Mar 27, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1087

 

અધ્યાય-૯૧-દ્રોણાચાર્યની સામે અર્જુન 


 II संजय उवाच II दुःशासनबलं हत्वा सव्यसाची महारथः I सिन्धुराजं परिप्सन्वै द्रोणानिकमुपाद्रवत II १ II

સંજય બોલ્યો-આમ દુઃશાસનના સૈન્યનો સંહાર કરીને મહારથી અર્જુન સિંધુરાજની પાસે પહોંચવાની ઈચ્છાથી દ્રોણના સૈન્ય સામે ધસ્યો ને મોખરામાં ઉભેલા દ્રોણાચાર્ય સામે પહોંચીને,શ્રીકૃષ્ણની સંમતિથી બે હાથ જોડીને તેમને કહેવા લાગ્યો કે-

'હે બ્રહ્મન,મારુ કલ્યાણ થાય એમ આપ ચિંતવો અને મને 'સ્વસ્તિ' કહી આશીર્વાદ આપો.આપણી કૃપાથી હું આ દુર્ભેદ્ય સેનામાં પ્રવેશ કરવા ઈચ્છું છું.આપ મારા પિતા સમાન છો ને આ શ્રીકૃષ્ણ ને ધર્મરાજ સમાન પૂજ્ય છો,એ હું સત્ય કહું છું.આપે જેમ અશ્વત્થામાનું રક્ષણ કરવું જોઈએ તેમ મારું પણ સદા રક્ષણ કરવું જોઈએ.આજના રણમાં હું સિંધુરાજનો વધ કરવા ઈચ્છું છું આપ મારી આ પ્રતિજ્ઞાનું રક્ષણ કરો.'

દ્રોણાચાર્ય બોલ્યા-'હે અર્જુન મને જીત્યા વિના તું જયદ્રથને જીતી શકીશ નહિ.'એમ કહીને તેમણે અર્જુનને રથ,ઘોડા,ધ્વજ અને સારથિ સાથે તીક્ષ્ણ બાણો વડે છાઈ દીધો.ત્યારે અર્જુને તેમનાં બાણોનું વારણ કરીને,અનેક બાણો મૂકીને સામે ધસારો કર્યો.તેણે દ્રોણાચાર્યનું માન જાળવીને તથા ક્ષાત્રધર્મને અનુસરીને નવ બાણો વડે આચાર્યને ચરણમાં વીંધી નાખ્યા.એટલે  આચાર્યે તેને સામો વીંધ્યો.અર્જુન તેમના ધનુષ્યને કાપી નાખવાની ઈચ્છા કરતો હતો ત્યારે દ્રોણાચાર્યે સામે તેના ધનુષ્યની દોરી કાપી નાખી.ને હસતાં હસતાં તેને બાણો વડે છાઈ દીધો.


એજ ક્ષણે અર્જુને તત્કાળ ધનુષ્યની દોરી ચડાવી દીધી ને એકદમ છસો બાણો,ને પછી એક હજાર સાતસો બાણો,દ્રોણાચાર્યના સૈન્ય સામે ફેંક્યાં,વળી તેણે બીજાં દશ દશ હજારની સંખ્યાવાળાં બાણો પણ છોડ્યાં એટલે દ્રોણાચાર્યની મોટી સેનાનો સંહાર થઇ ગયો.તે બાણોથી ઘણા યોદ્ધાઓ,હાથીઓ,ઘોડાઓ-આદિ સર્વનો અત્યંત વિનાશ થયો.ત્યારે સામે દ્રોણાચાર્યે,બાણોની વૃષ્ટિ કરીને તેના વેગથી પાંડવોને ઢાંકી દીધા ને એક નારાચ બાણથી અર્જુનની છાતીમાં પ્રહાર કર્યો.એક ક્ષણ અર્જુન કંપી ઉઠ્યો પણ તરત જ તેણે ધૈર્ય ધારણ કરીને દ્રોણાચાર્યને વીંધ્યા.


હવે દ્રોણાચાર્યે,બાણોથી અર્જુન,વાસુદેવને વીંધીને,એક પલકવારમાં અનેક બાણોથી અર્જુનને અદશ્ય કરી દીધો.ત્યારે શ્રીકૃષ્ણ જયદ્રથના વધનો વિચાર કરવા લાગ્યા અને અર્જુને કહેવા લાગ્યા કે-'હે પાર્થ,આપણે સમય ગુમાવ્યા વિના દ્રોણાચાર્યને છોડીને આગળ ચાલીએ કેમકે આજે આપણે કરવા ધારેલું કાર્ય ઘણું મોટું છે' એટલે અર્જુને કહ્યું કે-'જેવી તમારી ઈચ્છા' એમ કહીને તે દ્રોણ સામે બાણો છોડતાં છોડતાં રથને આગળ જવાનો માર્ગ કરી આપ્યો.તે જોઈ દ્રોણે કહ્યું-'હે અર્જુન,તું ક્યાં ચાલ્યો?તું તો રણમાં શત્રુઓને જીત્યા વિના કદી અટકતો જ નથી' અર્જુને કહ્યું-'આપ મારા ગુરુ છો શત્રુ નથી.વળી,આ લોકમાં એવો કોઈ પુરુષ નથી કે જે આપનો પરાજય કરી શકે.હું આપનો શિષ્ય છું ને પુત્ર સમાન છું'


આમ,જયદ્રથનો વધ કરવામાં ઉત્સુક,શત્રુસૈન્ય તરફ ધસ્યો ત્યારે તેના રથચક્રની રક્ષા કરનારા ઉત્તમૌજા અને યુધામન્યુ તેની પાછળ જવા લાગ્યા.જય,કૃતવર્મા,કામ્બોજરાજ તથા શ્રુતાયુષે અર્જુનને અટકાવ્યો.વળી,તેમના અનુયાયી શૂરસેન,શિબિ,કેકયો, કામ્બજો-આદિ દશ હજાર રથી યોદ્ધાઓ સાથે અર્જુનનું તુમુલ યુદ્ધ શરુ થયું.જેમ ઔષધક્રિયાઓ ઉત્પન્ન થયેલા રોગને નિવારે છે,તેમ,એકત્ર થયેલા સર્વ યોદ્ધાઓ,જયદ્રથનો વધ કરવાની ઈચ્છાથી ધસી આવેલા અર્જુનને નિવારવા લાગ્યા.(44)

અધ્યાય-91-સમાપ્ત