અધ્યાય-૧૦૬-દ્રોણનો પાંડવો પર ધસારો-યુધિષ્ઠિરનું પાછા હટવું
II धृतराष्ट्र उवाच II अर्जुने सैन्धवं प्राप्ते भरद्वाजेन संवृताः I पांचलाः कुरुभिः सार्ध किमकुर्वत संजय II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,જે સમયે અર્જુન સિંધુરાજ પાસે પહોંચ્યો ત્યારે દ્રોણાચાર્યથી ઘેરાયેલા પાંચાલોએ કેવું યુદ્ધ કર્યું હતું?
સંજય બોલ્યો-હે મહારાજ,તે દિવસના પાછળના ભાગમાં રુંવાં ઊભાં થઇ જાય તેવા કૌરવ-પાંચાલના એ સંગ્રામમાં દ્રોણાચાર્યના વધ માટેનો યુદ્ધજુગાર આરંભાયો.પાંચાલો મનમાં હર્ષિત થઈને ગર્જનાઓ કરી કરીને બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા હતા ને કૌરવો સાથેનું તેમનું તુમુલ યુદ્ધ શરુ થયું હતું.મોટા મોટા અસ્ત્રોનો પ્રયોગ કરતા પાંચાલરથીઓ પૃથ્વીને કંપાવતા કંપાવતા સાધારણ વેગથી દ્રોણના રથ સુધી આવી પહોંચ્યા.
ત્યાં,કેકયોનો મહારથી બૃહત્ક્ષત્ર તીક્ષ્ણ બાણો છોડતો દ્રોણાચાર્ય પર ચઢી ગયો હતો.તેની સામે ક્ષેમધૂર્તિ ધસી આવ્યો હતો.ચેદિરાજ ધૃષ્ટકેતુ અત્યંત બળથી દ્રોણ સામે ધસ્યો ત્યારે વીરધન્વા તેની સામે ધસી આવ્યો.પછી,દ્રોણાચાર્ય,યુધિષ્ઠિરને સૈન્ય સહીત અટકાવવા લાગ્યા.નકુલને ધસી આવતો જોઈને વિકર્ણ તેની સામે ધસ્યો ને સહદેવ સામે દુર્મુખનું યુદ્ધ શરુ થયું હતું.વ્યાઘ્રદત્તે તીક્ષ્ણ બાણો છોડીને સાત્યકિને અટકાવી રાખ્યો હતો ને સૌમદત્તિએ દ્રૌપદીના મહારથી પુત્રોને અટકાવ્યા હતા.ભીમસેનને અલંબુશ રોકવા લાગ્યો,ને તેમનું અદભુત યુદ્ધ થઇ રહ્યું હતું.
તે પછી,યુધિષ્ઠિરે નેવું બાણો મૂકીને દ્રોણાચાર્યને સર્વ મર્મસ્થાનોમાં પ્રહાર કર્યો.સામે દ્રોણાચાર્યે વીસ બાણોથી પ્રહાર કર્યો કે જે બાણોનો,યુધિષ્ઠિરે પોતાની હાથચાલાકી બતાવી નાશ કર્યો.એટલે કોપેલ આચાર્યે,યુધિષ્ઠિરના ધનુષ્યના ટુકડા કરી નાખ્યા અને અનેક હજાર બાણ મૂકીને યુધિષ્ઠિરને છાઈ દીધા કે જેથી અદૃશ્ય થયેલા યુધિષ્ઠિરને સર્વ લોકો મરણ પામેલા જ માનવા લાગ્યા.પરમ સંકટમાં આવી પડેલા યુધિષ્ઠિરે નવું દિવ્ય ધનુષ્ય હાથમાં લઈને આચાર્યના હજારો બાણોનો નાશ કરીને મહાઘોર શક્તિ હાથમાં લઈને આચાર્ય સામે ફેંકી.
શક્તિને સામે આવતી જોઈને આચાર્યે બ્રહ્માસ્ત્ર પ્રગટ કર્યું કે જે શક્તિને ભસ્મ કરીને યુધિષ્ઠિરના રથ સામે ધસ્યું.યુધિષ્ઠિરે તે બ્રહ્માસ્ત્રને,સામે બ્રહ્માસ્ત્ર મૂકીને શાંત કરી દીધું,ને પાંચ બાણો મૂકીને દ્રોણને વીંધી ને તેમના ધનુષ્યના ટુકડા કરી નાખ્યા.ત્યારે દ્રોણે યુધિષ્ઠિર સામે એક ગદા ફેંકી,કે જેની સામે યુધિષ્ઠિરે પણ ગદા ફેંકી.તે બંને ગદાઓના અથડાવાથી અગ્નિ પેદા થયો ને બંને નિષ્ફળ થઈને જમીન પર પડી.ક્રોધાયમાન થયેલા દ્રોણે.યુધિષ્ઠિરના ઘોડાઓને મારી નાખી તેમના ધનુષ્યને કાપી નાખ્યું.
એટલે ઘોડા વિનાના થયેલા યુધિષ્ઠિર રથમાંથી નીચે કૂદી પડ્યા ને હથિયાર વિના હાથ ઊંચા કરીને ત્યાં ઉભા રહ્યા.
જ્યારે આચાર્ય તેમની સામે ધસ્યા,ત્યારે યુધિષ્ઠિર સત્વર સહદેવના રથ પર ચડી ગયા ને યુદ્ધમાંથી પાછા હઠી ગયા(47)
અધ્યાય-106-સમાપ્ત
