અધ્યાય-૧૦૩-દુર્યોધનની હાર
II संजय उवाच II एव्मुक्त्वार्जुनं राजा त्रिभिर्मर्मातिगैः शरैः I अभ्यविध्यन्महावैगैश्वतुरो हयान् II १ II
સંજય બોલ્યો-એમ કહીને રાજા દુર્યોધને મર્મને ભેદી નાખે તેવાં ત્રણ બાણોથી અર્જુનને વીંધી નાખ્યો.વળી,ચાર બાણોથી ઘોડાઓને ને દશ બાણોથી વાસુદેવને છાતીમાં વીંધ્યા ને એક બાણથી શ્રીકૃષ્ણના હાથમાં રહેલી ચાબૂકને કાપી નાખી.ત્યારે અર્જુને ક્રોધિત થઈને ચૌદ બાણોનો સામે પ્રહાર કર્યો પણ તે બાણો દુર્યોધનના કવચમાં નિષ્ફળ ગયાં.અર્જુને પુનઃ ચૌદ બાણોનો પ્રહાર કર્યો પરંતુ તે બાણો પણ નિષ્ફળ થઇ પડ્યાં.અર્જુનનાં બાણોને નિષ્ફળ થતાં જોઈને વાસુદેવે કહ્યું-'અરે અર્જુન,તારાં બાણો વ્યર્થ જાય છે આ તે તારી શી ફજેતી?તારા હાથનું ને ગાંડીવનું સામર્થ્ય ક્યાં ગયું છે?'
અર્જુન બોલ્યો-હે કેશવ,લાગે છે કે દુર્યોધનના હિત માટે આજે આચાર્યે કરાવેલું કવચધારણ જ મારા શસ્ત્રોને અભેદ્ય થઇ પડયું છે.આ કવચમાં ત્રણેય લોકની શક્તિ સમાયેલી છે,એક દ્રોણાચાર્ય અને તેમની પાસેથી હું પણ તે જાણું છું.આ કવચને બાણો વડે કેમે પણ ભેદી શકાય તેમ નથી.એ વાતને તમે જાણો છો,એ કવચને લીધે જ દુર્યોધન યુદ્ધમાં નિર્ભય થઈને ઉભો છે.આ યુદ્ધમાં પોતાના કર્તવ્ય-કર્મને એ જરા પણ જાણતો નથી પણ બીજાએ મંત્રીને સજાવેલા કવચને એક સ્ત્રીની જેમ જ એ પહેરીને ઉભો છે.હવે મારા બાહુઓની ને મારા ધનુષ્યની શક્તિ તમે જોજો.હું તેને પરાજિત કરીશ.
પછી,અર્જુને માનવાસ્ત્રથી મંત્રીને કવચને તોડી નાખે એવા બાણોથી પ્રહાર કર્યો ત્યારે અશ્વસ્થામાએ તે બાણોને વચમાં જ કાપી નાંખ્યા તે જોઈને અર્જુન વિસ્મય પામ્યો ને શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો કે-'હે જનાર્દન,આ માનવાસ્ત્રનો મારાથી બે વાર પ્રયોગ કરી શકાશે નહિ કેમ કે જો હું ફરીથી તેનો પ્રયોગ કરું તો તે મારા બળનો ને મારો જ નાશ કરશે' એટલામાં દુર્યોધને સર્પ સમાન ઝેરી નવ બાણોથી એ બંનેને વીંધી નાખ્યા ને અર્જુન પર મોટી બાણવૃષ્ટિ કરવા લાગ્યો.તે જોઈને કૌરવ પક્ષના સર્વ યોદ્ધાઓ ખુશ થઇ ગયા ને સિંહનાદો કરવા લાગ્યા.
ત્યારે અર્જુન ક્રોધાયમાન થઈને દુર્યોધનના શરીર તરફ જોવા લાગ્યો પણ તેના એક પણ અંગને કવચથી રક્ષિત ન હોય તેવું જોયું નહિ.એટલે તેણે તીક્ષ્ણ બનો છોડીને તેના ઘોડાઓને ને તેના પૃષ્ઠરક્ષકોને મારી નાખ્યા.તે ઉપરાંત તેણે તેના ધનુષ્યના અને હાથે પહેરવાના મોજાંઓના ટુકડા કરીને તેના રથને પણ તોડવાનો આરંભ કર્યો.હવે રથ વિનાના ને ધનુષ્ય વિનાના થયેલા તે દુર્યોધનની બે હથેળીઓને વીંધીને તેના આંગળીઓના નખ ને માંસની વચ્ચેના ભાગમાં બાણો મારીને તેને વીંધી નાખ્યો એટલે વેદનાથી વિહવળ થયેલો તે દુર્યોધન ત્યાંથી પલાયન થવા તત્પર થયો.
એ વખતે દુર્યોધનને આમ આપત્તિમાં આવી પડેલો જોઈને મોટા મોટા ધનુર્ધરો તેનું રક્ષણ કરવા રથો,હાથીઓ ને સંખ્યાબંધ પાયદળોને લઈને અર્જુનને ઘેરી વળ્યા ને તેના પર અસ્ત્રવૃષ્ટિ કરવા લાગ્યા.કે જેનાથી અર્જુન કે ગોવિંદ કોઈ પણ ત્યાં દેખાતું નહોતું.પછી,અર્જુને પોતાના અસ્ત્રવીર્યથી તે સેનાનો સંહાર કરવા માંડ્યો.એ વખતે અર્જુનનો રથ સિંધુરાજથી એક કોષ જેટલો દૂર ઉભો હતો.એટલે શ્રીકૃષ્ણ અર્જુનને કહેવા લાગ્યા કે-'હે અર્જુન તું તારા ધનુષ્યનો ટંકાર કર ને હું મારો શંખ અત્યંત જોશથી વગાડું છું' એટલે અર્જુને જોરથી ધનુષ્યનો ટંકાર કર્યો ને મોટી બાણવૃષ્ટિ કરીને શત્રુઓને પીડવા માંડ્યા.
અર્જુનના ગાંડીવના ટંકારથી અને શ્રીકૃષ્ણના શંખનાદથી યોદ્ધાઓ નિઃસત્વ થઈને પૃથ્વી પર પડવા લાગ્યા,તે જોઈને જયદ્રથના રક્ષક યોદ્ધાઓ પોતાના અનુયાયીઓ સાથે એકદમ ખળભળી ઉઠયા ને સિંહનાદો કરવા લાગ્યા.તેમના ઘોર શબ્દોને સાંભળીને શ્રીકૃષ્ણ અને અર્જુને ફરી પોતપોતાના ઉત્તમ શંખો વગાડ્યા કે જેના ધ્વનિથી આખી પૃથ્વી વ્યાપ્ત થઇ ગઈ.દશે દિશામાં તે શબ્દ ફરી વળ્યો ને તેના પડઘારુપે ફરી પાછો રણભૂમિ પર પછડાયો.કૌરવ યોદ્ધાઓ અતિ ગભરાટમાં પડી ગયા,ને કવચધારી બે કૃષ્ણોને જોઈને તેમની સામે ધસી ગયા તે ઘણું આશ્ચર્યકારી હતું (49)
અધ્યાય-103-સમાપ્ત