અધ્યાય-૯૫-તીવ્ર ઘમસાણ
II संजय उवाच II प्रविष्टयोर्महाराज पार्थवाष्णेययो रणे I दुर्योधने प्रयाते च पृष्ठतः पुरुपर्पमे II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,પેલી તરફ જયારે અર્જુન રણમાં આવ્યો ને દુર્યોધન તેની સામે ગયો,ત્યારે પાંડવો સોમક યોદ્ધાઓની સાથે મોટા મોટા શબ્દો કરીને દ્રોણાચાર્ય સામે વેગપૂરક ધસી ગયા.વ્યુહના મોખરામાં જ તેમનું તુમુલ યુદ્ધ શરુ થયું,કે જે જોનારને રોમાંચ કરે તેવું ને આશ્ચર્યકારક હતું.તેવું યુદ્ધ મેં કદી જોયું નથી કે સાંભળ્યું નથી.બરાબર મધ્યાહ્નન કાળે તે યુદ્ધ શરુ થયું હતું.ત્યાં ધૃષ્ટદ્યુમ્ન આદિ પાંડવો દ્રોણાચાર્યના સૈન્યને બાણોથી ઢાંકી દેતા હતા ને સામે દ્રોણાચાર્યને આગળ કરીને કૌરવો પાંડવો પર બાણોનો વરસાદ વરસાવતા હતા ને તેમના સૈન્યને આગળ વધતું રોકી રહ્યા હતા.
ત્યારે,ધૃષ્ટદ્યુમ્ન પાંડવ યોદ્ધાઓને સાથે રાખીને શત્રુઓની સેનામાં ભંગાણ પાડવા માટે વારંવાર દ્રોણાચાર્ય પર પ્રહાર કરવા લાગ્યો.બંને એકબીજા પર બાણોનો વરસાદ વરસાવી રહ્યા હતા.ત્યારે દ્રોણાચાર્યના સૈન્યમાં ત્રણ પ્રકારે ભંગાણ પડ્યું.કેટલાએક સૈનિકો કૃતવર્મા તરફ ચાલ્યા ગયા,કેટલાએક જલસંઘ તરફ ચાલ્યા ગયા તો કેટલાએક દ્રોણ પાસે ચાલ્યા આવ્યા.દ્રોણાચાર્ય જેમ જેમ સૈન્યોને એકઠાં કરતા હતા તેમ તેમ ધૃષ્ટદ્યુમ્ન એમનાં સૈન્યોને ફૂટી જ નાખતો હતો.તે તુમુલ સંગ્રામમાં મનુષ્યો એમ જ માનવા લાગ્યા કે ધૃષ્ટદ્યુમ્ને મોહિત કરેલા યોદ્ધાઓને કાળ જ ગળી જાય છે.તમારી સેના પાંડવોથી મહાસંકટ પામી હતી.
આમ જયારે પાંડવોનો માર ખાતાં પોતાના સૈન્યોમાં ત્રણ પ્રકારે ભંગાણ પડ્યું ત્યારે દ્રોણાચાર્યે કોપીને બાણો મૂકીને પાંચાલોનો સંહાર કરવા માંડ્યો.એ મહારથી એકેક બાણથી જ રથ,હાથી,ઘોડા ને પાળાઓને ચીરી નાખવા લાગ્યા.ત્યારે પાંડવોના સૈન્યમાં એવો એકે યોદ્ધો નહોતો કે દ્રોણના બાણોનો મારો સહન કરે.દ્રોણાચાર્યના આવા પ્રહારથી ધૃષ્ટદ્યુમ્નનું સૈન્ય નાસભાગ કરવા લાગ્યું.આમ બંને સૈન્યો પરસ્પરના પ્રહારથી પીડાયાં હતાં છતાં પ્રાણોની પરવા કર્યા વગર,શક્તિ પ્રમાણે યુદ્ધ કરતાં હતાં.
એ સમયે વિવિંશતિ,ચિત્રસેન અને વિકર્ણ એ ત્રણ ભાઈઓએ ભીમસેનને આગળ વધતાં અટકાવ્યો હતો.એ ત્રણની પાછળ વિન્દ-અનુવિન્દ તથા ક્ષેમમૂર્તિ ચાલતા હતા.
ત્યારે બાહલીક રાજાએ પોતાની સેના સાથે,દ્રૌપદીના પુત્રોને આગળ વધતા અટકાવ્યા હતા.શિબિદેશના રાજા ગોવાસને,
કાશીરાજ અભિભૂના પુત્રને આગળ વધતો અટકાવ્યો હતો.યુધિષ્ઠિરને શલ્યરાજે ઘેરી લીધા હતા,ને દુઃશાસન પોતાના સૈન્ય સાથે સાત્યકિ સામે યુદ્ધ કરવા દોડી ગયો હતો.શકુનિ માદ્રીપુત્રોને અટકાવી રહ્યો હતો,ને અવંતીકુમારો વિરાટરાજ સામે ધસ્યા હતા.શિખંડીને બાહલીકરાજ વારી રહ્યો હતો ને ધૃષ્ટદ્યુમ્નને,અવંતિરાજ અટકાવી રહ્યો હતો.ઘટોત્કચ સામે અલાયુધ યુદ્ધ કરતો હતો તો પોતાના મહાન સૈન્ય સાથે રાખીને કુંતિભોજ રાક્ષસ અલંબુશને અટકાવી રહ્યો હતો.
ત્યારે જયદ્રથ તો સર્વ સૈન્યની પાછળ જ ઉભો હતો.કૃપાચાર્ય વગેરે તેનું રક્ષણ કરતા હતા.અશ્વસ્થામા ને કર્ણ તેના જમણા-ડાબા પૈડાંનું રક્ષણ કરતા હતા.ત્યારે ભૂરિશ્રવા આદિ તેના રથના પાછળના ભાગનું રક્ષણ કરતા હતા.(51)
અધ્યાય-95-સમાપ્ત