Mar 25, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1085

 

અધ્યાય-૮૮-અર્જુન રણમાં દેખાયો 


 II संजय उवाच II ततो व्यूढेष्वनिकेषु समुत्फ़्रुष्टेषु मारिष I ताड्यमानासु भेरीषु मृदङ्गेषु नदत्सु च II १ II

સંજય બોલ્યો-તે પછી,હે રાજા,જયારે સૈન્યો બરોબર ગોઠવાઈ ગયા ત્યારે ત્યાં ચોતરફ બુમાબુમ થઇ રહી હતી,મૃદંગો ગાજી રહ્યા હતાં,શંખો ફૂંકાઈ રહ્યા હતા ને સાંભળતાં રુંવાં ખડાં થઇ જાય તેવો કોલાહલ સર્વ સ્થળે મચી રહ્યો હતો.ત્યાં રૌદ્ર મુહૂર્ત થયું ને અર્જુન રણમાં દેખાયો.તે જેવો રણમાં આવ્યો ત્યારે ત્યાં ભયંકર ઉત્પાતો દેખાવા લાગ્યા હતા.તે સમયે,વ્યૂહરચના કરવામાં કુશળ એવા ધૃષ્ટદ્યુમ્ને અને નકુલપુત્ર શતાનીકે સૈન્યોની વ્યૂહ રચના કરી હતી.

તે પછી,તમારો પુત્ર દુર્મર્ષણ,ત્રણ હજાર ઘોડાઓ ને દશ હજાર પાળાઓ સાથે આગળ આવીને બોલ્યો કે-'હું આજે તે અર્જુનને આગળ વધતો અટકાવી રાખીશ.હે રથીઓ,તમે મહાસંગ્રામની આકાંક્ષા રાખી ત્યાં ઉભા રહો.હું એકલો જ આજે મારી કીર્તિ તથા માનમાં વધારો કરી આ એકત્ર થયેલા પંડવો સામે યુદ્ધ કરીશ' એમ કહીને તેણે હાથમાં મોટું ધનુષ્ય લીધું.

તેવામાં ક્રોધાયમાન થયેલો,કાળ સરખો,પોતાની મહાન પ્રતિજ્ઞાને પાળવા ઈચ્છતો,ગાંડીવધારી અર્જુન દેખાયો.


પોતાના રથને સૈન્યના અગ્રભાગમાં ઉભો રાખીને અર્જુને ધનંજય નામનો પોતાનો શંખ ને શ્રીકૃષ્ણે પાંચજન્ય નામનો શંખ જોરથી વગાડ્યો.તે બંનેના શંખનાદથી તમારા સૈન્યના કેટલાએકના રુંવાં ખડા થઇ ગયા તો કેટલાએક મૂર્છાને વશ થયા ને તમારા સૈનિકો ત્રાસ પામ્યા.એટલામાં વળી,અર્જુનની ધજામાં રહેલા વાનરે,ધજાનો આશ્રય કરનારાં બીજાં પ્રાણીઓ સાથે મોં ફાડીને મોટી હુંકાર ગર્જના કરી મૂકી તમારા સૈનિકોને ભયભીત કરી નાખ્યા.ત્યારે સિંહનાદો,રથોનો ગડગડાટ,હાથીઓની ચિચિયારીઓ ને ઘોડાઓના દોડવાનો તુમુલ નાદ થઇ રહ્યો,તે વખતે અર્જુન શ્રીકૃષ્ણને આમ કહેવા લાગ્યો.(29)

અધ્યાય-88-સમાપ્ત 


અધ્યાય-૮૯-અર્જુનનું યુદ્ધ 


 II अर्जुन उवाच II चोदयाश्वान हृषीकेश यत्र दुर्मर्षणः स्थितः I एतद्भित्वा गजनिकं प्रवेक्ष्याभ्यरिवहिनिम् II १ II

અર્જુન બોલ્યો-'હે હૃષીકેશ,જ્યાં દુર્મર્ષણ ઉભો છે ત્યાં આપણા ઘોડાઓને હાંકો,એ હાથીઓના સૈન્યને તોડી નાખી હું શત્રુસેનામાં દાખલ થઈશ.' એટલે કેશવે ઘોડાઓને હાંક્યા ને અર્જુને બાણોનો વરસાદ વરસાવવા માંડ્યો ને શત્રુઓનો સંહાર થઇ રહ્યો.શત્રુપક્ષના રથીઓ પણ અનેક બાણો છોડીને શ્રીકૃષ્ણ ને અર્જુનને છાઈ દેવા મંડ્યા ને અર્જુનને આગળ વધતો અટકાવી રહ્યા,ત્યારે અર્જુન કોપ્યો અને  બાણો મૂકીને રથીઓનાં મસ્તકો ધડ પરથી પાડવા મંડ્યો.જોતજોતામાં તો તે મસ્તકોથી રણભૂમિ ઢંકાઈ જવા માંડી હતી.


આખી રણભૂમિ ઘોડાઓના મસ્તકોથી,હાથીની સૂંઢોથી,યોદ્ધાઓના બાહુઓ તથા મસ્તકોથી છવાઈ ગઈ હતી.હે રાજન,તમારા યોદ્ધાઓને મન તો તે સઘળું જગત અર્જુનમય થઇ રહ્યું હતું તેથી તેઓ બક્તા હતા કે 'આ અર્જુન ક્યાંથી આવ્યો?અરે આ રહ્યો  બીજો અર્જુન અને આ રહ્યો વળી ત્રીજો અર્જુન' એમ બેભાન થઈને તેઓ પોતાના યોદ્ધાઓને પણ અર્જુનરૂપ દેખાતા હતા ને અન્યોન્યનો સંહાર કરવા મંડ્યા હતા.જે જે યોદ્ધો અર્જુન સામે યુદ્ધ કરવા જતો તેના શરીરમાં કાળસરખું બાણ પેસી જ જતું હતું.રથોના માર્ગમાં ઘૂમી રહેલો અર્જુન ધનુષ્ય ક્યારે ખેંચે છે,તેમાં બાણસંધાન ક્યારે કરે છે ને તે બાણ ક્યારે છોડે છે તેનું  જરાય અંતર કોઈના જોવામાં આવતું નહતું.તે જોઈને શત્રુ યોદ્ધાઓ વિસ્મય પામી જતા હતા.


મધ્યાહ્નન કાલે સૂર્યને જેમ પ્રાણીઓ સદા જોઈ શકતાં નથી તેમ,એ અર્જુનને યુદ્ધમાં શત્રુઓ જોઈ શકતા નહોતા.આમ,અર્જુનના બાણપ્રહારથી તમારું સૈન્ય અત્યંત પીડાયું ત્યારે તેમાં ભંગાણ પાડવા માંડ્યું અને ગભરાઈ જઈને નાસભાગ કરવા માંડ્યું.જેમ,મહાન વાયુ મેઘમંડળને વિખેરી નાખે છે તેમ અર્જુને તે સૈન્યને હાંકી કાઢ્યું.અર્જુનના બાણોથી પીડાયેલા તમારા યોદ્ધાઓ રણમાંથી વિદાય થવા માંડ્યા હતા.કેટલાક યોદ્ધાઓ તો અર્જુનના બાણોથી એટલા બધા ગાંડા થઇ ગયા હતા કે તે ઉલટા અર્જુન સામે જ ધસી જતા હતા.આમ તે સૈનિકો ઉત્સાહ વિનાના ને ભ્રમિત મનવાળા થઇ ગયા હતા (33)

અધ્યાય-89-સમાપ્ત