અધ્યાય-૯૨-શ્રુતાયુધ અને સુદક્ષિણનું સ્વર્ગગમન
II संजय उवाच II सनिरुद्वस्तु तैः पार्थो महाबलपराक्रमः I द्रुतं समनुयातश्व द्रोणेन रथिनां वरः II १ II
સંજય બોલ્યો-હે ધૃતરાષ્ટ્રરાજ,મહાબળવાન ને મહાપરાક્રમી રથીશ્રેષ્ઠ અર્જુનને આમ સર્વ યોદ્ધાઓએ અટકાવી રાખ્યો હતો ત્યાં દ્રોણાચાર્ય તત્કાલ ધસી આવ્યા હતા.ત્યારે કિરણોને ફેંકી રહેલા સૂર્યની જેમ,તીક્ષ્ણ બાણો ફેંકતા અર્જુને સૈન્યને તપાવવા માંડ્યું હતું.એ યુદ્ધમાં અર્જુન હજારો રથો,હાથીઓ ને યોદ્ધાઓનો સંહાર કરતો હતો,તેના બાણોથી પીડાઈને સૈન્ય નાસભાગ કરવા લાગ્યું હતું.પોતાને અટકાવી રહેલ શત્રુ સૈન્યને કંપાવી દઈને અર્જુન ફરીથી દ્રોણ સામે ધસ્યો.સામે દ્રોણે અર્જુન પર પચીસ બાણો મૂકીને પોતાના શિષ્ય પર પ્રહાર કર્યો ત્યારે તે બાણોનો નાશ કરતો કરતો અર્જુન તેમની સામે ધસ્યો.
હવે,આચાર્યે સામે ભલ્લ જાતિનાં બાણો છોડીને બ્રહ્માસ્ત્ર પ્રગટ કર્યું ને અર્જુનને વીંધી નાખ્યો.અર્જુને આચાર્યની બાણવૃષ્ટિને બ્રહ્માસ્ત્રથી જ સ્વીકારી લીધી હતી અને બાણો છોડીને તેમનાં બાણોનો નાશ કર્યો.દ્રોણાચાર્યે પચીસ બાણોથી અર્જુનને ને સિત્તેર બાણોથી શ્રીકૃષ્ણની બાહુઓમાં માર માર્યો ત્યારે અર્જુન તે આચાર્યને હસતાં હસતાં સામે બાણો છોડીને તેમનો અટકાવ જ કર્યા કરતો હતો.છેવટે તેઓ પોતાના લક્ષ્યને પામવા,ને કૃષ્ણના કહેવાથી અર્જુન આચાર્યને છોડીને ત્યાંથી આગળ વધ્યો ને કૃતવર્માના સૈન્યનો નાશ કરવા લાગ્યો.વચમાં ઉભા રહેલા કૃતવર્મા ને સુદક્ષિણે બાણોથી અર્જુનને વીંધ્યો.
અરે તરત જ અર્જુને તોંતેર બાણો મૂકીને કૃતવર્માને વીંધીને તેના ધનુષ્યને કાપી નાખ્યું.કૃતવર્માએ નવું ધનુષ્ય લઈને અર્જુન સામે પ્રહાર કર્યો.ત્યારે અર્જુનને કૃતવર્માનાં રથ સામે જ મચેલો જોઈને શ્રીકૃષ્ણે વિચાર કર્યો કે-આમ સમય વેડફવો ઠીક નથી,એટલે તેમણે અર્જુનને કહ્યું કે-'હે અર્જુન,તું કૃતવર્મા પર દયા ન રાખ.તેની સાથેના સંબંધનો ત્યાગ કરી દે ને તેને ઘાયલ કર' યોદ્ધાઓની સેનાએ સામે શ્રીકૃષ્ણના કહેવાથી અર્જુને અનેક બાણો છોડીને કૃતવર્માને મૂર્છિત કરી દીધો અને કામ્બોજ યોદ્ધાઓની સામે ચાલ્યો.અર્જુને જયારે તે સેનામાં પ્રવેશ કર્યો ત્યારે હાર્દિકય કોપ્યો અને અર્જુનના ચક્રરક્ષક બે પાંચાલકુમારો સામે આવી ગયો.
ત્યારે ભોજ નામધારી કૃતવર્મા પણ ત્યાં આવી પહોંચ્યો ને તીક્ષ્ણ બાણો મૂકીને તેણે યુધામન્યુ ને ઉત્તમૌજાને વીંધી નાખ્યો.એટલે તે બંનેએ સામે કૃતવર્માના ધનુષ્યને કાપી નાખ્યું.કૃતવર્માએ બીજું ધનુષ્ય લઈને તે બંનેને બાણોથી છાઈ દીધા.કૃતવર્મા અને પાંચાલકુમારોના યુદ્ધના સમયનો લાભ લઈને અર્જુન શત્રુસેનામાં દાખલ થઇ ગયો.પણ તેના તે બે ચક્રરક્ષકોને સેનામાં દાખલ થવાનું દ્વાર મળ્યું નહિ.તેમને તો કૃતવર્મા અટકાવી જ રહ્યો હતો.અર્જુનને ધસી આવતો જોઈને શુરો રાજા શ્રુતાયુધ તેની સામે ધસી ગયો,ને અર્જુન સામે પરસ્પર મહાસંગ્રામ ચાલુ થયો.
શ્રુતાયુધે અર્જુનને અનેક બાણો મૂકીને ક્રોધિત કર્યો ત્યારે અર્જુને અનેક હજાર બાણો મૂકીને તેના ઘોડાઓનો,સારથિનો ને તેના ધનુષ્યનો નાશ કર્યો.ત્યારે શ્રુતાયુધે પોતાના હાથમાં ગદા લઈને રથમાંથી ઉતરી અર્જુન તરફ ધસ્યો.રાજા શ્રુતાયુધ વરુણદેવનો પુત્ર હતો.મહાનદી પર્ણાશા એની જનેતા (ઉત્પત્તિક્ષેત્ર) હતી.તેણે વરુણદેવ પાસે વર માગ્યો હતો કે-'આ મારો પુત્ર શત્રુઓથી અવધ્ય થાય તેમ કરો' ત્યારે વરુણદેવે તેને દિવ્યઅસ્ત્ર ગદા આપતાં પર્ણાશાને કહ્યું હતું કે-'આ અસ્ત્રથી તારો પુત્ર અવધ્ય થશે.પણ હે પર્ણાશા,મનુષ્ય માટે કદી અમરપણું છે જ નહિ.દરેક પ્રાણીએ અવશ્ય મરવાનું જ છે' વળી તેમણે શ્રુતાયુધને કહ્યું કે-'જે પુરુષ તારી સામે યુદ્ધ ન કરતો હોય તેના પર તું આ ગદા છોડીશ તો ઉલટી આ ગદા તારા પર જ આવી પડશે ને તારો પોતાનો જ નાશ કરશે' કાળ નજીક આવવાથી તે શ્રુતાયુધ વરુણના વાક્ય પ્રમાણે વર્ત્યો નહિ અને પોતાની સામે યુદ્ધ નહિ કરનારા શ્રીકૃષ્ણ પર તેણે ગદાનો પ્રહાર કર્યો.શ્રીકૃષ્ણે તે ગદાને પોતાના ખભા પર ઝીલી,પણ તે ગદા તુરત જ પાછી વળી અને સામે ઉભેલા શ્રુતાયુધનો જ,તેણે નાશ કરી નાખ્યો.આમ,શ્રુતાયુધનો નાશ થયો ત્યારે કૌરવ સૈન્યમાં મોટો હાહાકાર વર્તી રહ્યો.ને સર્વ સૈન્યો ને સેનાપતિઓ ચારે બાજુ નાસવા લાગ્યા.
તે પછી,કામ્બોજરાજનો પુત્ર સુદક્ષિણ અર્જુન સામે ચડી આવ્યો.અર્જુને તેને સાત બાણો મારી વીંધી નાખ્યો.સામે સુદક્ષિણે દશ બાણોથી અર્જુનને વીંધ્યો.અર્જુને તેના ધનુષ્ય ને ધ્વજને ઉડાવી દીધા એટલે તે સુદક્ષિણે ક્રોધે ભરાઈને સર્વપારસવી નામની શક્તિ અર્જુન પર ફેંકી,કે જેથી અર્જુનને મૂર્છા આવી ગઈ પણ થોડા જ સમયમાં સાવધ થઈને અર્જુને ચૌદ નારાચબાણો છોડીને સુદક્ષિણના ઘોડા,ધ્વજ,ધનુષ્ય ને સારથિને વીંધી નાખીને એક વિશાળ ધારવાળા બાણથી સુદક્ષિણે હૃદયમાં વીંધી નાખ્યો કે જેથી તેનું કવચ તૂટી ગયું ને તેનાં અંગો છિન્નભિન્ન થઇ ગયાં ને તે મરણવશ થઇ રણ પર પડી ગયો.આમ,સુદક્ષિણ અને શ્રુતાયુધને હણાયેલા જોઈને તમારા પુત્રનાં સર્વ સૈન્યો નાસભાગ કરવા લાગ્યાં (76)
અધ્યાય-92-સમાપ્ત