અધ્યાય-૯૭-દ્રોણ અને ધૃષ્ટદ્યુમ્ન
II संजय उवाच II तथा तस्मिन् प्रवृत्ते तु संग्रामे लोमहर्षणे I कौरवेयास्त्रिधाभूतान् पांडवा: समुपाद्रवन् II १ II
સંજય બોલ્યો-આમ રુંવાં ઉભા થઇ જાય તેવો સંગ્રામ મચી રહ્યો હતો ત્યારે પાંડવોએ ત્રણ ભાગમાં વહેંચાઈ ગયેલા કૌરવ સૈનિકો સામે ધસારો કર્યો.એ યુદ્ધમાં ભીમસેન જલસંઘ સામે ને યુધિષ્ઠિર કૃતવર્મા સામે ચઢી ગયા.ધૃષ્ટદ્યુમ્ન,દ્રોણાચાર્ય સામે ધસ્યો અને બંને વચ્ચે ધમાસાણ સંગ્રામ થયો.તે બંનેએ સામસામાં બાણોનો વરસાદ વરસાવ્યો કે જેથી તે રણભૂમિ,સૈનિકોના મસ્તકોથી ભરચક થઇ ગઈ.બંને વચ્ચે નિર્મર્યાદ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ધૃષ્ટદ્યુમ્ને પોતાના ઘોડાઓને દ્રોણાચાર્યના ઘોડાઓ સાથે અથડાવી દીધા.ને દ્રોણાચાર્યને સમીપમાં જોઈને ધૃષ્ટદ્યુમ્ને ધનુષ્યનો ત્યાગ કરીને ઢાલ-તલવાર હાથમાં લીધી ને તેમના રથની ઇષ પર થઈને તેમના રથમાં દાખલ થયો.
તલવારના પટા ખેલી રહેલા તે ધૃષ્ટદ્યુમ્નને મારવા દ્રોણાચાર્યને લગારે લાગ સુઝ્યો નહિ તે અદભુત હતું.બાજપક્ષીની જેમ,ધૃષ્ટદ્યુમ્ને દ્રોણાચાર્યને મારી નાખવાની ઈચ્છાથી એકદમ ઝડપ મારી હતી.પણ આચાર્યે સામે એકદમ તીવ્રતાથી તેની ઢાલ ઝુંટવી લીધી ને તેની તલવારને ભાગી નાખી.શસ્ત્ર વગરનો થયેલ ધૃષ્ટદ્યુમ્ન ત્યાંથી દૂર થયો,ત્યારે આચાર્યે તેના ઘોડાઓને,સારથિને તેના બે પૃષ્ઠરક્ષકોને મારી નાખ્યા ને ધૃષ્ટદ્યુમ્નને મારવા એક બાણ મૂક્યું,પણ તે વખતે સાત્યકિએ વચ્ચે આવીને તે બાણને વચમાંથી જ કાપી નાખ્યું,ને તેણે આમ ધૃષ્ટદ્યુમ્નને છોડાવ્યો.સાત્યકિને આવેલો જોઈને દ્રોણે તેના પર છવ્વીસ બાણોનો પ્રહાર કર્યો.ને તેને છાતીમાં વીંધ્યો.તા બંને વચ્ચે યુદ્ધ શરુ થયું તે સમયનો લાભ લઈને પાંચાલરથીઓ ત્યાં આવીને ધૃષ્ટદ્યુમ્નને રણમાંથી સત્વરે દૂર લઇ ગયા. (36)
અધ્યાય-97-સમાપ્ત