અધ્યાય-૯૩-અંબષ્ઠ પડ્યો
II संजय उवाच II हते सुदक्षिणे राजन्वीरे चैव श्रुतायुधे I जवेनाम्पद्रवन्पार्थ कुपिताः सैनिकास्तव II १ II
સંજય બોલ્યો-હે રાજન,એ પ્રમાણે વીર સુદક્ષિણ તથા શ્રુતાયુધ રણમાં માર્યા ગયા ત્યારે,અભિષાહો,શૂરસેનો,શિબીઓ તથા વસાતીઓ અર્જુન પર બાણો વરસાવતા આગળ ધસ્યા.ત્યારે અર્જુને સામે અનેક બાણો મૂકીને લગભગ છ હજાર જેટલા યોદ્ધાઓનો નાશ કરી નાખ્યો.ત્યાં ઢળી પડેલાં અમેક મસ્તકોથી રણભૂમિ અવકાશ (જગ્યા)વિનાની થઇ ગઈ.તે યોદ્ધાઓનો આમ સંહાર થઇ રહ્યો હતો ત્યારે શ્રુતાયુ અને અચ્યુતાયુ નામના બે વીરનરો અર્જુન સામે બાણોનો વરસાદ કરતા આવી પહોંચ્યા અને તેમણે એક હજાર બાણોથી અર્જુનને સર્વાંગે ઢાંકી દીધો.
વળી,શ્રુતાયુએ એક પાણીદાર ને તીક્ષ્ણ તોમરનો અર્જુન પર પ્રહાર કર્યો.એ તોમરથી અર્જુન અત્યંત વીંધાઈ ગયો ને કેશવને ગભરાટમાં નાખતો મૂર્છાવશ થયો.એ જ સમયે અચ્યુતાયુએ અર્જુનને અતિતીક્ષ્ણ ત્રિશૂળનો પ્રહાર કર્યો.કે જે પ્રહાર અર્જુનને ઘા પર લૂણ પડ્યા જેવો કષ્ટદાયી થઇ પડ્યો,ને અર્જુન ધજાના દાંડાને વળગી પડ્યો.એ સમયે અર્જુનને મરણ પામેલો માનીને તમારા સૈન્યમાં મહાન સિંહનાદો થઇ રહ્યા.અર્જુનને બેભાન થયેલો જોઈને શ્રીકૃષ્ણ સંતાપ પામીને અર્જુનને ધીરજ આપવા લાગ્યા.ત્યારે શત્રુપક્ષના તે બે મહારથીઓએ બાણોનો વરસાદ વરસાવી વાસુદેવ અને અર્જુનને ઢાંકી અદશ્ય કર્યા.
અર્જુનને ધીમે ધીમે શાંતિ વળી,એ વખતે તો તેને એમ જ લાગ્યું કે તે યમરાજના નગરમાં જઈને પાછો આવ્યો છે.હવે તેણે જોયું કે પોતાનો રથ,કેશવ સહીત બાણોના જથ્થાથી ઢંકાઈ ગયો છે ને પોતાના બે શત્રુ સામે ઉભા હતા.ત્યારે તેણે તુરત જ ઈન્દ્રનું અસ્ત્ર પ્રગટ કર્યું,તેમાંથી હજારો બાણો પ્રગટ થયાં જેણે શત્રુએ છોડેલાં બાણોનો નાશ કરી નાખ્યો.જોતજોતામાં તો અર્જુનના બાણોના સમુદાયોએ તે બંને નરવીરોને બાહુ અને મસ્તક વિનાના કરી નાખ્યા ને તે બંને ધરણી પર ઢળી પડ્યા.શ્રુતાયુ ને અચ્યુતાયુનું મરણ લોકોને આશ્ચર્યજનક થઇ પડ્યું.પછી અર્જુન તેના બીજા યોદ્ધાઓને પણ મારીને આગળ ચાલ્યો.
પોતાના પિતાને મરણ પામેલા સાંભળીને તેમના બંને પુત્રો નિયતાયુ અને દીર્ઘાયુ અત્યંત ક્રોધાયમાન થઈને અર્જુન સામે અનેક જાતનાં બાણો છોડતા ચડી આવ્યા.કે જેમને અર્જુને એક મુહૂર્તકાળમાં યમરાજને ઘેર વળાવી દીધા.ત્યારે અંગદેશના હજારો યોદ્ધાઓ મોટું હાથીસૈન્ય લઈને અર્જુનને ઘેરી વળ્યા.વળી,ત્યારે દુર્યોધનની આજ્ઞાથી પૂર્વદેશના તથા દક્ષિણદેશના કલિંગ વગેરે રાજાઓ પણ હાથી સૈન્યને લઈને અર્જુન પર ચડી આવ્યા.તેમને પોતાની સામે ધસી આવતા જોઈને અર્જુને ગાંડીવમાંથી અનેક બાણો છોડીને તેમનાં મસ્તકો ને બાહુઓને કાપવા માંડ્યાં,ને તે મસ્તકો ને બાહુઓથી રણભૂમિ છવાઈ ગઈ.
અર્જુનના બાણોથી માર્યા ગયેલા હજારો હાથીઓ લોહી ઓકતા પડ્યા હતા.ત્યારે તીક્ષ્ણ ઝેર સરખા,આસુરી માયાને જાણનારા અને ઘોર દૃષ્ટિવાળા યવનો,પારદો,બાહલીકો,અને દ્રવિડો અર્જુન સામે યુદ્ધ કરવા આવ્યા.તેઓ બધા રંગે કાળા,દુરાચારી,
સ્ત્રીલુબ્ધ ને કલહપ્રિય હતા.તે ઉપરાંત વિશ્વામિત્રના યુદ્ધ પ્રસંગે વશિષ્ઠઋષિની નંદિની નામની ગાયમાંથી ઉત્પન્ન થયેલા અને કાળ સમાન પ્રહાર કરનારા મ્લેચ્છો,દાર્વાતિસારો,દરદો અને હજારો પુન્ડ્રો અર્જુન સામે યુદ્ધ કરતા હતા.તેઓનાં એટલાં બધાં લાખોનાં ટોળાં હતાં કે જેમની ગણના કરવી અશક્ય હતી.અર્જુને પણ સામે એટલી બધી બાણવૃષ્ટિ કરી મૂકી હતી કે જે આકાશમાં ઉડી આવતાં તીડોનાં સમૂહ સરખી લાગતી હતી.અર્જુનના બાણોથી તે મસ્તકે મૂંડેલા,અર્ધા બોડા,જટાધારી,અપવિત્ર તથા લાંબી દાઢીઓવાળા સેંકડો મ્લેચ્છોનો સંહાર થઇ ગયો.તેણે ભીલોનાં સેંકડો ટોળાંને વીંધી નાખ્યા ત્યારે તે ત્યાંથી નાસવા લાગ્યા.અર્જુને જોતજોતામાં તો એ રણભૂમિ પર લોહીની ઘોર ને ઉગ્ર નદી વહાવી દીધી હતી.
અર્જુને એ રણભૂમિમાં સાત હજાર ઘોડેસ્વાર એવા વીર ક્ષત્રિયોને મૃત્યુલોક તરફ વિદાય કર્યા હતા.વળી અનેક હજાર હાથીઓ તેના બાણોથી વીંધાઇને રણભૂમિ પર શયન કરતા હતા.રથોની બેઠકોને ખાલી કરતો અને મનુષ્યોથી પૃથ્વીને છાઈ દેતો તે અર્જુન હાથમાં ધનુષ્ય લઈને જાણે નૃત્ય કરતો હોય તેવો જણાતો હતો.વજ્ર સરખાં બાણો છોડીને રણભૂમિને મુખ્યત્વે લોહીથી વ્યાપ્ત કરી દેતો એ અર્જુન ક્રોધવશ થઈને કૌરવોની સેનામાં દાખલ થયો,ત્યારે અંબષ્ઠે તેને અટકાવ્યો.અર્જુને તુરત જ બાણો મૂકીને તેના ઘોડાઓને મારી નાખ્યા,એટલે તે અંબષ્ઠ હાથમાં ગદા લઈને ધસ્યો ને અર્જુનના રથને અટકાવી ને કેશવ પર ગદાનો પ્રહાર કર્યો.તે જોઈ અર્જુન અત્યંત ક્રોધાયમાન થયો અને તેની ગદાના ટુકડે ટુકડા કરી નાખ્યા.અંબષ્ઠે બીજી ગદા ઉઠાવી અને તે અર્જુન અને વાસુદેવ પર પ્રહાર કરવા લાગ્યો.હવે અર્જુને અસ્ત્રાની ધાર જેવા બે ક્ષુરપ્ર બાણો છોડીને તેના બંને બાહુઓ કાપી નાખ્યા ને બીજા એક બાણથી તેના મસ્તકને ઉડાવી દીધું.આમ તે અંબષ્ઠ રણમાં મરણને શરણ થયો.(70)
અધ્યાય-93-સમાપ્ત