અધ્યાય-૧૦૫-મહારથીઓની ધજાઓનું વર્ણન
II धृतराष्ट्र उवाच II ध्वजान् बहुविधाकारान भ्राजमानानतिश्रिया I पार्थानां मामकानां तान्ममाचक्ष्व संजय II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,પાંડવોની તથા મારા યોદ્ધાઓની અનેક પ્રકારના આકારવાળી ધજાઓ વિષે તું મને કહે.
સંજય બોલ્યો-તે યોદ્ધાઓની ધજાઓ અનેક પ્રકારનું હતી,તેમના આકાર રંગ અને નામ વિષે હું તમને કહું છું સાંભળો.તે જુદુજુદી જાતની ધજાઓ અગ્નિ સરખી,વિવિધ રંગોવાળી ને બધી લગભગ સુવર્ણની જ હતી.અર્જુનની ધજા સિંહસમાન પૂંછડાવાળા તથા ઉગ્ર મુખવાળા વાનરના ચિહ્નવાળી હતી ને ભયકંર દેખાતી હતી.પતાકાઓથી શોભતો અર્જુનનો ધ્વજ કૌરવોના સૈન્યને ત્રાસ પમાડતો હતો.
અશ્વત્થામાનો ઉત્તમ ધ્વજ સિંહના પૂંછડાના ચિહ્નવાળો,બાલસૂર્ય સમાન હતો.કર્ણના ધ્વજમાં હાથીની કેડે બાંધવાના સોનેરી પટ્ટાનું ચિહ્ન હતું.કૃપાચાર્યના રથ પર વૃષભના ચિહ્નવાળી ધજા શોભતી હતી.વૃષસેનના રથ પર મણિ ને રત્નથી જડેલો મયૂરની ચિહ્નવાળો ધ્વજ ફરકતો હતો.શલ્યના ધ્વજમાં અગ્નિની શીખ સમાન સુવર્ણની ક્ષેત્રરેખા જોવામાં આવતી હતી.સિંધુરાજના ધ્વજ પર રૂપેરી રંગનો વરાહ ચિત્રિત હતો.ભૂરિશ્રવાના ધ્વજમાં યાજ્ઞિય પશુબંધનના સ્તંભનું ચિહ્ન હતું.જેમાં એકબાજુ ચંદ્ર દેખાતો હતો.શલના ધ્વજમાં મહાન હાથી શોભતો હતો.દુર્યોધનના ધ્વજમાં મણિજડિત અને સુવર્ણમય એવો હાથી પ્રકાશતો હતો.તમારી સેનામાં એ નવ મહાધ્વજો ઘણા ઊંચા હોઈને સૂર્યની જેમ શોભતા હતા.તેમાં દશમો એક અર્જુનનો જ વાનરચિહ્નવાળો ધ્વજ ફરકતો હતો.તે ધ્વજથી અર્જુન શોભતો હતો.
તે પછી,શત્રુઓને તપાવનારા તે મહારથીઓએ અર્જુનનો વધ કરવા તરેહતરેહ ધનુષ્યો હાથમાં ઉઠાવ્યાં.ને અર્જુને પણ પોતાનું ગાંડીવ હાથમાં લીધું.હે રાજન,તમારા દુષ્ટ વિચારોના પરિણામે જ આ ધાંધલ ઉભું થયું છે.ને તમારા અપરાધથી જ અનેક નિર્દોષ રાજાઓ માર્યા ગયા છે.એ વેળા સામસામા ગર્જના કરતા દુર્યોધન આદિ આઠ મહારથીઓનો ને અર્જુનનો સામસામે મારો શરુ થયો,તે વખતે અર્જુને અદભુત કર્મ કરવા માંડ્યું હતું.પુરુષોમાં વ્યાઘ્ર સરખા અર્જુને હજારો બાણો મૂકીને તમારા પક્ષના યોદ્ધાઓને અદૃશ્ય કરી દીધા હતા.તેમ જ તે સર્વ મહારથીઓએ પણ ચારે બાજુથી અસંખ્ય બાણો છોડીને અર્જુનને રણમાંથી અદૃશ્ય કરી દીધો,ત્યારે તમારા સૈન્યમાં હર્ષનાદ થઇ રહ્યો હતો.(38)
અધ્યાય-105-સમાપ્ત