અધ્યાય-૧૦૨-શ્રીકૃષ્ણ અને અર્જુનની વાતચીત
II वासुदेव उवाच II दुर्योधनमतिक्रांतमेनं पश्य धनंजय I अत्यद्भुतमिमं मन्ये नास्तस्य सदशो रथः II १ II
વાસુદેવ બોલ્યા-હે અર્જુન,જો,આ દુર્યોધન સર્વને ઉલ્લંઘીને અહીં આવી પહોંચ્યો છે,હું આને અદભુત માનું છું,એના સરખો બીજો કોઈ મહારથી નથી.તે દૂર સુધી બાણો ફેંકનારો,મહાધનુર્ધર,અસ્ત્રકુશળ ને તરેહ તરેહનાં યુદ્ધ કરી જાણે છે.તે પ્રથમથી જ અત્યંત સુખમાં ઉછરીને મોટો થયો છે,સર્વ વાતે કુશળ છે અને નિત્ય બાંધવોનો દ્વેષ કરે છે.મને લાગે છે કે તારું અને તેનું આ યુદ્ધ સમયને યોગ્ય છે.આ વેળા,તું ચિરકાળથી એકઠા કરેલા ક્રોધરૂપ ઝેરને વરસાવ,આ દુર્યોધન જ સર્વ અનર્થોનું મૂળ છે.તું આજે તારા આત્માની સફળતા જ માનજે કારણકે આ દુર્યોધન આજે તારા બાણોનો વિષય થયો છે.બાકી આ રાજ્યલોભી,તારી સાથે યુદ્ધ કરવા આવે શાનો?આજે તે તારા બાણોના લક્ષ્યમાં આવી ઉભો છે તે બહુ સારું થયું છે.
હે ધનંજય,એ દુર્યોધન આજે જીવનો ત્યાગ કરે તેવું તું કરજે.ઐશ્વર્યના મદમાં મૂઢ થયેલો તે જરા પણ દુઃખ પામ્યો નથી ને યુદ્ધમાં તારી શક્તિને પણ જાણતો નથી.આજે તું એને હણી નાખ.આ દુર્યોધન તારો અનર્થ કરવામાં જ તત્પર રહ્યો છે અને ખટપટ કરીને તેણે જુગારમાં ધર્મરાજને છેતર્યા છે.તેણે તમારા પર ઘણાં ઘાતકી કૃત્યો કર્યા છે,માટે તું યુદ્ધમાં આર્યબુદ્ધિ ધારણ કર અને તે અનાર્ય પુરુષનો કંઈ પણ વિચાર કર્યા વિના વધ કરી નાખ.તેણે કપટ કરીને તમારું રાજ્ય છીનવી લીધું છે,વનવાસ આપ્યો છે અને કૃષ્ણાને સંતાપ કર્યો છે,તે બધાનો વિચાર કરીને તું આ સમયે પરાક્રમ કર.જયદ્રથનો વધ કરવારૂપ આપણા કાર્યનો નાશ કરવા માટે તે આગળ આવીને જે પ્રયત્ન કરે છે તે તારા માટે એક સુદૈવ જ છે.હે પાર્થ,તારા સર્વ અભિલાષો આજે આપોઆપ સફળ થશે,તું એનો વધ કર એટલે અનાથ થયેલું આ સૈન્ય આપોઆપ છિન્નભિન્ન થઇ જશે.માટે તારા પૂર્વના વેરનું આજે અવભૃથસ્નાન (છેલ્લી ક્રિયા)કરી નાખ અને તે દુર્યોધનને છેદી નાખ.
અર્જુન બોલ્યો-તથાસ્તુ,જો મારે એ અવશ્ય કરવા યોગ્ય છે તો આ સમયે બધાં કાર્ય પડતાં મૂકી જ્યાં દુર્યોધન ઉભો છે ત્યાં ચાલો.આજે હું તેના મસ્તકને વાઢી નાખીશ.જેણે કૃષ્ણાનું અપમાન કર્યું છે તેને મારવા હું શક્તિમાન થઈશને?'
આમ પરસ્પર બે વાતો કરતા હતા ત્યારે કૃષ્ણે રથને દુર્યોધનની સમીપ લીધો.તે સમયે દુર્યોધન મહાન ભયને પ્રાપ્ત થયો હતો પણ નિર્ભય જ રહ્યો હતો,તેના એ પરાક્રમને ક્ષત્રિયો વખાણવા લાગ્યા.કારણકે તેણે તે સમયે અર્જુન અને શ્રીકૃષ્ણને અટકાવી રાખ્યા હતા.અર્જુનને કોપેલો જોઈને યુદ્ધની ઇચ્છાવાળો દુર્યોધન મંદમંદ હસીને તેમનું આહવાન કરવું લાગ્યો.ત્યારે અર્જુને મહાન સિંહનાદ કરીને પોતાનો શંખ વગાડ્યો.ત્યારે કૌરવ પક્ષના સર્વ યોદ્ધાઓ,દુર્યોધનના જીવનના સંબંધમાં નિરાશ થઇ ગયા.
અરે,બીજા કૌરવો,તમારા પુત્રને અગ્નિમાં હોમાયેલો માનવા લાગ્યા.કેટલાએક યોદ્ધાઓ બોલી ઉઠયા કે'રાજા મૂઓ,રાજા મૂઓ' એ કોલાહલ સાંભળીને દુર્યોધન બોલ્યો-'તમારો ભય દૂર થાઓ,હું હમણાં જ અર્જુનને મૃત્યુ પાસે વિદાય કરી દઉં છું' આમ કહી તેણે ક્રોધપૂર્વક અર્જુનને કહ્યું કે-'હે અર્જુન,તું જો પાંડુથી જન્મ્યો હોય,તો તું જે કોઈ દિવ્ય અથવા પાર્થિવ અસ્ત્ર શીખ્યો હોય તેનો મારા પર સત્વરે પ્રયોગ કરી દેખાડ.તારામાં ને કેશવમાં જેટલી શક્તિ હોય તેનો તું મારા પર એકસામટી વરસાવ.એટલે હું તારા પરાક્રમને જોઉં તો ખરો.લોકો કહે છે કે તે સ્વામીને યોગ્ય એવાં કર્મો કર્યા છે પણ તે મારી આંખ આગળ કર્યાં નથી તો તે પરાક્રમો મારી આંખ આગળ કરી બતાવ તો હું સાચું માનું (38)
અધ્યાય-102-સમાપ્ત
