અધ્યાય-૯૦-દુ:શાસનના સૈન્યનો પરાભવ
II धृतराष्ट्र उवाच II तस्मिन्प्रमभे सैन्याग्रे वध्यमाने किरीटिना I के तु तत्र रणे वीराः प्रत्युदियुर्धनंजयं II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યો-'જયારે અર્જુને બાણોનો મારો ચલાવી સૈન્યના મોખરામાં ભંગાણ પાડ્યું ત્યારે કયા ક્યા યોદ્ધાઓ
અર્જુન સામે ધસી ગયા હતા? કે પછી કયા યોદ્ધાઓ દ્રોણના આશ્રયમાં રહેલા શકટવ્યૂહમાં પેસી ગયા હતા?'
સંજય બોલ્યો-હે રાજન,જયારે અર્જુને સૈન્યમાં ભંગાણ પડ્યું ત્યારે સર્વનો ઉત્સાહ ભાંગી પડ્યો હતો ને સર્વે પલાયન થવાનો જ અવસર ખોળતા હતા.ત્યારે તમારો પુત્ર દુઃશાસન અત્યંત ક્રોધાયમાન થઈને પોતાના સૈન્ય સાથે અર્જુન સામે યુદ્ધ કરવા ચઢી આવ્યો.હાથીઓના મોટા સૈન્યને લઈને તે અર્જુનને ઘેરી વળ્યો.ત્યારે અર્જુને નિર્ભય થઈને મહાન સિંહનાદ કર્યો અને બાણો વડે તે હાથી સૈન્યનો નાશ કરવા માંડ્યો.
એ યુદ્ધમાં અર્જુનના ગાંડીવધનુષ્યમાંથી છુટેલાં અનેક લાખ તીક્ષ્ણ બાણો હાથીઓના અંગોમાં પેસી ગયાં હતાં ને હાથીઓ ચીસો પાડીને ધડાધડ પૃથ્વી પર પછડાવા લાગ્યા હતા.હાથીસવારોના મસ્તકો પણ અર્જુનના બાણથી ધડથી જુદા થતાં હતા.એ સમયે અર્જુને ભલ્લ જાતનાં અનેક બાણો મૂકીને રથી યોદ્ધાઓના ધનુષ્યોને ને રથોનો વિનાશ કરવા માંડ્યો.અર્જુન જાણે નૃત્ય કરતો હોય તેમ ક્યારે બાણ છોડે છે તે કંઈજ દેખાતું નહોતું.મરેલા હાથીઓ,ઘોડાઓ,રથો,ઢાલો ને ધનુષ્યોને ધારણ કરનારા લડવૈયાઓ ને ઠેકઠેકાણે મરેલા પડેલા ક્ષત્રિયોથી તે રણભૂમિ ક્રૂર દેખાવવાળી જણાતી હતી.
હે મહારાજ,એ પ્રમાણે જયારે અર્જુને દુશાસનના સૈન્યનો લગભગ નાશ કર્યો ત્યારે બાકી રહેલું સૈન્ય પોતાના સેનાપતિ સહીત ગભરાઈને નાઠું.ને ત્યારે દુઃશાસન પણ અર્જુનના બાણોથી અત્યંત પીડાઈને સૈન્ય સહિત ભયભીત થઇ ગયો અને દ્રોણાચાર્ય પોતાનું રક્ષણ કરશે એવી ઈચ્છાથી તે શકટવ્યૂહ તરફ ચાલી ગયો. (34)
અધ્યાય-90-સમાપ્ત