Apr 2, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1092

 

અધ્યાય-૯૬-દ્વંદ્વ યુદ્ધ 

 II संजय उवाच II राजन संग्राममाश्चर्य शृणु कीर्तयतो मम I कुरूणां पांडवानां च यथा युद्धमवर्तत II १ II

સંજય બોલ્યો-હે રાજન,કૌરવો ને પાંડવોનું જે આશ્ચર્યભર્યું યુદ્ધ થયું હતું તે હું તમને યથાવત કહું છું,સાંભળો.એ રણમાં દ્રોણાચાર્ય વ્યુહના મોખરામાં રહી પાંડવો સામે યુદ્ધ કરતા હતા.તે સમયે અવંતિકુમારોએ વિરાટરાજા પ્રહાર કર્યો ને તેમનું લોહીની છોળોવાળું દારુણ યુદ્ધ થયું.યજ્ઞસેનના પુત્રે બાહલીકરાજા પર ઘોર બાણોથી પ્રહાર કર્યો ત્યારે સામે તેણે પણ પ્રતિ પ્રહાર કર્યો.બંનેએ છોડેલાં બાણોથી સર્વ દિશાઓ ઢંકાઈ ગઈ હતી અને ત્યાં કંઈ પણ ઓળખાતું નહોતું.દ્રૌપદીના પાંચ પુત્રો આવીને એ બાહલીક સામે યુદ્ધ કરતા હતા ને તેના પર તીક્ષ્ણ બાણો વરસાવતા હતા.

શિબિરાજ ગોવાસન કાશીરાજના મહારથી પુત્ર જોડે યુદ્ધ કરતો હતો.તેવામાં દુઃશાસને આવીને સાત્યકિ પર નવ બાણોથી પ્રહાર કર્યો કે જેથી તે સત્વર જરા મૂર્છા પામી ગયો પણ થોડા જ સમયમાં પુનઃ ટટ્ટાર થઈને તેણે દુઃશાસનને દશ બાણોથી વીંધી નાખ્યો.બંને એકબીજાના પ્રહારથી ઘણા ઘવાયા હતા.એ વેળા,કુંતીભોજ અને અલંબુષની લડાઈમાં,અલંબુષ,અત્યંત ઘવાયો  હતો.પણ તેણે પણ સામે અનેક લોખંડી બાણોથી કુંતીભોજને વીંધી નાખ્યો ને સૈન્યના મોખરામાં તેણે ભયંકર ગર્જના કરી મૂકી.

બીજી બાજુ,માદ્રીપુત્રો,શકુનિ પર બાણો છોડીને તેને ગભરાવી રહ્યા હતા.


હે રાજન,તે સમયે મહાન જનસંહાર થઇ રહ્યો હતો.ખરી રીતે તો આ સંહાર તમે પોતે જ ઉત્પન્ન કર્યો છે અને કર્ણે તેને વૃદ્ધિ પમાડ્યો છે.તમારા પુત્રોએ આજ દિવસ સુધી ક્રોધમૂલક અગ્નિને રાખી મુક્યો હતો અને તે આજે સઘળી પૃથ્વીને બાળવા ભભૂકી ઉઠ્યો છે.માદ્રીપુત્રોએ શકુનિ પર એટલી બધી બાણવૃષ્ટિ કરી કે ત્યારે શકુનિ ત્યાંથી દ્રોણાચાર્યના સૈન્ય તરફ નાસી ગયો.પેલી તરફ ઘટોત્કચ,અલંબુષ સામે ધસી ગયો અને તેમની વચ્ચે વિચિત્ર સ્વરૂપવાળું રાક્ષસ યુદ્ધ થઇ રહ્યું હતું.

તે પછી,યુધિષ્ઠિરે મદ્રરાજને પચાસ બાણોથી વીંધી નાખ્યો હતો ને તે બંને વચ્ચે અતિ અદભુત યુદ્ધ થઇ રહ્યું હતું.

બીજી તરફ,વિવિંશતિ,ચિત્રસેન અને વિકર્ણ મોટી સેના સાથે ભીમ સામે યુદ્ધ કરતા હતા.(31)

અધ્યાય-96-સમાપ્ત