અધ્યાય-૩૫-અભિમન્યુની પ્રતિજ્ઞા
II संजय उवाच II तदनीकमनाधृष्यं भरद्वाजेन रक्षितम् I पार्था समभ्यवर्तन्त भीमसेनपुरोगमाः II १ II
સંજય બોલ્યો-હવે ભીમસેન આદિ પાંડવોએ દ્રોણાચાર્યના રક્ષણ તળે રહેલા તે કૌરવસૈન્ય પર ચડાઈ કરી.સાત્યકિ,ધૃષ્ટદ્યુમ્ન આદિ સર્વ પાંડવ યોદ્ધાઓ પોતપોતાની ટુકડીઓ સાથે દ્રોણ સામે યુદ્ધ કરવાની ઈચ્છાથી એકદમ દોડ્યા.સામે દ્રોણાચાર્ય જરાયે ગભરાયા વિના તેમને બાણોના મોટા જથ્થાથી આગળ વધતા અટકાવવા લાગ્યા.હે રાજન,તે સમયે દ્રોણાચાર્યના બાહુઓનું બળ અમને અદભુત લાગ્યું હતું કેમ કે પાંચાલો ને સૃન્જયો એમની સામે ઝીંક નહોતા.
ધસી આવતા તે દ્રોણાચાર્યને જોઈને યુધિષ્ઠિર તેમને અટકાવવા માટે ઘણા વિચારો કરીને છેવટે તે અસહ્ય મોટો બોજો તેમણે અભિમન્યુ પર મુકવાનો નિશ્ચય કર્યો.કારણકે બીજો કોઈ તેમને વારી શકે તેમ નહોતો અને અભિમન્યુ અર્જુનથી ઉતરે તેવો નહોતો.પછી,યુધિષ્ઠિરે અભિમન્યુને કહ્યું કે-'હે તાત,તું આ વ્યૂહ સમે તેમ કર,અમે બધા તો આ ચક્રવ્યૂહને ભેદવાનું જાણતા નથી.આ ચક્રવ્યૂહને એક તું ભેદી શકે,કે પછી અર્જુન,શ્રીકૃષ્ણ કે ચોથો પ્રદ્યુમ્ન ભેદી શકે.હાલ તારા કાકાઓ,મામાઓ અને આ સઘળાં સૈન્યો તારા પાસે જ આ ચક્રવ્યુહનું ભેદન કરાવવા માગે છે,માટે તું એ બધાની ઈચ્છા પૂર્ણ કર.જો આ વખતે તું આ કાર્ય નહિ કરે તો અર્જુન અહીં આવીને આપણા સર્વની નિંદા કરશે'
અભિમન્યુ બોલ્યો-મારા પિતાનો યુદ્ધમાં જય ઇચ્છીને હું આ ઘડીએ જ આ અતિ ઉગ્ર અને દૃઢ એવા દ્રોણના સૈન્યમાં પ્રવેશ કરું છું.મને મારા પિતાએ ચક્રવ્યૂહ તોડી નાખવાનો ઉપાય શીખવ્યો છે પણ આપત્તિનો કોઈ પ્રસંગ આવી પડતાં,હું તેમાંથી બહાર નીકળી આવવાની હામ રાખતો નથી'
યુધિષ્ઠિર બોલ્યા-હે શ્રેષ્ઠ,તું પ્રથમ આ સૈન્યની વ્યૂરચનાને તોડી નાખ અને અમને તેમાં દાખલ થવાનો દ્વાર કરી આપ.
તું જે માર્ગે ચાલીશ તે માર્ગે અમે બધા તારી પાછળ ચારે બાજુથી તારું રક્ષણ કરતા રહીને તને અનુસરશું'
ભીમસેન બોલ્યો-'હું,ધૃષ્ટદ્યુમ્ન,સાત્યકિ,પંચાલો,કેકયો,મત્સ્યો તથા પ્રભદ્રક યોદ્ધાઓ તારી પાછળ જ આવીશું.
એક વખત તું જેવો વ્યૂહ તોડીશ કે તુરત જ તે તે સ્થળે ઉભેલા સર્વ યોદ્ધાઓને અમે સંહારી નાખશું'
અભિમન્યુ બોલ્યો-'જેમ પતંગિયું ભડભડતી આગમાં ઝંપલાવે છે તેમ,હું દ્રોણના આ સૈન્યમાં ઝંપલાવી,એવું કર્મ કરી દેખાડીશ કે મારા બંને વંશને પ્રીતિ કરનાર થઇ પડશે.આજના સંગ્રામમાં હું એક બાળક આ શત્રુઓના ટોળાબંધ સૈન્યને હાંકી કાઢીશ.આજના યુદ્ધમાં કોઈ પણ શત્રુ જો મારે હાથે જીવતો જાય તો હું અર્જુનથી સુભદ્રાના પેટે પાકેલો પુત્ર નહિ.જો એક રથની જ સહાય લઈને આ ક્ષત્રિયોના મંડળને આઠ વિભાગમાં ન કરું તો હું અર્જુનનો પુત્ર જ નહિ'
યુધિષ્ઠિર બોલ્યા-હે સુભદ્રાનંદન,મહાબળવાન ધનુર્ધરોના રક્ષણ તળે રહેલા દ્રોણના સૈન્યને તું ભેદી નાખવાનો
ઉત્સાહ કરે છે અને આ પ્રમાણે પ્રતિજ્ઞાવચન બોલે છે,માટે હું તને આશીર્વાદ આપું છું કે તારું બળ વૃદ્ધિ પામો'
આમ,યુધિષ્ઠિરના આ આશીર્વાદ વચન સાંભળીને અભિમન્યુએ પોતાના સારથિને આજ્ઞા કરી કે-'હે સુમિત્ર,આપણા રથને દ્રોણના સૈન્ય તરફ જલદીથી હાંક' (31)
અધ્યાય-35-સમાપ્ત