અધ્યાય-૧૦૪-કૌરવોનો ઘેરો
II संजय उवाच II तापका हि समीक्ष्यैव धृष्यन्धकपुरुत्तमो I ग्रागत्वरज्जिधांरांतस्तथैव विजयः परान् II १ II
સંજય બોલ્યો-તમારા પક્ષના યોદ્ધાઓ એ પ્રમાણે શ્રીકૃષ્ણ તથા અર્જુનને ત્યાં આગળ જોઈને તેમને મારી નાખવાની ઈચ્છાથી એકદમ ઉતાવળ કરવા લાગ્યા અને અર્જુન પણ પોતાના શત્રુઓને મારી નાખવા ઇચ્છીને ઉતાવળ કરવા લાગ્યો.ત્યારે ભૂરિશ્રવા,શલ,કર્ણ,વૃષસેન,જયદ્રથ,કૃપાચાર્ય,મદ્રરાજ,અને અશ્વત્થામા-એ આઠ મહારથીઓ જાણે આકાશને પી જતા હોય,તેમ જોશભેર અર્જુન પર ચઢી આવ્યા હતા.તે દંશીલા મહારથીઓએ તીક્ષ્ણ બાણો મૂકીને અર્જુનની દશેય દિશાઓને ઢાંકી દીધી હતી.તેઓ પોતપોતાના શંખો વગાડવા લાગ્યા અને આકાશ તથા સમુદ્ર સહીત પૃથ્વીને ગજાવી મૂકવા મંડ્યા.
અર્જુને અને વાસુદેવે પણ પોતાના શંખોને વગાડીને સર્વ દિશાઓને ભરી દીધી.દુર્યોધનના હિતેચ્છુ એવા તે મહારથીઓ એ શબ્દને સહન કરી શક્યા નહિ અને અત્યંત ક્રોધાયમાન થઈને અર્જુને કરેલા વેરનો બદલો લેવા સજ્જ થયા.તે પછી,દુર્યોધન તથા બીજા આઠ મહારથીઓએ જયદ્રથનું રક્ષણ કરવા માટે અર્જુનને ઘેરી લીધો.તેમાંથી અશ્વત્થામાએ વાસુદેવને તોંતેર બાણોથી,અર્જુનનને ત્રણ બાણોથી અને તેના ઘોડા તથા ધ્વજ પર પાંચ બાણોથી પ્રહાર કર્યો.જનાર્દનને વીંધાયેલા જોઈને અર્જુન અત્યંત ક્રોધાયમાન થયો ને તેણે અશ્વત્થામા પર છસો બાણોનો પ્રહાર કર્યો.
વળી,કર્ણને દશ બાણોથી,વૃષસેનને ત્રણ બાણોથી વીંધી,શલ્યના ધનુષ્યના ટુકડા કરી નાખ્યા ત્યારે શલ્યે બીજું ધનુષ્ય લીધું ને અર્જુનને વીંધી નાખ્યો.હવે,ભૂરિશ્રવાએ,કારણે,વૃષસેને,જયદ્રથે,કૃપાચાર્યે અને મદ્વરાજે બાણો મૂકીને અર્જુનને વીંધ્યો.અશ્વત્થામાએ ફરી અર્જુન અને વાસુદેવ પર બાણો માર્યા એટલે અર્જુને પોતાના હાથની ચાલાકી દર્શાવીને સર્વને સામા વીંધી નાખવા લાગ્યો.તેણે કર્ણને બાર બાણો માર્યા,વૃષસેનને ત્રણ બાણોથી વીંધી નાખી,શલ્યને દશ બાણોથી વીંધ્યો.વળી ભૂરિશ્રવા,અશ્વત્થામા,ને કૃપાચાર્ય પાર સો સો બાણોનો પ્રહાર કરીને તેમને વીંધી નાખ્યા.પછી,ભૂરિશ્રવાએ એકદમ ક્રોધ કરીને શ્રીકૃષ્ણના હાથ રહેલી ચાબૂકને કાપી નાખી ને અર્જુન પર તોંતેર બાણોનો પ્રહાર કર્યો.ત્યારે અર્જુન સેંકડો બાણો સામે મૂકીને તે શત્રુઓને આગળ વધતા અટકાવવા લાગ્યો હતો.(35)
અધ્યાય-104-સમાપ્ત