અધ્યાય-૯૪-દુર્યોધનને કવચબંધન
II संजय उवाच II ततः प्रविष्टे कौन्तेये सिन्धुराजजिघांसया I द्रोणानीकं विनिर्भिद्य भोजानिकं च दुस्तरम् II १ II
સંજય બોલ્યો-પછી,કુંતાપુત્ર અર્જુન સિંધુરાજનો વધ કરવાની ઈચ્છાથી દ્રોણાચાર્યના દુસ્તર સૈન્યને અને કૃતવર્માની સેનાને તોડીને શત્રુસૈન્યમાં દાખલ થયો.તેણે સુદક્ષિણ અને શ્રુતાયુધને રણમાં રોળી નાખ્યા ત્યારે છિન્નભિન્ન થયેલાં સૈન્યો ચારે બાજુ નાસભાગ કરવા લાગ્યાં.તે વખતે તમારો પુત્ર દુર્યોધન પોતાના સૈન્યમાં ભંગાણ પડેલું જોઈને પોતે એકલો દ્રોણાચાર્ય પાસે ગયો અને તેમને કહેવા લાગ્યો કે-'હે આચાર્ય,આ અર્જુન મહાસેનાનો નાશ કરીને અંદર આવી પહોંચ્યો છે તો તેનો નાશ કરવા માટે શું કરવું જોઈએ તેનો તમે બુદ્ધિપૂર્વક વિચાર કરો ને એવો ઘાટ ઘડો કે જયદ્રથ યુદ્ધમાં માર્યો ન જાય.
હે શત્રુતાપન આચાર્ય,તમે જ અમારા મુખ્ય આધાર છો.અર્જુન સૈન્યને તોડી નાખીને અંદર દાખલ થયો છે એટલે જયદ્રથના રક્ષક યોદ્ધાઓ પરમ સંશયમાં આવી પડ્યા છે.તે દરેકને તો એમ જ હતું કે-અર્જુન,જીવતો રહી કદી પણ દ્રોણાચાર્યનું ઉલ્લંઘન કરીને આગળ વધી શકશે નહિ,પણ એ તમારા દેખતાં જ તમારું ઉલ્લંઘન કરીને આગળ વધી ગયો છે.મને હવે લાગે છે કે અવ્યવસ્થિત થયેલું મારુ આ સૈન્ય બચવાનું નથી.ઓ બ્રહ્મન,હું મારી શક્તિ પ્રમાણે તમારી ઉત્તમ આજીવિકા ચલાવી આપું છું ને યથાશક્તિ તમને પ્રસન્ન પણ કરું છું,તો પણ તમે કંઈ ધ્યાનમાં જ લેતા નથી.
અમે સદાના તમારા ભક્ત છીએ છતાં તમે અમને અનુસરતા નથી અને પાંડવોને જ પ્રસન્ન કરો છો.અહો,અમારા આધારે આજીવિકા ચલાવનારા તમે અમારું જ અપ્રિય કરવા તત્પર થયા છો.ખરેખર,મધ ચોપડેલા અસ્ત્રાની જેમ,હું તમને સાચા સ્વરૂપે જાણી શકતો નથી.તમે મને પ્રથમથી જ અર્જુનને અટકાવી રાખવા બાબતનો વર આપ્યો ન હોત તો મેં બિચારા સિંધુરાજને પોતાને ઘેર જતાં અટકાવ્યો ન હોત.હવે મને સ્પષ્ટ દેખાય છે કે મેં તેને અજ્ઞાનથી મૃત્યુને સુપરત કરી દીધો છે.હે આચાર્ય તમે એવો કોઈ ઉપાય કરો કે જેથી તે સિંધુરાજ અર્જુનના તાપમાંથી ઉગરી જાય.મારા દુઃખિયારાના બકવાદો પર તમે ક્રોધ કરશો નહિ પણ ગમે તે પ્રકારે તમે તે સિંધુરાજનું રક્ષણ કરો'
દ્રોણ બોલ્યા-હે દુર્યોધન,મને તારા પર ક્રોધ આવતો નથી.કારણકે તું મને અશ્વત્થામા સરખો જ પ્રિય છે.હું તને સત્ય કહું છું તે તું માન.અર્જુનના સારથિ શ્રીકૃષ્ણ ઘણા ઉત્તમ છે અને તેમના ઘોડાઓ પણ ઝડપથી ચાલનારા છે,તેથી થોડો માર્ગ કરીને પણ અર્જુન સત્વર આગળ નીકળી જાય છે.અરે,તું શું જોતો નથી કે,અર્જુનના બાણો કેટલા દૂર સુધી પહોંચે છે?હવે હું વૃદ્ધ થયો છું,જલદી પ્રયાણ કરવામાં લગભગ અશક્ત થયો છું અને મારો બીજો વિચાર એવો છે કે-મારી પ્રતિજ્ઞા મુજબ મારે યુધિષ્ઠિરને પકડવો.આ સમયે હું વ્યૂહનો મોખરો છોડીને અર્જુન સામે યુદ્ધ કરીશ નહિ કેમ કે યુધિષ્ઠિર હમણાં અર્જુનથી છૂટો થયો છે ને સૈન્યના મોખરામાં ઉભો છે.આથી તું જ સહાયકો રાખીને અર્જુન સામે યુદ્ધ કર.તું આ જગતનો રાજા છે,શૂરો છે,યુધ્ધકુશળ છે,સેનાનો નાયક છે,વીર છે માટે ડરીશ નહિ અને જે સ્થળે અર્જુન છે તે સ્થળે સામે યુદ્ધ કરવા જા.
દુર્યોધન બોલ્યો-હે આચાર્ય,જે અર્જુન તમારું ઉલ્લંઘન કરીને આગળ વધી આવ્યો છે,તેની સામે હું કેવી રીતે યુદ્ધ કરી શકું?જેણે કૃતવર્મા,શ્રુતાયુ,સુદક્ષિણ,શ્રુતાયુધ,અમ્બષ્ઠ,અચ્યુતાયુ તથા હજારો મલેચ્છોને રણમાં મારી નાખ્યા છે તે દુરાધર્ષ અર્જુન સામે હું કેવી રીતે યુદ્ધ કરી શકું?શું તમે મારુ અને અર્જુનનું યુદ્ધ યોગ્ય માનો છો?તમે મારા યશની રક્ષા કરો.
દ્રોણ બોલ્યા-'હે કુરુરાજ,તું સત્ય કહે છે.ખરેખર અર્જુન અજિત છે પણ હું આજે એવો ઉપાય ઘડીશ કે તું એ અર્જુનને યુદ્ધમાં સહી શકીશ.આજે ભલે સર્વ ધનુર્ધરો તને તેના સામે યુદ્ધ કરતા જોતા રહેશે.હું તને આ સુવર્ણ સમાન પ્રકાશતું કવચ પહેરાવું છું,તેથી રણમાં બાણો કે અસ્ત્રો તેને ભેદી શકશે નહિ.અરે,દેવો-અસુરો આદિ કદાચ આવી તારી સામે યુદ્ધ કરે તો પણ તું આજે નિર્ભય છે,માટે આ તારા કવચ પર અર્જુન કે બીજો કોઈ પણ બાણોનો પ્રહાર કરવા શક્તિમાન થશે નહિ.માટે તું આ કવચ પહેરીને સત્વર રણમાં અર્જુન સામે યુદ્ધ કરવા જા,એ તને આજે સહી શકશે નહિ'
એમ કહીને દ્રોણાચાર્યે ઉદક સ્પર્શ કર્યો ને વિધિ પ્રમાણે મુખથી મંત્રનો જાપ કરતાં કરતાં દુર્યોધનને કવચ પહેરાવ્યું.
દ્રોણ બોલ્યા-હે ભારત,પરબ્રહ્મ,તારું કલ્યાણ કરો.બ્રહ્મા,બ્રાહ્મણો,બ્રહ્મર્ષિઓ તારું કલ્યાણ કરો.પૂર્વે વૃત્રાસુર નામના દૈત્યે યુદ્ધમાં પરાક્રમ કરીને મોટા મોટા દેવોને ઘાયલ કર્યા હતા ત્યારે ઇન્દ્ર સહિત દેવતાઓ બ્રહ્માના શરણે ગયા ને તેમનું રક્ષણ માગ્યું.ત્યારે વિષ્ણુની સમક્ષ બેઠેલા બ્રહ્માએ તેમને કહ્યું-'મારે તમારું સદૈવ રક્ષણ કરવું જોઈએ પણ એ વૃત્રાસુર,વિશ્વકર્માના અતિદુર્ઘર તેજમાંથી ઉત્પન્ન થયો છે.પૂર્વે વિશ્વકર્માએ દશ લાખ વર્ષ સુધી ઉગ્ર તપ તપ્યું હતું ને મહેશ્વર પાસેથી વર મેળવીને વૃત્રાસુરને ઉત્પન્ન કર્યો હતો.એ બળવાન શત્રુ તે મહેશ્વરની કૃપાથી જ હણવાને યોગ્ય થશે.શંકર ભગવાનનાં દર્શન કરીને જ તમે તે વૃત્રાસુરને જીતી શકશો માટે તમે ત્યાં જાઓ'
ત્યારે બધા દેવો બ્રહ્માને લઈને મંદરાચળ પર્વત પર ગયા ને શંકરનાં દર્શન કરીને વૃત્રાસુરના ત્રાસની વાત કરી.ત્યારે મહાદેવ બોલ્યા-'તે વૃત્રાસુર અતિ મહાબળવાન એક કૃત્યા (મરકી)રૂપ જ છે અને તે વિશ્વકર્માના તેજથી ઉત્પન્ન થયેલી છે.તે એટલી ઘોર છે કે અકુશળ સામાન્ય પુરુષો તો તેનું વારણ કરી શકે તેમ નથી.પણ મારે અવશ્ય સર્વ દેવોની સહાય કરવી પડશે.હે ઇન્દ્ર તું મારા શરીરમાંથી ઉત્પન્ન થયેલા આ તેજસ્વી કવચને ગ્રહણ કર અને આ મંત્રથી તું એને તારા શરીર પર પહેર.તે દૈત્યનો નાશ કરવા માટે આ કવચ ઘણું સમર્થ છે' પછી,તે કવચ પહેરીને ઇન્દ્ર વૃત્રની સેના તરફ ગયો.ત્યારે તેના પર પડતાં કોઈ શસ્ત્રો તે કવચને ભેદી શકતાં નહોતાં.તે કવચ પહેરીને ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો હતો.સમય જતાં એ કવચ ઇન્દ્રે અંગિરાને,અંગિરાએ તેના પુત્ર બૃહસ્પતિને,બૃહસ્પતિએ અગ્નિવેશ્યને ને અગ્નિવેશ્યે મને આપ્યું હતું.તે કવચ હું આજે તને આપું છું.
સંજય બોલ્યો-દ્રોણાચાર્યે દુર્યોધનને આ કવચ પહેરાવી તેને કહ્યું કે-'હે ભારત,જેમ,પૂર્વકાળના રણસંગ્રામ સમયે બ્રહ્મદેવે વિષ્ણુને કવચબંધન કર્યું હતું તથા બ્રહ્મદેવે તારકાસુરના સંગ્રામમાં જેમ ઇન્દ્રને કવચબંધન કર્યું હતું તેમ,હું તને મંત્રપૂર્વક આ કવચબંધન કરું છું' આમ કહી તેમણે દુર્યોધનને કવચબંધન કર્યું અને તે મહાન યુદ્ધમાં દુર્યોધનને મોકલ્યો.ત્યારે દુર્યોધને એક હજાર ત્રિગર્ત રથીયોદ્ધાઓ,એક હજાર હાથીઓ,એક લાખ ઘોડેસ્વારો અને બીજા કેટલાએક મહારથીઓને સાથે લઈને અર્જુનના રથ પ્રતિ પ્રયાણ કર્યું.તે જોઈને તમારા સૈન્યમાં મોટા મોટા સિંહનાદો થઇ રહ્યા.(76)
અધ્યાય-94-સમાપ્ત
