Apr 7, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1097

 

અધ્યાય-૧૦૧-દુર્યોધન યુદ્ધ કરવા આવી પહોંચ્યો 


 II संजय उवाच II स्त्रंसंतं इव मज्जानस्तावकानां भयान्नृप I तौ द्रष्ट्वा समतिक्रान्तौ वासुदेवधनंजयौ II १ II

સંજય બોલ્યો-હે રાજા,શ્રીકૃષ્ણ અને અર્જુનને સૈન્યનું ઉલ્લંઘન કરી આવેલા જોઈને તમારા પુત્રોની મજ્જાઓ જાણે ભયને લીધે નરમ પડી ગઈ.આમ છતાં તેઓ લજ્જાને અને વૈર્યને લીધે સ્થિર થઈને ઉભા રહ્યા અને અર્જુનની સામે જવા લાગ્યા.જે વખતે અર્જુન દ્રોણાચાર્યના સૈન્ય સામે હતો ત્યારે તમારા પક્ષના યોદ્ધાઓ એમ જ માની બેઠા હતા કે તે દ્રોણનું ઉલ્લંઘન કરીને આવી શકશે નહિ.પણ અર્જુન જયારે દ્રોણના સૈન્યને ઉલ્લંઘી આગળ આવ્યો ત્યારે તેઓએ જયદ્રથના જીવિતની આશા રાખી નહિ.વળી,જયારે અર્જુન કૃતવર્માનાં સૈન્યને પણ ઉલ્લંઘીને આગળ વધ્યો ત્યારે તો સર્વને જયદ્રથના વધ વિષે શંકા રહી નહિ.એ વેળા અર્જુન અને શ્રીકૃષ્ણ,જયદ્રથનો વધ કરવાના સંબંધમાં પરસ્પર વાત કરતા હતા.

અર્જુન બોલ્યો-'કૌરવોના છ મહારથીઓની મધ્યમાં રહેલો પેલો જયદ્રથ હવે મારી નજરમાં આવી ચડ્યો છે તેથી તે કદી છૂટવાનો નથી.' જેમ,માંસને જોતાં બાજપક્ષીને હર્ષ ઉપજે,તેમ,સિંધુરાજને સમીપમાં જોઈને અર્જુન અને શ્રીકૃષ્ણને હર્ષ ઉપજ્યો,ને બાજપક્ષીની જેમ જ તેઓ એકાએક તેના પર ધસી ગયા.ત્યારે દુર્યોધન એકલો જ જયદ્રથનું રક્ષણ કરવા માટે આવી ચડ્યો.તેને જોઈને તમારા સર્વ સૈન્યોમાં હર્ષનાં વાદિંત્રો વાગવા લાગ્યાં ને શંખનાદો ને સિંહનાદો થવા લાગ્યા.એ વેળા સિંધુરાજના તેજસ્વી રાજરક્ષકો દુર્યોધનને રણમાં આવેલો જોઈને અત્યંત હર્ષમાં આવી ગયા હતા.દુર્યોધનને યુદ્ધ કરવા આવેલો જોઈને શ્રીકૃષ્ણે અર્જુનને સમયોચિત વચન કહ્યાં (101)

અધ્યાય-101-સમાપ્ત