અધ્યાય-૧૦૭-ક્ષેમધૂર્તિ,વીરધન્વા,નિરમિત્ર અને વ્યાઘ્રદત્તનું પતન
II संजय उवाच II बृहत्क्षत्रमथायांतं कैकयं द्रढविक्रमं I क्षेमधुर्तिर्महाराज विव्याधोरसि मार्गणैः II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,દૃઢ પરાક્રમવાળા કેક્યવંશના બૃહત્ક્ષત્ર(ધૃષ્ટકેતુ)ને રણમાં ધસી આવતો જોઈને ક્ષેમધૂર્તિએ તેને બાણોથી છાતીમાં વીંધી નાખ્યો.તે સામે બૃહત્ક્ષત્રે દ્રોણાચાર્યના સૈન્યને તોડી નાખવાની ઈચ્છાથી તેને નેવું બાણોથી પ્રહાર કર્યો. ક્ષેમધૂર્તિએ એક ભલ્લ બાણથી તેનું ધનુષ્ય કાપી નાખ્યું.એટલે બૃહત્ક્ષત્રે નવું ધનુષ્ય લઈને એક ક્ષણવારમાં જ ક્ષેમધૂર્તિને ઘોડા,સારથિ ને રથ વગરનો કરીને બીજું એક તીક્ષ્ણ બાણ મૂકીને ક્ષેમધૂર્તિના મસ્તકને ધડથી જુદું કરી નાખ્યું.ને હર્ષમાં આવી તે એકદમ કૌરવોના સૈન્ય તરફ ધસી ગયો.
ધસી આવતા ધૃષ્ટકેતુ (બૃહત્ક્ષત્ર કે ચેદિરાજ)ને જોઈને વીરધન્વાએ તેને અટકાવ્યો.બંને વચ્ચે તુમુલ યુદ્ધ થયું.વીરધન્વાએ ધૃષ્ટકેતુના ધનુષ્યને કાપી નાખ્યું ત્યારે ધૃષ્ટકેતુએ એક મહાન શક્તિ વીરધન્વા સામે ફેંકી કે જેનાથી તેનું હૃદય ચિરાઈ ગયું અને તે સત્વર રથ પરથી ઘરની પર ઢળી પડ્યો.ત્રિગર્તોનો એ મહારથી વીરધન્વા માર્યો ગયો એટલે પાંડવ પક્ષના યોદ્ધાઓ ચારે બાજુથી તમારા સૈન્યમાં ભંગાણ પાડવા લાગ્યા.એ સમયે દુર્મુખે સહદેવના પર સાઠ બાણો ફેંકીને મોટી ગર્જના કરવા લાગ્યો.સામે સહદેવે તીક્ષ્ણ બાણો મારીને તેના ઘોડાઓને ને સારથિને મારી નાખ્યા.વળી તેના ધનુષ્યને કાપી નાખ્યું.એટલે દુર્મુખ ઉદાસ થઇ ગયો ને રથ વગરનો થયેલો તે પોતાના રથનો ત્યાગ કરીને સેનાના મધ્યમાં રહેલા નિરમિત્રના રથમાં ચડી ગયો.
કોપાયમાન થયેલા સહદેવે સેનાના મધ્યમાં રહેલા તે નિરમિત્રના માથાને ધડથી જુદું કરી નાખ્યું.રાજપુત્ર નિરમિત્રને આમ મરણ પામેલો જોઈને ત્રિગર્ત યોદ્ધાઓમાં મહાન હાહાકાર થઇ રહ્યો.એ અરસામાં નકુલે તમારા પુત્ર વિકર્ણને એક મુહૂર્તમાં જ જીતી લીધો,તે એક અતિ આશ્ચર્ય જેવું બન્યું હતું.ત્યાં વ્યાઘ્રદત્તે બાણો મૂકીને સાત્યકિને સેનાના મધ્યમાં અદ્રશ્ય કરી દીધો હતો.ત્યારે સાત્યકિએ અત્યંત ક્રોધાયમાન થઈને તેના બાણોનું વારણ કરીને,તે વ્યાઘ્રદત્તને ઘોડા,સારથી સાથે રણમાં ઢોળી પડ્યો.
મગધરાજનો કુમાર તે વ્યાઘ્રદત્ત જયારે રણમાં માર્યો ગયો ત્યારે માગધ યોદ્ધાઓ ચોમેરથી સાત્યકિ સામે ધસી આવ્યા ને એકીસાથે તેની સામે લડવા લાગ્યા.પણ બળવાન સાત્યકિએ તે બધાને હસતાં હસતાં સહેજવારમાં જ જીતી લીધા.મરતાં મરતાં બચેલા બાકી રહેલા માગધ યોદ્ધાઓ ચારે બાજુ નાસભાગ કરવા લાગ્યા.અને આમ સાત્યકિએ તમારા સૈન્યમાં ભંગાણ પાડ્યું.સાત્યકિએ ફેલાવેલા અત્યંત ત્રાસથી તમારું સૈન્ય તેની સામે યુદ્ધ કરવા થતું નહોતું,તે જોઈને દ્રોણ અત્યંત કોપાયમાન થઈને પોતે જાતે જ સાત્યકિ સામે ધસી આવ્યા.(39)
અધ્યાય-107-સમાપ્ત