અધ્યાય-૯૯-અવંતિકુમાર વિન્દ અનુવિન્દ પડ્યા
II संजय उवाच II विवर्तमाने त्वादित्ये तत्रास्तशिखरं प्रति I रजसा कीर्यमाणे च मंदिभूते दिवाकरे II १ II
સંજય બોલ્યો-તે સમયે સૂર્યનારાયણ અસ્તાચળના શિખર પ્રત્યે જવા માટે ધીમેધીમે ઉતરતા હતા,અને ધૂળથી વ્યાપ્ત થઈને જાણે નિસ્તેજ થયા હોય તેમ લાગતું હતું.વિજયની ઈચ્છાવાળા સૈન્યો જયારે આમ યુદ્ધ કરવામાં તલ્લીન થયાં હતાં,ત્યારે વાસુદેવ અને અર્જુન જયદ્રથ તરફ જઈ રહ્યા હતા.અર્જુન બાણો મૂકીને રથ ચાલ્યો જાય તે પ્રમાણે રસ્તો કરી આપતો હતો.જ્યાં જ્યાં તેમનો રથ જતો ત્યાં કૌરવ સેનામાં ભંગાણ પડતું હતું.અર્જુન પોતાના રથના આગળના ભાગમાં એક કોશ જેટલા પ્રદેશ સુધી બાણો ફેંકતો હતો.ને રથ જયારે,તે એક કોશ આગળ નીકળી જતો ત્યારે તેનાં બાણો શત્રુઓનો નાશ કરતાં હતાં,કારણકે શ્રીકૃષ્ણ વાયુસમાન ઘોડાઓથી આગળ વધ્યે જતા હતા ને જગતને વિસ્મય પમાડતા હતા.
શ્રીકેશવે રણના મધ્યપ્રદેશમાં આવીને પોતાના ઘોડાઓને સત્વર સેનાની મધ્યમાં લઈ જતા હતા.ઘોડાઓ ભૂખ્યા,તરસ્યા ને ઘાયલ થયા હતા ને હવે મહાકષ્ટે રથને લઇ જતા હતા.ત્યારે અવંતીકુમારો વિન્દ અને અનુવિન્દ પોતાની સેના સાથે અર્જુન પર ચડી આવ્યા.અને બાણોથી શ્રીકૃષ્ણ,અર્જુન અને ઘોડાઓને વીંધી નાખ્યા.કોપાયમાન થયેલા અર્જુને સામે બે ભલ્લ જાતનાં બાણો છોડીને તે બંનેના ધનુષ્યોને કાપી નાખ્યા.ત્યારે તેમણે બીજાં ધનુષ્યો લઈને અર્જુનને બાણોથી પીડવા લાગ્યા.
કોપે ભરાયેલ અર્જુને,કેટલાક બાણો છોડીને તેમના ઘોડાઓ,સારથિઓ અને પૃષ્ઠરક્ષકોને મારી નાખ્યા ને એક ક્ષુરપ્ર બાણ છોડીને મોટાભાઈ વિન્દના મસ્તકને ધડથી જુદું પાડ્યું.
મોટાભાઈને મરણ પામેલો જોઈને અનુવિન્દ હાથમાં ગદા લઈને યુદ્ધ કરવા ધસી આવ્યો,ને તેણે શ્રીકૃષ્ણના લલાટ પર ગદાનો પ્રહાર કર્યો.પણ તે પ્રહારે શ્રીકૃષ્ણને જરા પણ કંપાવ્યા નહિ,ત્યારે અર્જુને છ બાણોનો પ્રહાર કરીને અનુવિન્દની ડોક,પગ,હાથ અને મસ્તકને કચાકચ કાપી નાખ્યા.એટલે તે પૃથ્વી પર પડ્યો.અર્જુને તેના સૈન્યનો પણ સંહાર કરી નાખ્યો.ત્યાં સિંધુરાજને દૂર જોઈને તથા શ્રમિત થયેલ અર્જુન અને તેના થાકેલા ઘોડાઓને જોઈને કૌરવ યોદ્ધાઓ તેને ચારે બાજુથી ઘેરી વળ્યા.તેમને જોઈને અર્જુન મંદહાસ્ય કરીને શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો કે-'આપણા ઘોડાઓ બાણોથી ઘવાઈ ગયા છે ને સિંધુરાજ હજી દૂર છે,માટે અહીં આપણે કયું મોટું કામ કરવું જોઈએ?તે તમે કહો.મને તો જે એક મહત્વનું કાર્ય પ્રથમ દેખાય છે કે ઘોડાઓને છોડી નાખીને તેમના શરીરોમાં ખૂંચી ગયેલાં બાણોને ખેંચી કાઢવાં જોઈએ' ત્યારે કેશવે,'તેમનો મત તેવો જ છે'-એમ કહ્યું.
અર્જુને કહ્યું-હે કેશવ,હું સર્વ સૈન્યોને અહીં અટકાવી રાખીશ,તમે હવે પછીનું કર્તવ્ય કર્મ જેમ યોગ્ય લાગે તેમ કરો'
આમ કહી તે રથમાંથી ગાંડીવ ધનુષ્ય લઈને ઉતરી પડ્યો.તે સમયે 'આ અર્જુનને મારી નાખવાનો લાગે છે' એમ સમજીને યોદ્ધાઓ તેની સામે દોડી આવ્યા ને તેના પર બાણોનો પ્રહાર કરવા લાગ્યા.તે વખતે અર્જુનના બાહુઓનું મહાન બળ જોવામાં આવ્યું.અર્જુન સર્વ તરફથી આવતા શત્રુઓના બાણોને વારતો હતો.આકાશમાં સામસામે અથડાતાં બાણોથી મોટો અગ્નિ પ્રજ્વલિત થયો હતો.અર્જુન એકલો જ યોદ્ધાઓનો મહાસંહાર કરી રહ્યો હતો.
ધૃતરાષ્ટ્ર બોલ્યા-અર્જુન જયારે પૃથ્વી પર ઉભો હતો અને શ્રીકૃષ્ણ ઘોડાઓ પાસે હતા,
તે તકનો લાભ લઈને મારા પક્ષના યોદ્ધાઓએ અર્જુનને કેમ મારી નાખ્યો નહિ?
સંજય બોલ્યો-હે રાજા,પૃથ્વી પર ઉભા રહેલા અર્જુને એકલાએ જ રથમાં બેઠેલા સર્વ રાજાઓને એકદમ રોકી રાખ્યા હતા.ત્યારે,શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે-'હે અર્જુન,આ ઘોડાઓને પાણી પીવાની ઈચ્છા થઇ છે પણ અહીં કોઈ જળાશય નથી'
તે સાંભળી 'આ રહ્યું જળાશય' એમ કહીને અર્જુને અસ્ત્રથી પૃથ્વી પર પ્રહાર કર્યો ને ત્યાંથી ફૂટી નીકળેલા પાણીથી સુંદર સરોવર બની ગયું.ક્ષણવારમાં તૈયાર થયેલા એ સરોવરમાં નિર્મળ જળ હતું.પછી,તે અદભૂત કર્મ કરનારા અર્જુને વિશ્વકર્માની જેમ,ઘોડાઓને આરામ લેવા બાણોના જ થાંભલાવાળું ને બાણોના જ છાપરાવાળું એક અદભુત બાણગૃહ તૈયાર કરી આપ્યું.જે જોઈને શ્રીગોવિંદે હસીને કહ્યું-'ધન્ય છે ધન્ય છે'
અધ્યાય-99-સમાપ્ત