અધ્યાય-૧૦૮-રાક્ષસ અલંબુષની હાર
II संजय उवाच II द्रौपदेयान महेष्वासान सौमदत्तिर्महायशाः I अकैकं पम्चभिर्विद्ववा पुनर्विव्याध सप्तभिः II १ II
સંજય બોલ્યો-મહાયશસ્વી સૌમદત્તિએ મહાધનુર્ધર એવા દ્રૌપદીના દરેક પુત્રને પાંચ પાંચ બાણોથી વીંધીને ફરી તેમને સાત સાત બાણોથી વીંધી નાખી તેઓને એટલા બધા પીડિત કરી નાખ્યા કે તેઓ મૂઢ જેવા થઇ ગયા.પણ નકુલના પુત્ર શતાનીકે સૌમદત્તિને બે બાણોથી વીંધીને હર્ષપૂર્વક ગર્જના કરી મૂકી.તેટલામાં બીજા ભાઈઓએ સાવધ થઈને ત્રણ ત્રણ બાણો મૂકીને સૌમદત્તિને વીંધ્યો.સામે સૌમદત્તિએ દરેકને એક એક બાણોથી છાતીમાં પ્રહાર કર્યો,એટલે પાંચે ભાઈઓ સાથે મળીને તે સૌમદત્તિને ઘેરી લીધો ને બાણોનો પ્રહાર કરીને તેને વીંધવા માંડ્યો.
હવે,અર્જુનના પુત્રે સૌમદત્તિના ઘોડાઓને મારી નાખ્યા.ભીમસેનના પુત્રે સૌમદત્તિનું ધનુષ્ય કાપી નાખ્યું.યુધિષ્ઠિરના પુત્રે તેના ધ્વજને કાપી નાખ્યો,ને નકુલના પુત્રે તેના સારથિને રથ પરથી ગબડાવી મુક્યો.પોતાના ભાઈઓએ સૌમદત્તિને હરાવેલો જોઈને સહદેવના પુત્રે એક ક્ષુરપ્ર બાણ મૂકીને સૌમદત્તિના મસ્તકને કાપી નાખ્યું.સૌમદત્તિને મરણ પામેલો જોઈને તમારા પક્ષના યોદ્ધાઓ સર્વ દિશાઓમાં નાસભાગ કરવા લાગ્યા.એ વેળા રાક્ષસ અલંબુષ ભીમસેન સામે યુદ્ધ કરતો હતો.ભીમે જયારે તેને નવ તીક્ષ્ણ બાણોથી વીંધ્યો ત્યારે તે ગર્જના કરીને ભીમ સામે ધસ્યો ને પાંચ બાણોથી ભીમને વીંધીને તેના ત્રણસો રક્ષક યોદ્ધાઓનો નાશ કરી નાખ્યો.અલંબુષથી વીંધાયેલો ભીમસેન ઘડીક મૂર્છાવશ થયો પણ તરત જ ભાનમાં આવીને તેણે પોતાનું ઘોર ધનુષ્ય ખેંચીને સડસડાટ છોડેલાં તીક્ષ્ણ બાણોથી તે રાક્ષસ અલંબુષને ચોતરફથી પીડી નાખ્યો.
ભીમસેનના બાણોથી અલંબુષ ઘણો ઘાયલ થયો ત્યારે તેને ભીમસેને મારી નાખેલા પોતાના ભાઈ બકાસુરનું સ્મરણ થયું,એટલે તે ભયંકર સ્વરૂપ ધારણ કરીને ભીમસેનને કહેવા લાગ્યો કે-'ઉભો રહે,તેં મારા ભાઈ બકાસુરને ને મારી ગેરહાજરીમાં મારી નાખ્યો હતો પણ હવે મારુ પરાક્રમ તું જો' એમ કહીને તે ત્યાંથી અંતર્ધાન થઈને મોટી બાણવૃષ્ટિ કરીને ભીમને છાઈ દેવા મંડ્યો.સામે ભીમસેને પણ બાણો મૂકીને આકાશને ભરી દીધું એટલે ભીમસેનના બાણોથી ઘાયલ થઈને તે પલકવારમાં રથમાં આવીને બેઠો,ને પલકવારમાં સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરીને આકાશમાં ચાલ્યો ગયો.ને મેઘની જેમ ગર્જના કરવા લાગ્યો.
ત્યાં જોતજોતામાં તો તેણે આકાશમાંથી અતિ દારુણ શસ્ત્રવૃષ્ટિ કરી મૂકી,કે જેનાથી ઘણા સૈનિકો,ઘોડાઓ,હાથીઓ માર્યા ગયા.તે રાક્ષસે અનેક રાક્ષસગણો પેદા કર્યા ને રણભૂમિ પર લોહીની નદી વહાવી દીધી.અલંબુષને નિર્ભય થઈને સંગ્રામમાં ઘૂમી રહેલો જોઈને પાંડવ યોદ્ધાઓ અત્યંત ખિન્ન થઇ ગયા ને ફાટી આંખે તેનું પરાક્રમ જોઈ રહ્યા.ત્યારે તમારા સૈન્યમાં મોટો હર્ષનો મોટો શબ્દ થઇ રહ્યો.કે જેને ભીમસેન સાંખી શક્યો નહિ ને તેણે અત્યંત ક્રોધિત થઈને વિશ્વકર્માનું અસ્ત્ર સાંધ્યુ.તરત જ ત્યાં ચારે બાજુ હજારો બાણો પ્રગટ થયાં અને તમારા સૈન્યમાં મોટી નાસભાગ થઇ રહી.ભીમસેનના તે અસ્ત્રે રાક્ષસની મહાન માયાનો નાશ કરી મુક્યો ને તેને ખુબ ગભરાવી મૂક્યો.પીડાયેલો રાક્ષસ ભીમનો ત્યાગ કરીને દ્રોણાચાર્યના સૈન્ય તરફ નાસી ગયો.આમ,ભીમે જયારે તે રાક્ષસનો પરાજય કર્યો ત્યારે પાંડવોએ સિંહનાદો કરીને સર્વ દિશાઓ ગજાવી મૂકી.(44)
અધ્યાય-108-સમાપ્ત