ્યો.જેમ,કાર્તિકસ્વામીએ પૂર્વે રાક્ષસી સેનાનો ઘોર સંહાર કરી નાખ્યો હતો,તેમ,એકલા અભિમન્યુએ તીક્ષ્ણ બાણોના પ્રહારથી તે સેનાને અત્યંત છેદી નાખી.હે રાજન,તમારા પુત્રો તો આ સંહાર જોઈ જ રહ્યા,તેમનાં મોઢાં સુખાઈ ગયાં હતાં,તેમનાં નેત્રો ચકરવકર ફરતાં હતા,તેમને શરીરે પરસેવો થઇ રહ્યો હતો અને રણમાંથી નાસી જવાનો જ ઉત્સાહ તે કરી રહ્યા હતા.જીવવાની ઈચ્છાવાળા કૌરવયોદ્ધાઓ,માર્યા ગયેલા પુત્રો,પિતાઓ,
ભાઈઓ તથા સંબંધીઓનો ત્યાગ કરીને પોતાના વાહનોને દોડાવીને ત્યાંથી સત્વર પ્રયાણ કરી ગયા (46)
અધ્યાય-36-સમાપ્ત