અધ્યાય-૧૦૦-આશ્ચર્યચકિત સૈન્યો
II संजय उवाच II सलिले जनिते तस्मिन् कौंतेयेन महात्मना I निस्तारिते द्विपसैन्ये कृते च शरवेश्मनि II १ II
સંજય બોલ્યો-મહાત્મા અર્જુને જયારે તે શત્રુઓના સૈન્યને ખાળી રાખ્યું,જળ ઉત્પન્ન કર્યું અને બાણગૃહ તૈયાર કર્યું ત્યારે મહાતેજસ્વી વાસુદેવ રથમાંથી ઉતારીને ઘોડાઓને છોડવા લાગ્યા ને તેમનાં શરીરમાંથી બાણો ખેંચી કાઢવા મંડ્યા.પૂર્વે કદી નહિ જોયેલું તે અદભુત કર્મ જોઈને સર્વ સિદ્ધોનાં,ચારણોનાં ટોળામાં ને સૈનિકોમાં 'ધન્ય-ધન્ય' એવા મહાન શબ્દો થઇ રહ્યા.ત્યારે અર્જુન પૃથ્વી પર ઉભો રહી,જરા પણ વ્યથા પામ્યા વિના પોતાની તરફ ધસી આવતા અનેક બાણોનો અને શસ્ત્રોનો નાશ કરતો હતો.અર્જુન અને વાસુદેવના એ અદભુત પરાક્ર્મના કૌરવો પણ વખાણ કર્યા વિના રહ્યા નહોતા.
તેઓ માંહેમાંહે વાતો કરતા હતા કે -'આનાથી અધિક આશ્ચર્ય આ લોકમાં કયું થશે કે -આપણા દેખતાં જ શ્રીકૃષ્ણે રથના ઘોડાઓને છોડયા છે ને અર્જુન નીડર બની પૃથ્વી પર ઉભો રહીને,આપણામાં ભય ફેલાવી રહ્યો છે ને પોતાનું તેજ દેખાડે છે'
હે રાજન,ત્યારે શ્રીકૃષ્ણ પોતે જાણે સ્ત્રીઓના મધ્યમાં હોય તેમ સમજીને ઘોડાઓને છોડીને બાણગૃહમાં લઇ ગયા.ને તેમને પંપાળ્યા,પખાળ્યા પાણી પાયું ને ચારો આપીને થાકરહિત કર્યા,ને પુનઃ પોતાના ઉત્તમ રથમાં જોડ્યા.ને પછી પોતે અને અર્જુન તે રથમાં બેસીને સત્વરે ત્યાંથી આગળ વધ્યા.ત્યારે કુરુસૈન્યના યોદ્ધાઓ ઉદાસ મનવાળા થઇ ગયા ને નિસાસા નાખીને બોલી ઉઠયા કે-'અહો,ધિક્કાર છે આપણને,અરે,અર્જુન અને શ્રીકૃષ્ણ આપણા બધાની વચ્ચેથી પસાર થઇ ગયા'
કેટલાએક યોદ્ધાઓ કહેવા લાગ્યા કે-'નિઃશંક દુર્યોધનના અપરાધથી સર્વ સૈન્યોનો,ધૃતરાષ્ટ્રનો,સમગ્ર ક્ષત્રિયોનો અને અરે,આખી પૃથ્વીનો નાશ થવા બેઠો હોય તેવું જ લાગે છે' જયારે અર્જુન,જયદ્રથ સામે ચાલ્યો ગયો ત્યારે સૂર્ય પણ નમ્યો હતો.
જેમ,સિંહ,મૃગોનાં ટોળાંઓને છિન્નભિન્ન કરે તેમ,અર્જુન સર્વ સૈનિકોને છિન્નભિન્ન કરતો,જયદ્રથ પ્રતિ આગળ વધી રહ્યો હતો.અર્જુનના રથના ઘોડાઓ હવે એટલા વેગથી દોડી જતા હતા કે અર્જુને શત્રુઓ તરફ આગળથી છોડેલાં બાણો રથના ચાલ્યા ગયા પછી તેમના પર પડતાં હતાં.ત્યારે કોપાયમાન થયેલા રાજાઓ તથા બીજા અનેક ક્ષત્રિયો જયદ્રથનો વધ કરવા ઇચ્છતા અર્જુનની આસપાસ વીંટાઈ વળ્યા.ને એ વખતે દુર્યોધન પણ ઉતાવળો ઉતાવળો આવી અર્જુનની પાછળ પડ્યો.ચોતરફ ઊડતી ધૂળથી સૂર્ય અત્યંત ઢંકાઈ ગયો હતો અને બાણોથી પીડાયેલા યોદ્ધાઓ અર્જુનને જોવા સમર્થ થતા નહોતા.(37)
અધ્યાય-100-સમાપ્ત