અધ્યાય-૯૮-સાત્યકિનો સપાટો
II धृतराष्ट्र उवाच II बाणे तस्मिन्निकृते ध्रुष्ट्ध्युम्ने च मोहिते I तेन वृष्णिप्रविरेण युयुधानेन संजय II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યો-હે સંજય,જયારે યાદવવીર સાત્યકિએ દ્રોણાચાર્યના બાણને વચમાંથી જ કાપી નાખીને
ધૃષ્ટદ્યુમ્નને છોડાવ્યો ત્યારે મહાધનુર્ધર દ્રોણાચાર્યે કોપાયમાન થઈને યુદ્ધમાં સાત્યકિ પર શું કર્યું હતું?
સંજય બોલ્યો-જયારે સાત્યકિએ વચ્ચે પાડીને ધૃષ્ટદ્યુમ્નને છોડાવ્યો ત્યારે કોપિત થયેલા દ્રોણ જાણે આકાશમાં ઉડતા હોય તેમ ઘોડાઓને દોડાવીને બાણોનો પ્રહાર કરવા લાગ્યા હતા.ત્યારે સાત્યકિએ હસતાં હસતાં પોતાના સારથિને કહ્યું કે-હે સારથિ,આ બ્રાહ્મણ શૂરવીર છે,પણ પોતાના કર્મથી ભ્રષ્ટ થયેલો છે.પોતાને આશ્રય આપનાર દુર્યોધનના દુઃખ ને ભયનો નાશ કરવા સજ્જ થયો છે.એ સર્વ રાજપુત્રોનો આચાર્ય છે તેથી પોતાને નિરંતર શૂરવીર માને છે,માટે તેના તરફ આપણા ઘોડા દોડાવ'
સાત્યકિ આમ આચાર્ય સામે ધસ્યો ત્યારે પરસ્પર હજારો બાણો મૂકીને,બંને યોદ્ધાઓનું યુદ્ધ શરુ થયું.
એ બંને શ્રેષ્ઠ પુરુષોએ આકાશને બાણોના સમુદાયથી છાઈ દીધું અને દશે દિશાઓને બાણોથી ભરી દીધી.જોતજોતામાં તો સૂર્ય દેખાતો બંધ થયો અને પવન પણ થંભી ગયો.ઘોર અંધકાર થયો ને બીજા યોદ્ધાઓનો ત્યાં કોઈ ઉપાય ચાલ્યો નહિ.તેમના બાણોના અથડામણથી ઉત્પન્ન થયેલો શબ્દ ઇન્દ્રે છોડેલાં વજ્રોના જેવો હતો.યુદ્ધ કરવામાં કુશળ તે બંનેની હથેળીઓમાં અથડાતી પ્રત્યંચાઓના ઘોષનો પ્રચંડ અવાજ સંભળાતો હતો.તે બંનેના ઘોડાઓ,સારથિઓ બાણોથી ઘવાયા હતા.
બંનેનાં છત્રો પડી ગયાં,ધજાઓ પડી ગઈ અને બંને જણા લોહીથી નાહી રહ્યા હતા,છતાં વિજયની ઈચ્છા રાખી એકબીજાને બાણો મૂકી વીંધી રહ્યા હતા.
હે રાજન,તે વખતે સૈન્યમાં ક્યાંય ગર્જનાઓ,સિંહનાદો,શંખનાદો,કે દુંદુભીઓના ગડગડાટો થતા ન હતા.સર્વ શાંત હતું અને કોઈ પણ કંઈ બોલતું નહોતું.સૈન્યો થંભી ગયાં હતાં ને યોદ્ધાઓ યુદ્ધ કરતા બંધ પડ્યા હતા.સર્વ મનુષ્યો આશ્ચર્યમાં ગરક થઈને યુદ્ધને જોઈ રહ્યા હતા.રથોની સેનાઓ વ્યૂહાકારમાં ગોઠવાઈને એમ ને એમ જ ઉભી હતી.અરે,વિમાનોમાં બેસીને આવેલા બ્રહ્મા અને સોમ આદિ દેવો પણ તે યુદ્ધ નિહાળી રહ્યા હતા.તે બંને પુરુષસિંહો યુદ્ધમાં આગળ વધવું,પાછા હઠવું,તરેહ તરેહ પ્રકારના અસ્ત્રોનો પ્રહાર કરવો વગેરે એટલી ચાલાકીથી કરતા હતા કે બધા વિસ્મય પામી ગયા હતા.
પછી,સાત્યકિએ દ્રોણના ધનુષ્યને છેદી નાખ્યું,ત્યારે એક પળમાં બીજું ધનુષ્ય લીધું કે જેને પણ સાત્યકિએ કાપી નાખ્યું.
દ્રોણાચાર્ય જેમ જેમ હાથમાં નવું ધનુષ્ય લે તેમ તેમ તે ધનુષ્યને કાપતો જતો હતો.એમ સાત્યકિએ દ્રોણના સો ધનુષ્યોનો નાશ કર્યો.એ યુદ્ધમાં સાત્યકીનું એ પરકર્મ જોઈને દ્રોણ મનમાં જ વિચાર કરવા લાગ્યા કે-'આ સમયે સાત્યકીનું અસ્ત્રબળ પરશુરામ,કાર્તવીર્ય,અર્જુન અને ભીષ્મ સમાન જોવામાં આવે છે' એમ કહી તેને તે મનમાં જ ધન્યવાદ આપવા લાગ્યા.
તે રણમાં સાત્યકિનું મનુષ્યોથી ન બને તેવું અને યુક્તિથી યુક્ત એવું અસાધારણ પરાક્રમ જોઈને,તમારા પક્ષના યોદ્ધાઓ પણ તેને વખાણ્યા વગર રહ્યા નહિ.છેવટે,આચાર્યે ક્રોધ કરીને મહાઘોર આગ્નેયાસ્ત્ર પ્રગટ કર્યું.ત્યારે સાત્યકિએ સામે વારુણાસ્ત્રનો પ્રયોગ કર્યો.તે બંનેને જોઈને સૈન્યમાં મોટો હાહાકાર થઇ રહ્યો.તે બંનેનાં દિવ્યાસ્ત્રોનો હજુ નાશ થયો નહોતો તેવામાં સૂર્ય મધ્યાહ્નથી નમી ગયો.તે પછી,યુધિષ્ઠિર,ભીમ,નકુલ,સહદેવ,વિરાટ,કેકય-મત્સ્ય યોદ્ધાઓ અને શાલ્વની સેના,ધૃષ્ટદ્યુમ્નને આગળ કરીને એકદમ ત્યાં આવી પહોંચ્યા ને ચારે બાજુથી સાત્યકિનું રક્ષણ કરવા લાગ્યા.ભયંકર સંગ્રામ શરુ થયો ને સઘળી યુદ્ધભૂમિ ધૂળથી ઢંકાઈ ગઈ.ને એટલો બધો અંધકાર છવાઇ ગયો કે કંઈ જાણવામાં આવતું હતું.(57)
અધ્યાય-98-સમાપ્ત